આવાસ સહિતના વિવાદોથી ભાજપ પ્રભારી ચોંક્યા : શિસ્ત બહાર ગયા તો પગલા તૈયાર

Spread the love

રાજકોટ, તા. 19 મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપની નવી ટર્મને ચાર મહિના થયા છે ત્યારે બદલાયેલા રાજકીય સમીકરણો અને વ્યવસ્થા વચ્ચે અવારનવાર ઉઠતા આવાસ યોજના સહિતના વિવાદો મામલે ગઇકાલે સાંજે પ્રદેશ સંગઠન મહામંત્રી અને શહેર ભાજપના પ્રભારી અનિરૂધ્ધભાઈ દવેએ ગઇકાલે ભાજપના તમામ 6પ કોર્પોરેટરોને તેડુ મોકલ્યું હતું.

કમલમ ખાતે નગરસેવકોને પક્ષની શિસ્ત યાદ રાખવા અને વિવાદોથી દુર રહેવા કડક તાકીદ કરી છે.પદાધિકારી સહિતના કોર્પોરેટરોને ઘરની વાત ઘરમાં રાખવાની સલાહ આપવા સાથે તેઓને કોઇપણ સભ્ય સામે સસ્પેન્શન સહિતના પગલા લેતા પણ પાર્ટીને વાર લાગતી નથી તેવું કહી દીધાનું પણ બહાર આવતા સત્તા અને સંગઠનના લોકોમાં આ ઠપકાથી ફફડાટ મચી ગયો છે.

 

કમલમ ખાતેની બેઠકમાં પ્રભારી અનિદ્ધભાઈ દવેએ કોર્પો.માં અવારનવાર ઊભા થતા વિવાદો અંગે નારાજગી વ્યક્ત કરતાં સવાલ કર્યો હતો કે, કોર્પોરેશનમાં આટલા બધા વિવાદો કેમ ઊભા થાય છે? તેમણે પદાધિકારીઓને તમામ કોર્પોરેટરોને વિશ્વાસમાં લઈને કામગીરી કરવા તેમજ તેમની ફરિયાદો અને રજૂઆતોને ગંભીરતાથી સાંભળવા સૂચના આપી હોવાનું ભાજપના વર્તુળોએ કહ્યું હતું.

 

ખાસ કરીને પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન ન થાય તેની જવાબદારી સૌને યાદ કરાવી હતી અને પક્ષની આંતરિક બાબતો જાહેરમાં ન જાય તે માટે તેમણે ઘરની વાત ઘરમાં જ રાખવા ટકોર કરી હતી.

 

પદાધિકારીઓ અને કોર્પોરેટરોએ પક્ષહિતને સર્વોપરી રાખી સંગઠનની લાઇન તથા મર્યાદામાં રહીને કામ કરવું જોઈએ અને કોઈપણ પ્રકારના જાહેર વિવાદ કે જૂથવાદથી દૂર રહેવા પણ શિસ્ત યાદ કરાવ્યું હતું.

 

રાજકોટ કોર્પોરેશનમાં છેલ્લા સમયમાં કેટલાક ખર્ચ, અગાઉના જંગલેશ્વર ડિમોલીશન વખતના વિવાદી ખર્ચ, તાજેતરના આવાસ યોજના કૌભાંડો સહિતના વિવાદોના પડઘા ઉપર સુધી પડયા છે. તો નવા વિકાસ કામોને લાગેલી બે્રકના રીપોર્ટીંગ પણ ગાંધીનગરમાં થયા છે.

 

આ સંજોગોમાં કોર્પો.માં વિવાદ ઊભો ન થાય તેની વિશેષ જવાબદારી પદાધિકારીઓની હોવાનું જણાવી તેમને તમામ કોર્પોરેટરો સાથે સંકલન જાળવવા કહેવાયું છે. તો કોર્પોરેટરોને કોઈ ફરિયાદ કે અસંતોષ હોય

 

તો તેમની વાત સાંભળી આંતરિક સ્તરે તેનું નિરાકરણ લાવવા અને ઘરની વાત ઘરમાં રાખવા કહ્યું છે. સંગઠનના લોકોની હાજરીમાં પણ ચેતવણી આપવામાં આવી હતી કે, પક્ષની શિસ્ત અને મર્યાદાનો ભંગ કરનાર વ્યક્તિ પદાધિકારી હોય કે કોર્પોરેટર, કોઈની પણ શેહશરમ રાખવામાં આવશે નહીં. જરૂર પડ્યે સંબંધિત સામે સસ્પેન્શન સુધીનાં શિસ્તભંગનાં પગલા ખુલ્લા છે. આ રીતે રાજકોટ કોર્પો.માં વિવાદો ઠારવાનો મેસેજ ઉપરથી આવ્યો છે.

 

દરમ્્યાન તેઓએ રેસકોર્સ મેદાનમાં ભાજપ સંગઠન આયોજિત ગણેશ ઉત્સવમાં હાજરી આપી હતી. ગઇકાલના તેમના પ્રવાસમાં શિક્ષણ સમિતિમાં નવી નિમણુંકો સહિતની બાબતે પણ સીનીયરો અને ટોચના હોદેદારો સાથે ચર્ચા કર્યાનું જાણવા મળ્યું હતું.

 

મનપામાં સત્તા અને સંગઠનના કાર્યક્ષેત્ર અલગ અને સ્વતંત્ર બન્યા ત્યારે જ અમુક વિવાદના પાયા રોપાઇ જશે તેવી આગાહી પક્ષના જ ઘણા લોકો કરતા હતા. આ દરમ્યાન કાર્યક્રમોના ખર્ચ, જંગલેશ્વરના ડિમોલીશન ખર્ચ, વિકાસ કામોને બે્રક, આવાસ યોજનામાં ગોલમાલ સહિતના વિવાદો ઉઠતા વિકાસની ગાડી અન્ય કોઇ રસ્તે ડાયવર્ટ થઇ ગયાનું ધ્યાન પર અમુક લોકોએ પ્રભારીને દોર્યાનું વર્તુળોએ કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *