Surat: વિટામિન C ના લેબલ હેઠળ ઘાતક કેમિકલની દાણચોરી, સુરતના ઉદ્યોગપતિને અમેરિકામાં 54 મહિનાની જેલ

Spread the love

અમેરિકામાં સિન્થેટિક ઓપીઓઇડ ડ્રગ ‘ફેન્ટાનાઇલ’ ના કારણે દરરોજ સેંકડો લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે આ ઘાતક દવા બનાવવામાં વપરાતા પ્રાથમિક રસાયણો (Precursor Chemicals) ની ગેરકાયદે દાણચોરી કરવા બદલ ગુજરાતના સુરત સ્થિત ‘રક્ષુતાર કેમિકલ્સ’ ના વડા અને સ્થાપક ભાવેશ લાઠિયા (ઉં.વ. 37) ને ન્યૂ યોર્કના પૂર્વી જિલ્લાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે 54 મહિનાની જેલની સજા ફટકારી છે.કોર્ટ દસ્તાવેજો અનુસાર, ભાવેશ લાઠિયાની સુરત સ્થિત કંપનીએ આંતરરાષ્ટ્રીય મેઇલ અને કુરિયર સર્વિસ મારફતે યુએસ અને મેક્સિકોના ખરીદદારોને 50 પાઉન્ડથી વધુ ફેન્ટાનાઇલ બનાવવાનું કેમિકલ સપ્લાય કર્યું હતું. સરહદ પર હોમલેન્ડ સિક્યુરિટી અને કસ્ટમ્સ ચેકિંગથી બચવા માટે 29 જૂન, 2024 ના રોજ મોકલાયેલા શિપમેન્ટ પર “વિટામિન સી” નું ખોટું લેબલ લગાવાયું હતું. જોકે, લેબોરેટરી તપાસમાં તેમાંથી શેડ્યૂલ-1 નું પ્રતિબંધિત કેમિકલ ‘1-Boc-4-piperidone’ મળી આવ્યું હતું.

 

ન્યૂ યોર્ક કોર્ટે ફટકારી જેલ અને $24,560 નો દંડ

 

ન્યૂ યોર્ક સ્થિત હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન્સ (HSI) ની ટાસ્ક ફોર્સે લાઠિયાને પકડવા માટે ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ઓક્ટોબર 2024 માં ગુપ્ત અધિકારીએ ગ્રાહક બનીને વિડીયો કોલ પર લાઠિયા સાથે વાતચીત કરી હતી. જ્યારે અધિકારીએ જણાવ્યું કે “મેક્સિકોના ગ્રાહકો તમારા કેમિકલની ગુણવત્તાથી ખુશ છે”, ત્યારે લાઠિયા 20 કિલોગ્રામ વધારાનું કેમિકલ વેચવા સંમત થયો હતો અને તપાસ ટાળવા તેને ‘એન્ટાસિડ’ તરીકે લેબલ કરવાની ખાતરી આપી હતી.

 

જેલ બાદ કરાશે ભારત દેશનિકાલ

 

યુએસ એટર્ની જોસેફ નોસેલા જુનિયરે જણાવ્યું હતું કે, “જ્યારે અમેરિકા ફેન્ટાનાઇલ ઓવરડોઝની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું હતું, ત્યારે લાઠિયાએ પોતાના નફા માટે જાનલેવા ડ્રગ્સના નિર્માણ માટેના ઘટકો મોકલ્યા. આ સજા ડ્રગ સપ્લાય ચેઇનમાં સામેલ તમામ તસ્કરો માટે સ્પષ્ટ ચેતવણી છે.” લાઠિયાએ એપ્રિલમાં પોતાના ગુનાની કબૂલાત કરી હતી, જેના આધારે જજ પામેલા કે. ચેને જેલની સજા સાથે $24,560 નો દંડ ફટકાર્યો છે. જેલની સજા પૂર્ણ થયા બાદ તેને તાત્કાલિક ભારત ડેપોર્ટ (દેશનિકાલ) કરી દેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *