અમેરિકામાં સુરતના વેપારીને સાડા ચાર વર્ષની જેલ: એસિડિટીની દવાના નામે ડ્રગ્સના કેમિકલની હેરાફેરીમાં ઝડપાયો

Spread the love

અમેરિકામાં ભારે તબાહી મચાવનાર ઘાતક ડ્રગ્સ ‘ફેન્ટેનાઇલ’ (Fentanyl) બનાવવાનું રસાયણ ગેરકાયદે રીતે મોકલવાના ગુનામાં સુરતના એક વેપારીને યુએસ કોર્ટે 4 વર્ષથી વધુ સમયની જેલની સજા સંભળાવી છે. આ આરોપી સુરતસ્થિત તેની કેમિકલ કંપની દ્વારા યુએસ અને મેક્સિકોમાં આ કેમિકલ્સનું સ્મગલિંગ કરતો હતો.

 

સુરતની કંપનીથી ચાલતું સ્મગલિંગ નેટવર્ક

 

યુએસ ડિસ્ટ્રિક્ટ જજ પામેલા કે.ચેને સુરતની ‘રેક્સુટર કેમિકલ્સ’ કંપનીના માલિક 37 વર્ષીય ભાવેશ લાઠિયાને 54 મહિના (સાડા ચાર વર્ષ)ની જેલની સજા ફટકારી છે. ભાવેશે અમેરિકન કોર્ટમાં સ્મગલિંગ અને ડ્રગ્સ બનાવવાનું મુખ્ય કેમિકલ સપ્લાય કરવાનો ગુનો કબૂલ્યો હતો. કોર્ટે તેને $24,560 (આશરે રૂ. 20 લાખથી વધુ) દંડ ચૂકવવાનો આદેશ આપ્યો છે અને સજા પૂર્ણ થતાં જ તેને ભારતમાં ડિપોર્ટ કરી દેવાશે.

 

એરપોર્ટ અને કસ્ટમ્સથી બચવા ખોટાં લેબલ

 

પાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, સુરતથી આ કેમિકલ્સ આંતરરાષ્ટ્રીય કુરિયર અને પાર્સલ દ્વારા મોકલાતા હતા. કસ્ટમ્સ અને તપાસ એજન્સીઓ પકડી ના પાડે તે માટે ભાવેશ પાર્સલ પર ખોટી વિગતો અને બનાવટી લેબલ લગાવતો હતો.

 

વિટામિન C ના નામે પાર્સલ: 29 જૂન, 2024ના રોજ ન્યૂ યોર્ક મોકલેલા પાર્સલ પર ‘વિટામિન C’ લખેલું હતું. પરંતુ તપાસ કરતા તેમાંથી ‘1-Boc-4-piperidone’ નામનું કાયદાકીય રીતે પ્રતિબંધિત કેમિકલ મળ્યું હતું, જે ફેન્ટેનાઇલ ડ્રગ્સ બનાવવામાં મુખ્ય ઘટક તરીકે વપરાય છે.

એન્ટાસિડ (એસિડિટીની દવા)ના નામે હેરાફેરી: ઓક્ટોબર 2024માં અમેરિકન એજન્સીના એક ગુપ્ત અધિકારી (અંડરકવર એજન્ટ) સાથેની વીડિયો કોલમાં ભાવેશે 20 કિલો કેમિકલ વેચવાની વાત કરી હતી. તપાસથી બચવા તેણે પાર્સલ પર એસિડિટીની દવા (એન્ટાસિડ)નું લેબલ મારવાનું નક્કી કર્યું હતું અને 23 નવેમ્બર, 2024ના રોજ તે ન્યૂ યોર્ક મોકલી પણ આપ્યું હતું.

 

સપ્લાય ચેઈનના પર્દાફાશનો એજન્સીઓનો દાવો

 

ન્યૂ યોર્કના યુએસ અટર્ની જોસેફ નોસેલા જુનિયરે જણાવ્યું કે, જ્યારે અમેરિકામાં દરરોજ સેંકડો લોકો ડ્રગ્સના ઓવરડોઝથી જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે ભાવેશે પરિણામોની પરવા કર્યા વિના આ ઝેરી ડ્રગ્સ બનાવવાના કેમિકલ્સ સપ્લાય કર્યા હતા. હોમલેન્ડ સિક્યોરિટી ઇન્વેસ્ટિગેશન્સના એજન્ટ પીટ ગિઝાસે ઉમેર્યું કે, ભારતસ્થિત સપ્લાયર્સ સામે આ એક મોટી સફળતા છે અને ડ્રગ્સ બજારમાં પહોંચે તે પહેલાં જ તેની સપ્લાય ચેઇન તોડવાનો આ પ્રયાસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *