ગાંધીનગર મહિલા કોન્સ્ટેબલ આપઘાત કેસમાં થયો મોટો ખુલાસો, જાણો કોણ રૂમમાં વેબકેમ ગોઠવી રાખતું હતું લાઈવ નજર

Spread the love

સેક્ટર-3D વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી અને અમદાવાદ શાહીબાગ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતી 28 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ જ્હાનવી ડાભીના રહસ્યમય આપઘાત કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પ્રેમજાળમાં ફસાવી શારીરિક-માનસિક ત્રાસ આપનાર તેમજ રૂમમાં ઓડિયો સુવિધા ધરાવતો વેબકેમ લગાવી પળેપળની હિલચાલ પર નજર રાખનાર ચેતક કમાન્ડો પ્રકાશસિંહ ભીખુસિંહ ચૌહાણ સામે સેક્ટર-7 પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.મૂળ અમદાવાદની અને સોશિયલ મીડિયા પર 25 હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતી જ્હાનવી બાઇક સ્ટંટ અને રીલ્સ બનાવવાની શોખીન હતી. ચાર વર્ષ પહેલાં અરવલ્લી ખાતે યોજાયેલી એક બાઇક સ્ટંટ ઇવેન્ટ દરમિયાન તેનો પરિચય મૂળેટી SRP ગ્રુપના ચેતક કમાન્ડો પ્રકાશ ચૌહાણ સાથે થયો હતો. પ્રકાશ બે બાળકોનો પિતા અને પરિણીત હોવા છતાં તેણે જ્હાનવીને પ્રેમજાળમાં ફસાવી લગ્નનું વચન આપ્યું હતું. પ્રકાશની ઉશ્કેરણીથી જ્હાનવીએ તેના પતિ સાથે કાયદેસર છૂટાછેડા પણ લઈ લીધા હતા.

 

છૂટાછેડા બાદ પ્રકાશના વર્તનમાં નાટકીય પલટો આવ્યો હતો. તે જ્હાનવી પર સતત શંકા રાખી ત્રાસ ગુજારવા લાગ્યો હતો. તેણે જ્હાનવીની હિલચાલ પર સતત વોચ રાખવા માટે તેના સેક્ટર-3 વાળા રૂમમાં ઓડિયો સુવિધા ધરાવતો સિક્રેટ વેબકેમેરો લગાવી દીધો હતો, જેનું લાઇવ એક્સેસ તેના પોતાના મોબાઇલમાં રાખતો હતો. 13 સપ્ટેમ્બરે જ્હાનવીએ લગ્ન અંગે દબાણ કરતાં પ્રકાશે સ્પષ્ટ ઇનકાર કરી તેને તમામ પ્લેટફોર્મ પર બ્લોક કરી દીધી હતી. જે વ્યક્તિના ભરોસે સંસાર તોડ્યો તેણે જ દગો દેતાં હતાશ થયેલી જ્હાનવીએ અંતિમ પગલું ભરી લીધું હતું.

 

14 સપ્ટેમ્બરની રાત્રે મકાનમાંથી તીવ્ર દુર્ગંધ આવતાં મકાનમાલિકે પોલીસને જાણ કરી હતી. પોલીસે પહોંચીને જોતાં જ્હાનવીનો મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, જ્હાનવીએ આપઘાત કર્યો તે ઘટના પણ પ્રકાશે વેબકેમ દ્વારા લાઇવ નિહાળી હોવાની પ્રબળ આશંકા છે. આ ઉપરાંત પ્રકાશે પોતાના ફોનમાંથી ચેટ્સ અને વિગતો ડિલીટ કરી હોવાથી પોલીસે ઘટનાસ્થળેથી વેબકેમેરો અને બંનેના મોબાઈલ ફોન કબ્જે કરી ડિજિટલ પુરાવા પુનઃપ્રાપ્ત કરવા માટે FSLમાં મોકલ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *