ગુજરાત સરકારની મોટી જાહેરાત: નિવૃત્તિ બાદ NPSમાંથી નાણાં ઉપાડવાના નિયમો બદલાયા

Spread the love

ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS)ના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. નવા પરિપત્ર મુજબ, નિવૃત્તિ બાદ કર્મચારીઓને પેન્શનની રકમ ઉપાડવા અને એન્યુઇટી (Annuity) ખરીદી માટે વધુ અનુકૂળ વિકલ્પો પૂરા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત, સરકારી ક્ષેત્રના NPS સભ્યોને નિવૃત્તિ પછી પણ 85 વર્ષની ઉંમર સુધી આ યોજનામાં જોડાયેલા રહેવાની વિશેષ છૂટ આપવામાં આવી છે.

રૂ. 8 લાખ સુધીની રકમ પર સંપૂર્ણ ઉપાડની છૂટ

 

નવા નિયમો અનુસાર, સામાન્ય રીતે નિવૃત્તિ સમયે મળવાપાત્ર કુલ પેન્શન રકમના ઓછામાં ઓછા 40 ટકા હિસ્સામાંથી એન્યુઇટી ખરીદવી ફરજિયાત છે. જોકે, નાના રોકાણકારોને રાહત આપતા જાહેરાત કરાઈ છે કે જો કુલ સંચિત પેન્શન રકમ 8 લાખ રૂપિયા સુધીની હશે, તો કર્મચારીને તમામ રકમ એકસાથે (એકમુશ્ત) ઉપાડી લેવાનો વિકલ્પ મળશે.

રૂ. 8 થી 12 લાખની રકમ માટે ચુકવણીના નવા વિકલ્પો

 

જો સંચિત પેન્શન રકમ 8 લાખથી 12 લાખ રૂપિયાની વચ્ચે હોય, તો કર્મચારી વધુમાં વધુ 6 લાખ રૂપિયા સુધીની રકમ એકસાથે ઉપાડી શકશે. જ્યારે બાકીની રકમ માટે ઓછામાં ઓછા છ વર્ષ સુધી સમયાંતરે (હપ્તાવાર) ચુકવણી મેળવવાનો અથવા એન્યુઇટી ખરીદવાનો વિકલ્પ આપવામાં આવશે. આ ઉપરાંત, કર્મચારીઓ તેમની એન્યુઇટી ખરીદી અને એકમુશ્ત રકમનો ઉપાડ 85 વર્ષની ઉંમર સુધી મુલતવી પણ રાખી શકશે.

સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) અને અન્ય વિશેષ જોગવાઈઓ

 

સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) કે અન્ય નિર્ધારિત કિસ્સાઓમાં, કર્મચારીએ પોતાની કુલ સંચિત રકમના ઓછામાં ઓછા 80 ટકા નાણાં એન્યુઇટી માટે ફાળવવા પડશે. પરંતુ જો આવી સ્થિતિમાં કુલ રકમ 5 લાખ રૂપિયા કે તેથી ઓછી હશે, તો સમગ્ર રકમ એકસાથે ઉપાડવાની છૂટ મળશે. આ નવા સુધારાઓ દ્વારા NPSના સરકારી અને બિનસરકારી ક્ષેત્રના સભ્યો માટે ઉપાડની અલગ-અલગ સ્પષ્ટ જોગવાઈઓ અમલી બનાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *