માત્ર બે વિદ્યાર્થિનીઓને ભણાવવા શિક્ષક 28 કિલોમીટરનું અંતર કાપે છે, રસ્તામાં ઝેરી સાપ, રીંછ, દીપડા અને જંગલી કૂતરા મળે, એક વખત ગૌરના ટોળાએ એક કલાક સુધી રોકેલા

Spread the love

મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના શિક્ષક જીવન મિથારી કવલટેક ધનગરવાડાની શાળામાં નોકરી કરવા માટે એટલા માટે ગયા, કારણ કે આ દુર્ગમ વિસ્તારમાં કામ કરવા કોઈ તૈયાર નહોતું. તેઓ ઈચ્છતા નહોતા કે બાળકોનું શિક્ષણ છૂટી જાય. તેથી તેઓ દરરોજ ગાઢ જંગલમાંથી પસાર થઈને લગભગ 5 કિલોમીટરનું અંતર કાપી શાળાએ પહોંચે છે.

 

આ શાળામાં તેઓ માત્ર બે વિદ્યાર્થિનીઓને ભણાવે છે.બંને બહેનો છે. એકની ઉંમર 8 વર્ષ છે, જ્યારે બીજી માત્ર 5 વર્ષની છે. નાની બહેને હજુ સત્તાવાર રીતે શાળામાં પ્રવેશ લીધો નથી, તેમ છતાં જીવન મિથારી તેને પણ ભણાવે છે.

 

દીપડા અને જંગલી પ્રાણીઓનો ડર

 

ગગનબાવડા તાલુકાનું કવલટેક ધનગરવાડા એક નાનું ગામ છે, જ્યાં માત્ર ત્રણ ઘરો છે. અહીં વીજળીની સુવિધા પણ નથી. આ વિસ્તાર કોલ્હાપુર જિલ્લાના સૌથી વધુ વરસાદવાળા વિસ્તારોમાંનો એક છે. પહાડી પર આવેલી શાળાએ પહોંચવા માટે મોટરસાઇકલ કે અન્ય વાહનથી જવાનો રસ્તો નથી.

 

આ સમગ્ર વિસ્તાર જંગલથી ઘેરાયેલો હોવાથી અહીં જંગલી કૂતરા, દીપડા, જંગલી ડુક્કર અને રીંછ જેવા પ્રાણીઓનો ખતરો રહે છે. તેમ છતાં જીવન મિથારી દરરોજ સવારે શાળાએ પહોંચે છે.

 

એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, જીવન મિથારીએ આ જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારી હતી. છેલ્લા 13 વર્ષથી તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પોતાના ઘર કાલે ગામથી કવલટેક ધનગરવાડા સુધીનો 28 કિલોમીટરનો પ્રવાસ કરે છે.

 

અહેવાલ મુજબ, જંગલના પ્રવેશદ્વાર પાસે વાહન પાર્ક કર્યા બાદ મિથારી લગભગ 3 કિલોમીટરની ઊભી ચઢાણ ચઢીને શાળાએ પહોંચે છે. રસ્તો ઘણી વખત લપસણો હોય છે અને જળોની પણ સમસ્યા રહે છે. આ અંગે તેમણે કહ્યું હતું કે, ચઢાણ દરમિયાન તેઓ ખૂબ સાવચેતી રાખે છે અને હેલ્મેટ પહેરીને ચાલે છે.

 

જંગલી પ્રાણીઓનો પણ સામનો

 

જીવન મિથારીના જણાવ્યા મુજબ, તેમને ઘણીવાર ગૌર એટલે કે જંગલી ભેંસ અને જંગલી કૂતરા જોવા મળે છે. જંગલમાંથી પસાર થતી વખતે તેઓ ગાય છે અથવા અવાજ કરતા રહે છે, જેથી જંગલી પ્રાણીઓને તેમની હાજરીનો ખ્યાલ આવે અને તેઓ દૂર જવા માટે સમય મેળવી શકે.

 

તેમના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં દીપડા, જંગલી ડુક્કર અને ઝેરી સાપ પણ છે. એક વખત ગૌરના ટોળાએ રસ્તો રોકી દીધો હતો, જેના કારણે તેમને એક કલાકથી વધુ સમય સુધી રાહ જોવી પડી હતી. શાળાથી લગભગ 200 મીટર દૂર લગાવવામાં આવેલા કેમેરા ટ્રેપમાં એક વખત દીપડો પણ કેદ થયો હતો.

 

શિક્ષકની લગનથી ભણી રહી છે બંને બહેનો

 

બાળકીઓના પિતા દગડૂ બોડકેએ જણાવ્યું કે જીવન મિથારીની મહેનતને કારણે જ તેમની દીકરીઓ શાળાએ જઈ શકે છે. તેમણે કહ્યું કે બીજી શાળા લગભગ 8 કિલોમીટર દૂર છે અને દીકરીઓ એટલી નાની છે કે તેઓ જંગલના રસ્તેથી આટલું અંતર પગપાળા કાપી શકે તેમ નથી. તેમણે સરકારને શાળા બંધ ન કરવાની અપીલ કરી છે.

 

દગડૂ બોડકેએ જણાવ્યું કે, જો શાળા બંધ થઈ જશે તો તેમની દીકરીઓનો અભ્યાસ અટકી જશે. તેઓ પોતે ભણેલા નથી, પરંતુ તેમની ઈચ્છા છે કે દીકરીઓ ભણે, લખતા-વાંચતા શીખે અને જીવનમાં પોતાની ઓળખ બનાવે.

 

ક્યારેક અહીં 70 પરિવાર રહેતા હતા

 

બાળકીઓની માતા સખૂબાઈએ જણાવ્યું કે એક સમયે આ વસાહતમાં લગભગ 70 પરિવારો રહેતા હતા. જોકે, રોજિંદી મુશ્કેલીઓના કારણે મોટાભાગના પરિવારો કોલ્હાપુર શહેરમાં સ્થળાંતર કરી ગયા.

 

જીવન મિથારી હવે બે વર્ષમાં નિવૃત્ત થવાના છે. તેમનું કહેવું છે કે નિવૃત્તિ પહેલાં જો શાળાની ટપકતી છતનું સમારકામ થઈ જાય તો તેમને અને અહીંના લોકોને ખૂબ ખુશી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *