ગાંધીનગર સચિવાલય, CMOને બોમ્બ ધમકી આપનાર માસ્ટરમાઇન્ડ સહિત બેની ધરપકડ, બાંગ્લાદેશી કનેક્શન ખૂલ્યું

Spread the love

ગાંધીનગરમાં આવેલા મુખ્યમંત્રી કાર્યાલય, વિધાનસભા અને અન્ય મહત્વપૂર્ણ સરકારી ભવનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાના ચકચારી કેસમાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે. ગત ૧૦ સપ્ટેમ્બરે સચિવાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યા બાદ રાજ્યની સાયબર ક્રાઇમ ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી. સાયબર ટીમે ટેકનિકલ એનાલિસિસ અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી, જેના આધારે આ ધમકીભર્યો ઈ-મેઈલ મોકલનારનું લોકેશન બિહારના ભાગલપુર જિલ્લામાં હોવાનું જણાયું હતું.પોલીસે ત્યાં દરોડા પાડી રોશન કુમાર નામના શખ્સની ધરપકડ કરી હતી. રોશનની પૂછપરછ અને ટેકનિકલ તપાસના આધારે આ રેલો ઝારખંડના દેવઘર સુધી લંબાયો હતો, જ્યાંથી આ સમગ્ર પ્રકરણના મુખ્ય આરોપી ગુલશન કુમાર સિંહને પણ ઝડપી લેવામાં આવ્યો છે.

 

આ કેસની તપાસમાં સાયબર સેલ સમક્ષ અત્યંત ચોંકાવનારા ખુલાસા થયા છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી ૫,૧૩,૮૪૭ જેટલા યુનિક ઈ-મેઈલ આઈડી તથા પાસવર્ડનું વિશાળ લિસ્ટ મળી આવ્યું છે, જેનો ઉપયોગ વિવિધ સ્થળોએ ધમકીઓ આપવા માટે કરવામાં આવતો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેરકાયદે પ્રવૃત્તિ બદલ આરોપીઓને બાંગ્લાદેશમાં રહેતા સહ-આરોપીઓ અને શંકાસ્પદ તત્વો તરફથી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવતી હતી. સાયબર સેલ ઓફ એક્સલન્સના એસપી વિવેક ભેડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી ગુલશન કુમાર સિંહ અત્યાર સુધીમાં ૫ લાખથી વધુ યુનિક જીમેઈલ આઈડી અને પાસવર્ડ જનરેટ કરી ચૂક્યો છે. તે માત્ર આઈડી કે પાસવર્ડ બનાવતો ન હતો, પરંતુ ઓથેન્ટિકેટર અને સીડ કોડ પણ તૈયાર કરતો હતો. આ તમામ ખાનગી વિગતો આગળ વેચવામાં આવતી અને તેનો ઉપયોગ થ્રેટ ઈ-મેઈલ મોકલવા માટે થતો હતો.

 

પોલીસ તપાસમાં વધુમાં સ્પષ્ટ થયું છે કે ૧૦ સપ્ટેમ્બરે ગાંધીનગર સચિવાલયને જે ઈ-મેઈલ દ્વારા ધમકી આપવામાં આવી હતી, તે આઈડી ગુલશન પાસેથી જપ્ત કરાયેલી ડેટા શીટમાંથી જ મળી આવ્યો હતો. ગુલશન આઈડી અને પાસવર્ડ તૈયાર કરીને મોકલવાનું કામ કરતો હતો, જ્યારે બિહારથી પકડાયેલો રોશન કુમાર આ આઈડીનો ઉપયોગ કરીને સચિવાલયને ધમકીભર્યો ઈ-મેઈલ મોકલવા માટે જવાબદાર હતો. ગુલશન કુમાર સિંહના સંપર્કો બાંગ્લાદેશના કેટલાક રાષ્ટ્રવિરોધી તત્વો સાથે હોવાના પણ મજબૂત પુરાવા મળ્યા છે. તે ઈ-મેઈલ આઈડી બનાવીને બાંગ્લાદેશ મોકલતો હોવાની દિશામાં એજન્સીઓ તપાસ કરી રહી છે. આ ગેરકાયદે કામના બદલામાં તેને ક્રિપ્ટોકરન્સી અર્થાત્ USDT મારફતે પેમેન્ટ મળતું હોવાની માહિતી પણ સપાટી પર આવી છે. આરોપીઓ પાસેથી બે ક્રિપ્ટો વોલેટ મળી આવ્યા છે, જેમાં કરોડો રૂપિયાના વ્યવહારો થયા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

 

આરોપીઓના ડિજિટલ રેકોર્ડની ચકાસણી કરતાં જાણવા મળ્યું કે ગુલશન વર્ષ ૨૦૨૨થી આ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિઓ સાથે સંકળાયેલો છે. માત્ર છેલ્લા બે દિવસના ડેટાની તપાસમાં જ ૧૪ હજારથી વધુ યુનિક ઈ-મેઈલ આઈડી બનાવેલી મળી આવી છે, જ્યારે અગાઉના વર્ષોની આઈડીનો આંકડો ૫ લાખને વટાવી ગયો છે. સાયબર સેલ હવે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં અગાઉ આવેલા બોમ્બ કે અન્ય થ્રેટ ઈ-મેઈલનો ડેટા મંગાવીને આ આઈડી સાથે સરખામણી કરશે. આરોપીઓની આઈડીનો ઉપયોગ દેશના અન્ય સ્થળોએ થયેલી ધમકીઓમાં થયો હતો કે કેમ તેની પણ ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. આ ડેટા અન્ય કાયદાકીય અને સુરક્ષા એજન્સીઓ સાથે પણ શેર કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવા અપરાધીઓને ઝડપવામાં સરળતા રહે.

 

ઝડપાયેલા બંને આરોપીઓની શૈક્ષણિક અને વ્યાવસાયિક પૃષ્ઠભૂમિ પણ અલગ છે. ભાગલપુરથી ઝડપાયેલો રોશન કુમાર ૧૨ પાસ છે અને ટેકનિકલ ITIમાં નોકરી કરે છે. તે ટેક-સેવી હોવાથી ઈ-મેઈલ ઓથેન્ટિકેશન બાયપાસ કરવાની ટેકનિક જાણતો હતો અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય નાણાં કમાવવાનો હતો. બીજી તરફ, ઝારખંડમાંથી ઝડપાયેલો માસ્ટરમાઇન્ડ ગુલશન કુમાર સિંહ B.Sc. સુધી અભ્યાસ કરેલો છે અને તે ઈ-મેઈલ ડેવલપમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ તેમજ સોશિયલ મીડિયા હેન્ડલિંગ જેવા ટેકનિકલ કાર્યોમાં નિપુણ છે. પોલીસના રેકોર્ડ મુજબ બંનેનો અગાઉનો કોઈ ઓન-પેપર ગુનાહિત ઇતિહાસ નથી. હાલ ગાંધીનગર પોલીસ બિહાર અને ઝારખંડ પોલીસની મદદથી આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય નેટવર્કના તમામ છેડા કાપવા માટે સઘન પૂછપરછ અને તપાસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *