યુધ્ધનો વ્યાપ વધ્યો : હોર્મુઝમાં 86 જહાજો અટકાવાયા

Spread the love

તહેરાન, તા.3 પશ્વિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે વધુ ભયાનક રૂપ ધારણ કરી રહ્યો છે. એક તરફ હોર્મુઝ સ્ટ્રેટ માં અમેરિકન સેનાએ ઈરાન સામે કડક નાકેબંધી શરૂ કરી દીધી છે.

 

તો બીજી તરફ યમનમાં ઈરાન સમર્થિત હૂતી બળવાખોરોએ 10 બેલિસ્ટિક મિસાઈલો છોડીને ખળભળાટ મચાવી દીધો છે. આ ઘટનાક્રમથી હોર્મુઝથી લઈને યમન સુધી યુદ્ધનો ભય ચરમસીમાએ પહોંચ્યો છે.અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ ના જણાવ્યા અનુસાર, યુએસ નેવી હોર્મુઝસ્ટ્રેટમાં ઈરાન સામેની નાકાબંધીને અત્યંત સખત રીતે લાગુ કરી રહી છે. 2 સપ્ટેમ્બર સુધીમાં કાયદા અને નિયમોનું પાલન કરાવવા માટે અમેરિકન સેનાએ 86 કમર્શિયલ જહાજોના માર્ગ બદલ્યા છે. આ સિવાય 3 જહાજોને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે અને 2 જહાજો પર સવાર થઈને તપાસ હાથ ધરવામાં આવી છે.

 

અમેરિકાની કાર્યવાહી વચ્ચે યમનમાં ઈરાન સમર્થિત હૂતી બળવાખોરોએ અચાનક 10 બેલિસ્ટિક મિસાઈલો દાગીને તંગદિલી વધારી દીધી છે. યમનની સરકારી સેનાના જણાવ્યા અનુસાર, આ મિસાઈલો પશ્ચિમ યમનના વિસ્તારોને લક્ષ્‍ય બનાવીને લોન્ચ કરવામાં આવી હતી. મુખ્યત્વે તાઈઝ પ્રાંતના મોખા શહેર અને હોદેઈદાહ પ્રાંતના અલ-ખોખા જિલ્લા પર આ હુમલા કરાયા હતા.

 

યમનના સ્થાનિક સૂત્રો અનુસાર, મોટાભાગની મિસાઈલો મોખા શહેર તરફ દાગવામાં આવી હતી, જ્યાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી હૂતીઓ દ્વારા સતત ડ્રોન હુમલા પણ થઈ રહ્યા છે.

 

મિસાઈલ હુમલાની સાથે જ યમનમાં હૂતીઓ અને સરકારી દળો વચ્ચે જમીની લડાઈ પણ હિંસક બની છે. તાઈઝના અલ-કદહા-અલ-બરાહ વિસ્તારમાં હૂતી લડવૈયાઓએ જમીની આક્રમણ કર્યું હતું, પરંતુ સરકારી સેનાએ વળતો પ્રહાર કરીને તેમને પાછળ હટવા મજબૂર કર્યા હતા.

 

એક તરફ હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકન નેવી જહાજોની અવરજવર પર ચાંપતી નજર રાખીને કાર્યવાહી કરી રહી છે, અને બીજી તરફ યમનમાં હૂતી બળવાખોરોના મિસાઈલ તથા જમીની હુમલા વધી રહ્યા છે. આ બંને ઘટનાક્રમોને કારણે સમગ્ર પશ્વિમ એશિયામાં ગંભીર પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતામાં મોટો વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *