અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જાણીતી લોકગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણને લઈને ચાલી રહેલા હાઈવોલ્ટેજ ડ્રામામાં હવે નવો વળાંક આવ્યો છે. કિંજલ રબારીના વકીલ હીનાબેન ઠક્કરે અપહરણના દાવાઓને ફગાવીને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. વકીલના જણાવ્યા મુજબ, કિંજલનું કોઈ અપહરણ થયું નથી, પરંતુ તેણે પોતે જ અશોક ચૌધરીને ફોન કરીને બોલાવ્યો હતો.
કિંજલના કરાવવામાં આવેલા લગ્ન ગેરકાયદેસર
હીનાબેન ઠક્કરે દાવો કર્યો કે કિંજલે પોતાની મરજીથી કારનો દરવાજો ખોલ્યો હતો અને ત્યારબાદ અશોક ચૌધરી સાથે ગઈ હતી. વકીલે વધુમાં જણાવ્યું કે કિંજલ અને અશોક ચૌધરીના લગ્ન કાયદેસર રીતે થયેલા છે અને આ લગ્નને લગતો કેસ રાધનપુરની કોર્ટમાં પેન્ડિંગ છે. વકીલના કહેવા પ્રમાણે, રબારી સમાજના યુવક સાથે કિંજલના કરાવવામાં આવેલા લગ્ન ગેરકાયદેસર છે. આ અંગેની સમગ્ર હકીકત કિંજલે અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખીને પણ જાણ કરી હોવાનું વકીલે જણાવ્યું છે.
વીડિયો પણ વાયરલ થયો
બીજી તરફ, આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ કિંજલ રબારીનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. વીડિયોમાં તેણે પોતાને ઘરે ગોંધી રાખવામાં આવી હોવાનો અને પરપુરુષ સાથે મોકલવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. તેણે પોતાની સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી. બાદમાં તે સુરક્ષિત રીતે બહાર આવી પોતાના પતિ પાસે પરત ફર્યાનું જણાવાયું હતું. આ ઘટનાને લઈને માલધારી એકતા સમિતિના અધ્યક્ષ નાગજીભાઈ દેસાઈએ સમાજના યુવાનોને લાગણીમાં આવીને કોઈ પગલું ન ભરવાની અપીલ કરી છે.
