UN Report : સમુદ્ર સપાટી વધતાં કોલકાતા-મુંબઈમાં લાખો લોકો પોતાનું ઘર ગુમાવી શકે છે

Spread the love

સમુદ્રની સપાટીમાં સતત થઈ રહેલા વધારાને કારણે ભારતના કોલકાતા અને મુંબઈ સહિત દક્ષિણ એશિયાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લાખો લોકો પર પોતાના ઘર ગુમાવવાનો ‘તાત્કાલિક ખતરો’ ઊભો થયો છે એમ સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલમાં આ ગંભીર ચેતવણી આપવામાં આવી છે.

 

UN મહાસચિવના ‘સમુદ્ર સપાટી વધવા સંબંધી પડકારો અને તેના ઉકેલના ઉપાયો અને અભિગમ’ શીર્ષક ધરાવતા અહેવાલમાં જણાવાયું છે કે, ‘સમુદ્રની સપાટીમાં વધારો હવે દૂરનો ખતરો રહ્યો નથી.તે અત્યારે જ થઈ રહ્યો છે અને નોંધાયેલા ઇતિહાસમાં અગાઉ ક્યારેય જોવા ન મળ્યો હોય તેટલી ઝડપથી વધી રહ્યો છે. આ ગતિ સતત વધી રહી છે.’

 

અહેવાલ અનુસાર, સમુદ્રની સપાટીમાં વધારાથી પહેલેથી જ શહેરી માળખાં, પાણીની વ્યવસ્થા, પરિવહન નેટવર્ક, ઊર્જા ગ્રીડ, ઇમારતો અને ભૂગર્ભ જળસ્રોતોને નુકસાન થઈ રહ્યું છે. તેના કારણે માનવ અધિકારોના અસરકારક અમલ, લાંબા ગાળાના વિકાસ અને નાણાકીય સ્થિરતા સામે ગંભીર પડકારો ઊભા થઈ રહ્યા છે.

 

અહેવાલમાં જણાવાયું છે કે સમુદ્રની સપાટી વધવાથી ઊભા થતા જોખમો અલગ-અલગ વિસ્તારોમાં અલગ પ્રકારના છે. અમેરિકાના મિયામી અને ન્યૂયોર્ક તેમજ ચીનના ગુઆંગઝોઉ જેવા ઊંચી આવક ધરાવતા શહેરોમાં દરિયાકાંઠાના માળખાં અને સંપત્તિઓને થનારા આર્થિક નુકસાનનું જોખમ મુખ્ય ચિંતાનો વિષય છે. અહીં જોખમ હેઠળની સંપત્તિનું મૂલ્ય અંદાજે 2 ટ્રિલિયનથી 3.5 ટ્રિલિયન અમેરિકી ડોલર વચ્ચે છે.

 

બીજી તરફ, દક્ષિણ એશિયાના નીચાણવાળા ડેલ્ટા વિસ્તારોમાં—ભારતના કોલકાતા અને મુંબઈ તથા બાંગ્લાદેશના ઢાકા જેવા શહેરોમાં—સૌથી મોટો ખતરો માનવ સ્થળાંતરનો છે. અહેવાલ મુજબ 1.4 કરોડથી વધુ લોકો પોતાના ઘર કાયમી રીતે પાણીમાં ગરકાવ થવાના કારણે તાત્કાલિક ઘરવિહોણા થવાના જોખમ હેઠળ છે.

 

યુનાઇટેડ નેશન્સે કહ્યું છે કે આ તફાવતને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોની નબળાઈ અને જોખમનું મૂલ્યાંકન કરવા માટે ઉપયોગમાં લેવાતા માપદંડોને વધુ વ્યાપક બનાવવાની જરૂર છે. માનવજીવન અને સ્થળાંતર સાથે સંકળાયેલા સામાજિક જોખમોને પણ નાણાકીય નુકસાન જેટલી જ તાકીદ સાથે જોવાની જરૂર છે.

 

અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે સમુદ્રની સપાટી વધવાથી જાહેર આરોગ્ય પર પણ ગંભીર અસર પડી રહી છે. દરિયાકાંઠાની આરોગ્ય અને સ્વચ્છતા સુવિધાઓને નુકસાન, પાણીજન્ય રોગોનું વધતું જોખમ, ગટર વ્યવસ્થામાં વિક્ષેપ, ઇજાઓ અને મૃત્યુનું વધતું જોખમ તેમજ માનસિક તણાવમાં વધારો તેની અસરોમાં સામેલ છે. સમુુદ્રની સપાટીમાં વધારો અને જમીન ધસી જવાની પ્રક્રિયા સાથે મળીને પૂરનું જોખમ વધુ ગંભીર બનાવી રહી છે. તેના કારણે દરિયાકાંઠાની ઇકોસિસ્ટમને નુકસાન થઈ રહ્યું છે અને માનવજીવન, રોજગાર તથા મહત્વપૂર્ણ જળચર પર્યાવરણ અને તેના રહેઠાણોને નુકસાન વધી રહ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *