મોરબી APMC ની ચૂંટણીમાં મોટો ઉલટફેર સર્જાતા કોંગ્રેસ પ્રેરિત પરિવર્તન પેનલે બાજી મારી છે. વર્ષોથી APMC પર એકચક્રી મજબૂત પકડ ધરાવતી સહકારી પેનલની કારમી હાર થઈ છે. બે દાયકા બાદ ભાજપ પ્રેરિત સહકારી પેનલના એકચક્રી શાસનનો અંત આવ્યો છે. અને પરિવર્તન પેનલે જીતનો પરચમ લહેરાવ્યો છે. ખેડૂત વિભાગની 10 બેઠકમાંથી 7 બેઠક પર ખેડૂત પરિવર્તન પેનલની જીત થઈ છે.જ્યારે સહકારી પેનલના ફાળે 3 બેઠકો આવી છે.
વેપારી વિભાગની 4 બેઠકોમાંથી 2 બેઠકો પર સહકારી પેનલ અને 2 બેઠક પર ખેડૂત પરિવર્તન પેનલની જીત થઈ છે. મોરબી APMCમાં કોંગ્રેસ સમર્થિત પેનલની જીત અંગે કોંગ્રેસ નેતાઓએ દાવો કર્યો કે આ જીત કોંગ્રેસ સમર્થિત પેનલની નથી પણ ખેડૂતોની છે. કોંગ્રેસે દાવો કર્યો કે ખેતરમાં ખેડૂતોની મંજૂરી વગર નખાતા વીજપોલની કામગીરી સામેનો રોષ ચૂંટણીના પરિણામમાં દેખાયો છે. કોંગ્રેસ નેતાઓએ જીતનો શ્રેય ખેડૂત આંદોલનને આપ્યો છે.
