BAPSના સાધુઓની એફિલ ટાવર વિઝિટ વખતે મહિલાઓને દૂર કરાતા વિવાદ

Spread the love

પેરિસના જગવિખ્યાત એફિલ ટાવરની સ્વામિનારાયણ સાધુઓએ મુલાકાત લીધી તે દરમિયાન મહિલા કર્મચારીઓને ત્યાંથી હટાવવામાં આવતા રોષે ભરાયેલા કર્મચારીઓ અચાનક હડતાળ પર ઉતરી જતાં એફિલ ટાવરને બંધ કરવાની ફરજ પડી, સપ્ટેમ્બર 05ના રોજ બનેલી આ ઘટનામાં BAPS સાથે સંકળાયેલા 100 જેટલા લોકો ગત શનિવારે એફિલ ટાવર જોવા માટે પહોંચ્યા હતા. તે વખતે એફિલ ટાવર પર ડ્યૂટી કરી રહેલી મહિલા કર્મચારીઓને ત્યાંથી હટાવી પુરુષ કર્મચારીઓને ગોઠવવામાં આવ્યા હતા.

BAPSના સાધુઓની એફિલ ટાવર વિઝિટ વખતે મહિલાઓને દૂર કરાતા વિવાદ

પેરિસના જગવિખ્યાત એફિલ ટાવરની સ્વામિનારાયણ સાધુઓએ મુલાકાત લીધી તે દરમિયાન મહિલા કર્મચારીઓને ત્યાંથી હટાવવામાં આવતા રોષે ભરાયેલા કર્મચારીઓ અચાનક હડતાળ પર ઉતરી જતાં એફિલ ટાવરને બંધ કરવાની ફરજ પડી, સપ્ટેમ્બર 05ના રોજ બનેલી આ ઘટનામાં BAPS સાથે સંકળાયેલા 100 જેટલા લોકો ગત શનિવારે એફિલ ટાવર જોવા માટે પહોંચ્યા હતા. તે વખતે એફિલ ટાવર પર ડ્યૂટી કરી રહેલી મહિલા કર્મચારીઓને ત્યાંથી હટાવી પુરુષ કર્મચારીઓને ગોઠવવામાં આવ્યા હતા.

જોકે, તેના કારણે નારાજ થયેલા વર્કર્સ આ ભેદભાવનો વિરોધ કરતાં હડતાળ પર ઉતરી જતાં દુનિયાભરના મીડિયામાં આ મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સ, CNN તેમજ ફ્રાંસના સૌથી મોટા અખબાર લ મોન્દેએ પણ આ ઘટનાની નોંધ લીધી હતી.

 

એફિલ ટાવરના સ્ટાફના યુનિયનનું પ્રતિનિધિત્વ કરતાં ડિયાન દેવોઈને આ મામલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે તમામ મહિલા કર્મચારીઓને જતા રહેવા માટે જણાવાયું હતું. જોકે, તેનાથી તમામ એમ્પ્લોઈઝ અને ખાસ તો મહિલાઓ ખૂબ જ નારાજ થઈ હતી અને તેમને પોતાનું અપમાન કરાયું હોય તેવી લાગણી થતાં તેમણે તેનો સખ્ત વિરોધ નોંધાવ્યો હતો. ફ્રાંસના પ્રતિક મનાતા એફિલ ટાવર પર મહિલાઓ સાથે આવો ભેદભાવ થવો ખૂબ જ ગંભીર બાબત છે તેવું જણાવતા તેમણે એવું પણ કહ્યું હતું કે શનિવારથી જ સ્ટાફ આ પ્રકારના ભેદભાવથી આઘાતમાં હતો જેથી સોમવારે એફિલ ટાવરને મુલાકાતીઓ માટે ખોલી નહોતો શકાયો.

 

પેરિસના મેયર ઈમેન્યુઅલ ગ્રેગરીએ આ મામલાની હાલ તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું છે. તેમણે એક્સ પર લખ્યું હતું કે આ પ્રકારની સ્થિતિને ક્યારેય પણ ચલાવી ના લેવાય, તે ફ્રાંસના મૂલ્યોની વિરૂદ્ધમાં છે અને એફિલ ટાવર પરથી આ રીતે કોઈને પણ દૂર ના કરી શકાય.. આ પ્લેસ પર તમામ લોકોને પોતાની ઈચ્છા અને મરજી અનુસાર ગમે ત્યાં ફરવાની છૂટ છે અને તેમાં મહિલા અને પુરુષ વચ્ચે કોઈ ભેદભાવ નથી કરાતો. એફિલ ટાવરને ઓપરેટ કરતી કંપની SETEએ આ બાબતનો સ્વીકાર કરતા જણાવ્યું હતું કે ડેલિગેશને વિઝિટ પહેલા મહિલાઓને હટાવવા માટે વિનંતી કરી હતી. કંપનીએ એવું પણ જણાવ્યું હતું કે આ પ્રકારની કન્ડિશનને સ્વીકારવી નહોતી જોઈતી.

 

આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા BAPSએ એક્સ પર એક સ્ટેટમેન્ટ પોસ્ટ કર્યું હતું જેમાં મહિલા સ્ટાફને હટાવવાના મુદ્દાનો સીધો ઉલ્લેખ કર્યા વિના એવું જણાવાયું હતું કે સંસ્થા આ બાબતને ગંભીરતાથી લે છે તેમજ આ મુલાકાતનું આયોજન એફિલ ટાવરની ટીમસાથે કોર્ડિનેશન કરીને કરવામાં આવ્યું હતું જેનો હેતુ મુલાકાતીઓને કોઈ વિક્ષેપ ના થાય તે સુનિશ્ચિત કરવાનો હતો. આ સ્ટેટમેન્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સંસ્થાની માહિતી અનુસાર આ મુલાકાત દરમિયાન કોઈને પણ એફિલ ટાવર પાસે આવતા નહોતા અટકાવાયા, જોકે તેમ છતાંય કોઈને અસુવિધા થઈ હોય તો સંસ્થા તેના માટે માફી માગે છે.

 

આ વિવાદ થયાના ત્રણ દિવસે તેના સમાચાર પબ્લિશ થયા હતા, સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ખાસ્સો ચર્ચાસ્પદ બન્યો હતો અને અમુક લોકોએ એવો પણ મત વ્યક્ત કર્યો હતો કે આ ઘટનાથી હિન્દુ ધર્મની છબી ખરાબ થઈ છે. તો બીજી તરફ, એફિલ ટાવરને મેનેજ કરતી કંપનીના સ્ટાફે સોમવારે મેનેજમેન્ટ સાથે થયેલી મિટિંગ બાદ હડતાળ પાછી ખેંચવાની તૈયારી દર્શાવતા મંગળવારથી આ પોપ્યુલર ટુરિસ્ટ ડેસ્ટિનેશનને ફરી મુલાકાતીઓ માટે ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું.

 

કંપનીનાં સ્ટાફ દ્વારા અપાયેલા એક સ્ટેટમેન્ટમાં ફીમેલ એમ્પલોઈઝને સાઈડલાઈન કરવાના નિર્દેશની ટીકા કરતા જણાવાયું હતું કે તેમની સાથે ભેદભાવ કરતા એક ડેલિગેશનની મુલાકાત દરમિયાન મહિલાઓ ક્યાંય દેખાય નહીં તે સુનિશ્ચિત કરવા ફીમેલ સ્ટાફને સાઈડલાઈન કરી દેવાયો હતો. સ્ટાફે એવો પણ દાવો કર્યો છે કે મહિલાઓને એવી સૂચના આપવામાં આવી હતી કે ડેલીગેશનના સ્વાગત વખતે કોઈ મહિલા ના દેખાવી જોઈએ, કેટલીક ફીમેલ વર્કર્સને તેમની પોસ્ટ છોડી દેવા અને અમુક એરિયામાંથી બહાર નીકળી જવા કહેવાયું હતું જ્યારે કેટલીક પોસ્ટ પર મહિલાઓની જગ્યાએ પુરુષોને ગોઠવી દેવાયા હતા. આ ઉપરાંત તમામ મહિલા કર્મચારીઓને એવી પણ સૂચના આપવામાં આવી હતી કે ડેલિગેશનની હાજરી દરમિયાન કોઈપણ તેમની આસપાસ ના આવે.

BAPS દ્વારા ફ્રાંસમાં સૌ પ્રથમ પારંપરિક હિંદુ મંદિર બનાવવામાં આવ્યું છે જેની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ મહંત સ્વામીની હાજરીમાં સપ્ટેમ્બર 06ના રોજ યોજવામાં આવી હતી. આ પહેલા સપ્ટેમ્બર 05ના રોજ પેરિસમાં યોજાયેલા મંદિર મહોત્સવમાં એફિલ ટાવર નજીક એક નગરયાત્રાનું પણ આયોજન કરાયું હતું તેમજ સપ્ટેમ્બર 02ના રોજ પાલખી યાત્રા અને તેના બીજા દિવસે જળયાત્રા પણ કાઢવામાં આવી હતી. BAPSના દુનિયાભરના અનેક દેશોમાં મંદિરો આવેલા છે. અગાઉ ન્યૂજર્સીમાં સંસ્થાના મંદિરના બાંધકામ દરમિયાન કામદારોને ઓછું મહેનતાણું આપી તેમનું શોષણ કરાયું હોવાના આક્ષેપ સાથે કોર્ટમાં કેસ પણ કરવામાં આવ્યો હતો. જોકે, સપ્ટેમ્બર 2025માં આ મામલાની તપાસ બંધ કરી દેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *