રાજ્ય GST વિભાગે રાજકોટની એનર્જી અને સોલર પેનલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા ગ્રૂપ અને તેની સાથે સંકળાયેલી આશરે 50 સહભાગી કંપની સામે GST વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ, ધોરાજી, જૂનાગઢ અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં કંપનીઓની કોર્પોરેટ તથા રજિસ્ટર્ડ ઓફિસો મળી અંદાજે 45 સ્થળોએ એકસાથે દરોડા પાડી તપાસ શરૂ કરાઈ છે.દરોડા દરમિયાન મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ડિવાઇસ તથા કરોડો રૂપિયાના હિસાબી વ્યવહારો અંગેના દસ્તાવેજો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટના લોધિકા GIDC એસ્ટેટ, મેટોડા ખાતે ગ્રૂપની મુખ્ય ઓફિસ આવેલી છે. તપાસમાં એવી વિગતો ખૂલી છે કે આ કંપની સાથે સંકળાયેલી આશરે 45થી 50 સહભાગી કંપનીનું સંચાલન એક જ સરનામા પરથી કરવામાં આવતું હતું. GST વિભાગને શંકા છે કે કંપનીઓ વચ્ચે ઇન્ટરનલ બિલિંગની વ્યવસ્થા ઊભી કરીને માલની વાસ્તવિક લે-વેચ વગર બિલિંગ કરાતું હતું. આ પ્રકારના વ્યવહારો દ્વારા કંપનીઓનું ટર્નઓવર વધારવામાં આવતું હોવાની આશંકા છે. ટર્નઓવર વધારી બેન્કોમાંથી મોટી લોન મેળવવા ઉપરાંત ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવાના પ્રયાસ થયા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
પ્રાથમિક તપાસમાં સર્ક્યુલર ટ્રેડિંગની પણ આશંકા વ્યક્ત કરાઈ છે. એટલે કે સંકળાયેલી કંપનીઓ વચ્ચે માલ અને બિલના વ્યવહારો વારંવાર ફેરવીને ટર્નઓવર ઊંચું દર્શાવાતું હોવાની શક્યતા છે. GST વિભાગ હવે જપ્ત કરાયેલા દસ્તાવેજો અને ડિજિટલ ડિવાઇસના આધારે કેટલા વ્યવહારો કરાયા અને તેના પરિણામે કેટલા પ્રમાણમાં ટેક્સની ચોરી થઈ તેની ગણતરી કરશે. દરોડા દરમિયાન શેરબજાર સાથે સંકળાયેલા વ્યવહારો અંગેની વિગતો પણ તપાસના દાયરામાં લેવામાં આવી છે. પોતાની જ કંપનીના શેરના ભાવ અને ટ્રેડિંગમાં કથિત રીતે કૃત્રિમ રીતે લેવડદેવડ કરવામાં આવી હતી કે કેમ તે જાણવા નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે. સાથે જ ઇન્કમટેક્સની ચોરી થઈ છે કે કેમ તે અંગે પણ તપાસ આગળ વધારવામાં આવશે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ વાસ્તવિક ટેક્સ ચોરી અને હિસાબી ગોટાળાની રકમ અંગે વધુ સ્પષ્ટતા થશે.
