ડ્રામા કરવામાં માહેર છે, કોર્ટમાં પણ એક્ટિંગ કરે છે… સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને લગાવી ફટકાર, અઠવાડિયામાં 2 કરોડ જમા કરવાના આપ્યા આદેશ

Spread the love

બોલિવૂડના લોકપ્રિય અભિનેતા અને કોમેડિયન રાજપાલ યાદવ માટે કાનૂની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધી રહી છે. ચેક બાઉન્સ અને નાણાકીય લેણદેણના એક જૂના અને ગંભીર કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે (15 સપ્ટેમ્બર 2026) અભિનેતાને આકરા શબ્દોમાં ફટકાર લગાવી છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો બે અઠવાડિયાની અંદર રકમ જમા નહીં થાય, તો પરિણામો ગંભીર આવી શકે છે.સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી અને આદેશ

 

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI)ની અધ્યક્ષતા વાળી બેંચ સમક્ષ આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે રાજપાલ યાદવના અગાઉના વર્તનની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે, તેમના પાછલા વ્યવહારને જોતાં કોઈ તેમના પર કેવી રીતે ભરોસો કરી શકે? તે બોલિવૂડમાં ડ્રામા અને એક્ટિંગ કરવામાં માહેર છે અને હવે કોર્ટમાં પણ એ જ કરી રહ્યા છે.

 

કોર્ટે રાજપાલ યાદવને ખાનગી ફરિયાદીના બાકી નીકળતા નાણાંમાંથી 2 કરોડ રૂપિયા આગામી બે અઠવાડિયામાં સુપ્રીમ કોર્ટમાં જમા કરાવવાનો આખરી મોકો આપ્યો છે. આ સાથે જ, કોર્ટે તેમને પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવાનો આદેશ પણ આપ્યો છે.

 

રાજપાલ તરફથી હાજર રહેલા વકીલે કોર્ટને આશ્વાસન આપ્યું હતું કે નિર્ધારિત સમયમર્યાદામાં 2 કરોડ રૂપિયા જમા કરાવી દેવામાં આવશે અને બાકીની રકમ માટે યોગ્ય શ્યોરિટી રજૂ કરવામાં આવશે. હાલ પૂરતું કોર્ટે તેમની ધરપકડ પરની રોક આગામી 5 ઓક્ટોબર (આગામી સુનાવણી) સુધી લંબાવી છે.

 

શું છે સમગ્ર વિવાદ ?

 

આ આખો વિવાદ વર્ષ 2010નો છે. રાજપાલ યાદવ, તેમની પત્ની અને તેમની પ્રોડક્શન કંપનીએ એક ફિલ્મ ‘અતા પતા લાપતા’ બનાવવા માટે ‘મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ’ (મુરલી પ્રોડક્શન્સના માલિક) પાસેથી આશરે 5 કરોડ રૂપિયાની રકમ લોન તરીકે લીધી હતી.

 

જો કે શરતો મુજબ જ્યારે નાણાં પરત ચૂકવવાનો સમય આવ્યો, ત્યારે રાજપાલ યાદવ દ્વારા આપવામાં આવેલા કુલ 7 ચેક બેંકમાં બાઉન્સ થઈ ગયા હતા.ચેક બાઉન્સ થવાને કારણે ‘મુરલી પ્રોજેક્ટ્સ’ દ્વારા ‘નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ’ (NI Act) હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી.

 

ટ્રાયલ કોર્ટથી હાઇકોર્ટ સુધીનો પ્રવાસ

 

આ કેસ વર્ષ 2018માં ટ્રાયલ કોર્ટમાં પહોંચ્યો હતો અને વર્ષ 2024માં સેશન કોર્ટે રાજપાલ યાદવને દોષિત જાહેર કર્યો હતો. ત્યારબાદ આ મામલો હાઇકોર્ટમાં પહોંચતા, હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય યથાવત રાખીને ત્રણ મહિનાની જેલ અને દરેક કેસ દીઠ 1.35 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

 

વર્તમાન કાનૂની સ્થિતિ

 

હાઈકોર્ટના આદેશ સામે રાજપાલ યાદવે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે અગાઉ તેમને જેલ જવાથી રાહત આપી હતી, પરંતુ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હવે નાણાકીય ચૂકવણી શરત રૂપે મૂકવામાં આવી છે. જો આગામી બે અઠવાડિયામાં 2 કરોડ રૂપિયા જમા નહીં થાય, તો અભિનેતાની મુશ્કેલીઓમાં મોટો વધારો થઈ શકે છે અને તેમને જેલની હવા ખાવાનો વારો આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *