‘બાળપણના મિત્ર’એ ન્યાય માટે PM નરેન્દ્ર મોદીનો સંપર્ક કર્યો, ભાજપના ભૂમાફિયા ધારાસભ્યએ જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ કરી

Spread the love

એક સમયે ગુજરાતના વડનગરમાં રહેતા 81 વર્ષીય અસગર અલી વોરા ‘બાળપણના મિત્ર’ નરેન્દ્ર મોદીને દિલ્હી ખાતે મળવા દોડી ગયા હતા. 37 વર્ષ અગાઉ મુંબઈના ભાયંદર પૂર્વના નવઘર વિસ્તારમાં અસગર અલી વોરાએ ખરીદેલી જમીન પર ભાજપના ધારાસભ્યએ ગેરકાયદે કબજો કરી લીધો છે. આ મામલે 12 વર્ષ અગાઉ પોલીસ ફરિયાદ થઈ છે.આમ છતાં ભૂમાફિયા ધારાસભ્યએ જમીનનો ગેરકાયદેસર કબજો કરી રાખ્યો હોવાથી અસગરઅલીએ મિત્ર નરેન્દ્ર મોદી (Narendra Modi met his friend Asghar Ali) પાસે મદદનો હાથ લંબાવી સીબીઆઈ તપાસ (CBI Investigation) ની માગ કરી હતી. વડાપ્રધાન સાથેની મુલાકાત બાદ મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશન (Mira-Bhayandar Municipal Corporation) ના સત્તાધીશોએ કાર્યવાહી આગળ ધપાવી છે.

 

નરેન્દ્ર મોદીને બાળપણના મિત્ર મળવા પહોંચ્યા

 

અસરગર અલી વોરા મૂળ મહેસાણા જિલ્લાના વડનગરના વતની છે. બાળપણમાં નરેન્દ્ર મોદી સાથે વડનગરની બી.એન. સ્કૂલ (B N School Vadnagar) માં ભણતા હોવાનો દાવો અસગરઅલીએ કર્યો છે. વોરા કહે છે કે, તેમને વડાપ્રધાનનો સકારાત્મક પ્રતિભાવ મળ્યો છે અને જેનાથી તેમને ન્યાયની આશા જાગી. ગત 8 સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદીને તેઓ મળ્યા હતા અને તેમની જમીન માલિકીના અધિકાર માટે ન્યાય અને સમગ્ર મામલાની સીબીઆઈ તપાસની માગ કરી હતી.

 

ભૂમાફિયા BJP ધારાસભ્યનો કાંડ ઉઘાડો પડ્યો

 

વર્ષ 1989માં મુંબઈના ભાયંદર પૂર્વના નવઘર વિસ્તારમાં અંદાજે 2,810 ચોરસ મીટર જમીન રજિસ્ટર્ડ દસ્તાવેજના આધારે ખરીદી હતી. તેમણે આરોપ લગાવ્યો છે કે, 2011ની આસપાસ આ કિંમતી જમીન પર ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતા (Narendra Mehta MLA) ની માલિકીના સ્વયં બિલ્ડર્સ અને સેવન ઇલેવન કન્સ્ટ્રક્શન દ્વારા ગેરકાયદેસર કબજો કરી લેવામાં આવ્યો હતો. આ મામલે વર્ષ 2015માં પોલીસ ફરિયાદ પણ થઈ હતી અને હાલમાં કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. અસગર અલી વોરાએ જાવો કર્યો છે કે, જમીન સંબંધિત નકલી દસ્તાવેજો તૈયાર કરીને તેને બે ભાગમાં વહેંચવામાં આવી હતી. જેમાં એક ભાગ પર સ્વયં બિલ્ડર્સ અને બીજા ભાગ પર સેવન ઇલેવન કન્સ્ટ્રક્શન દ્વારા કબજો કરવામાં આવ્યો હતો. છેલ્લાં ઘણા વર્ષોથી મહેસૂલ વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસને અપીલ કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. આ કારણથી જ તેમને વડા પ્રધાનને અપીલ કરવાની ફરજ પડી હતી.

 

મોદીની મુલાકાત બાદ તંત્ર જાગ્યું

 

વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે. મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રે કાર્યવાહી શરૂ કરી જમીન વિવાદની વાત નોંધમાં લીધી છે. આ મામલે આગામી 16 સપ્ટેમ્બરના રોજ સુનાવણીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં સેવન ઇલેવન કન્સ્ટ્રક્શન અને સ્વયં બિલ્ડર્સના પ્રતિનિધિઓને હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. હવે બધાની નજર આ સુનાવણીના પરિણામ પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *