આંગણવાડી બહેનોનો સરકાર સામે હલ્લાબોલ! 21મીએ મહાસંમેલન, માંગણીઓ નહીં સંતોષાય તો લડતનો લાવા ફાટશે!

Spread the love

મહિલા અને બાળવિકાસ વિભાગ હેઠળ સેવા આપતી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો 1 વર્ષથી પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સમક્ષ રજૂઆતો કરી રહી છે. તેમ છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા 21મીએ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે વિશાળ મહાસંમેલન યોજાશે. સંમેલનમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો ઉપસ્થિત રહેશે.

 

અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા સરકાર સમક્ષ વિવિધ પ્રશ્નો અને માગણીઓ રજૂ કરવામાં આવી છે. સંઘની મુખ્ય માંગ મુજબ કોર્ટના અંતિમ ચુકાદા સુધી આંગણવાડી કાર્યકરને માસિક રૂપિયા 18,000 અને તેડાગરને રૂપિયા 13,000 વચગાળાનું વેતન ચૂકવવામાં આવે.

 

ઉપરાંત સિનિયોરિટી અને લાયકાતના આધારે તેડાગરને કાર્યકર તરીકે તથા કાર્યકરને મુખ્ય સેવિકા તરીકે વયમર્યાદા સિવાય બઢતી આપવાની માંગ કરાઈ છે.

 

સંઘ દ્વારા ICDS સિવાયની વધારાની કામગીરીમાંથી મુક્તિ, લાભાર્થીઓના KYC અને OTPની કામગીરીમાંથી રાહત તેમજ પ્રાથમિક શાળાની જેમ આંગણવાડીનો સમય, જાહેર રજાઓ અને વેકેશનની સુવિધા આપવાની માંગ પણ કરવામાં આવી છે.

 

ફીલ્ડ ઓફિસરો દ્વારા થતું માનસિક દબાણ ઘટાડવા અને પર્સનલ ફોનમાં કામગીરી કરવાનો આગ્રહ નહીં રાખવા પણ રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત પોષણ સુધા યોજનાના દર વાસ્તવિક ખર્ચને અનુરૂપ વધારવા અને દર મહિનાની 1થી 5 તારીખ સુધીમાં માનદ વેતન ચૂકવવાની માંગ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *