પાટણના ઐતિહાસિક દરગાહ વિવાદમાં ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો: પાટણની દરગાહ પર દાઉદી વહોરા સમાજનો હક્ક અને સૈયદના સાહેબની એકમાત્ર ટ્રસ્ટી તરીકે વહીવટી માન્યતા બહાલ

Spread the love

પાટણના અનાવાડા ગામ સ્થિત ઐતિહાસિક દરગાહ, મસ્જિદ અને કબ્રસ્તાનની કરોડોની જમીન, વહીવટ અને નાકરણના વિવાદમાં ગુજરાત હાઇકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. જસ્ટિસ જે. સી. દોશીની સિંગલ બેંચે વક્ફ ટ્રિબ્યુનલ અને ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડના આદેશોને યોગ્ય ઠેરવતા અપીલને ફગાવી દીધી છે. આ નિર્ણયથી આ પવિત્ર સ્થળનું મૂળ નામ ‘મૌલાના યાકૂબ સાહેબ દરગાહ અને દાઉદી વહોરા કબ્રસ્તાન’ તરીકે માન્ય રાખવામાં આવ્યું છે અને દાઉદી વહોરા સમાજના ૫૩મા દાઈ-ઉલ-મુતલક હિઝ હોલીનેસ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબને આ સંસ્થાના એકમાત્ર ટ્રસ્ટી તરીકે સંપૂર્ણ સંચાલન સોંપવાના વક્ફ બોર્ડના નિર્ણય પર આખરી મહોર મારી દેવામાં આવી છે.

અનાવાડા ગામના સર્વે નંબર ૯૩૫ માં આવેલી આશરે ૧ એકર અને ૨૧ ગુંઠા જમીનમાં ફેલાયેલી આ મિલકત અંગે દાયકાઓથી કાનૂની જંગ ખેલાઈ રહ્યો હતો. અપીલકર્તા ફારુકી પરિવારે એવો દાવો કર્યો હતો કે આ દરગાહ ૧૪મી સદીની સુન્ની-હનાફી-બરેલવી સંપ્રદાયની ‘મૌલાના મહેબૂબ દરગાહ મસ્જિદ અને કબ્રસ્તાન’ છે અને તેમના પૂર્વજો પેઢી દર પેઢી તેના મુજાવર તથા મુતવલ્લી તરીકે વહીવટ કરતા આવ્યા છે. વર્ષ ૧૯૫૩માં મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટ એક્ટ હેઠળ આ જ નામે આ સંસ્થાની નોંધણી પણ કરાવવામાં આવી હતી. બીજી તરફ દાઉદી વહોરા સમાજ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આ જગ્યા દાઉદી વહોરા સમાજની છે અને આઝાદી પહેલાના ૧૯૧૬-૧૭ના ગાયકવાડ સરકારના મહેસૂલી રેકોર્ડ તેમજ ‘પડાણી પત્રક’માં પણ આ મિલકત સ્પષ્ટપણે ‘મૌલાના યાકૂબ સાહેબ દરગાહ અને દાવૂદી વહોરા કબ્રસ્તાન’ તરીકે જ નોંધાયેલી હતી.

 

૧૯૫૩ની ટ્રસ્ટ નોંધણી વખતે અપીલકર્તાઓના પૂર્વજ નાનીબીએ વહોરા સમાજની આ ઐતિહાસિક ઓળખ છુપાવીને માત્ર ‘મુજાવર’ એટલે કે સંભાળ રાખનાર સેવાભાવી તરીકે નામ નોંધાવ્યું હતું, જે તેમને વહીવટનો કે ટ્રસ્ટીપણાનો કોઈ વંશાનુગત હક્ક આપતું નથી. લાંબી કાનૂની પ્રક્રિયા અને ભૂતકાળમાં વિવિધ આદેશો બાદ વક્ફ બોર્ડે ૨૪ એપ્રિલ ૨૦૨૫ના રોજ ઠરાવ ક્રમાંક ૧૧-એ અને ૩૦ એપ્રિલ ૨૦૨૫ના રોજ સીઇઓ દ્વારા સકારણ આદેશ કરીને વક્ફ રજિસ્ટરમાં સુધારો કર્યો હતો. ત્યારબાદ અપીલકર્તાઓએ વક્ફ ટ્રિબ્યુનલમાં અપીલ દાખલ કરી હતી, જેને ટ્રિબ્યુનલે ૯ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ફગાવી દઈને વક્ફ બોર્ડના નિર્ણયને માન્ય રાખ્યો હતો. ટ્રિબ્યુનલ અને બોર્ડના આ ચુકાદાને અપીલકર્તાઓએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો, જ્યાં તેમણે કોરમની ખામી, ૧૯૯૧ના પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટના ભંગ અને જૂની નોંધણી બદલવાના અધિકારક્ષેત્ર અંગે દલીલો કરી હતી.

 

ગુજરાત હાઇકોર્ટે તમામ દલીલો, ઐતિહાસિક દસ્તાવેજો અને કાયદાકીય જોગવાઈઓની ગહન સમીક્ષા કરતા ઠેરવ્યું કે વક્ફ એક્ટની કલમ ૪૦ અને ૪૧ હેઠળ વક્ફ બોર્ડને રજિસ્ટરમાં રહેલી ઐતિહાસિક ભૂલો અને ગેરરજૂઆતો સુધારવાની સંપૂર્ણ સત્તા છે. કોર્ટે નોંધ્યું કે આઝાદી પહેલાના સરકારી રેકોર્ડમાં પણ આ દરગાહ દાવૂદી વહોરા સમાજના સંત મૌલાના યાકૂબ સાથે જોડાયેલી હોવાના સ્પષ્ટ પુરાવા છે. સેવાપૂજા કરનાર કે દેખરેખ રાખનાર ‘મુજાવર’ માત્ર એક સેવક ગણાય છે અને તેને વક્ફ મિલકત પર કાયમી માલિકી કે વંશાનુગત મુતવલ્લીપણાનો અધિકાર મળતો નથી. વક્ફ બોર્ડ અને ટ્રિબ્યુનલે પુરાવાઓનું યોગ્ય મૂલ્યાંકન કરીને કાયદાનુસાર નિર્ણય લીધો હોવાથી હાઇકોર્ટે તેમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે અને વહોરા સમાજ તથા સૈયદના સાહેબના ટ્રસ્ટની તરફેણમાં આપેલા તમામ આદેશો બહાલ રાખ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *