પોલીસથી બચવા ચોરનું સ્માર્ટ વર્ક: ફોનનું ‘પોસ્ટમોર્ટમ’! પ્લાનિંગ એવું કે, મોબાઈલ ચોર્યા બાદ IMEI નંબરથી પણ ન પકડાય!

Spread the love

અત્યારસુધી મોબાઈલ ચોરી કરતી ગેંગની ધરપકડ કરવામાં આવી હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા હતા. પરંતુ શું તમે ક્યારે સાંભળ્યું છે, કોઈ ચોરે મોબાઈલ ફોન ચોરી તેનું પોસ્ટમોર્ટમ કર્યું હોય? શબ્દો વાંચીને જ ચોંકી ગયાને..! જી હાં, આવો જ એક ચોંકાવનારો ચોરીનો કેસ અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદ પોલીસે ચોરેલા મોબાઈલ ફોનને બાઈક-કાર જેમ સ્પેરપાર્ટ્સ ખોલી તેને વેચી નાખતી આંતરરાજ્ય ગેંગના બે આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ આંતરરાજ્ય ગેંગના બંને આરોપીઓ મોબાઈલ ચોરી પણ કરતા હતા. સાથે જ ચોરી કરેલા મોબાઈલમાંથી પાર્ટ્સ કાઢીને ગ્રે માર્કેટમાં સસ્તી કિંમતમાં વેચી દેતા હતા. જે મામલે બાપુનગર પોલીસે મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલ બાપુનગરના આઝાદનગરના સુંદરમનગરમાં રહેતા અબ્દુલ ઉર્ફે જહીદ અંસારી (ઉ.23) અને શોકતઅલી અંસારી (ઉ.30)ની રૂ.14.10 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

 

વિગત વાત કરીએ તો, બાપુનગર પોલીસે બાતમી મળી હતી કે સુંદરમનગર મેદાનની સામે આવેલા આઝાદનગરના ગેટ પાસેના એક મકાનમાં કેટલાક શંકાસ્પદ શખ્સો વસવાટ કરી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે મકાનમાં દરોડા પાડતા મૂળ ઉત્તરપ્રદેશના બે શખ્સો હાજર મળી આવ્યા હતા. પોલીસે ઘરની સર્ચ ઓપરેશન કરતા ચોરીના તથા બંધ મોબાઈલ ફોન અને તેના સ્પેર પાર્ટ્સ મોટી સંખ્યામાં મળી આવ્યા હતા. જે અન્વયે પોલીસે સ્થળ પરથી બે આરોપીઓને દબોચી લીધા હતા.

 

તપાસ દરમિયાન પોલીસે આરોપીઓની ઓળખ અબ્દુલ (અવદુલ) જહીદ ઇસરાઇલ અલ્લાદીન અન્સારી (ઉં.વ. 23,) અને શૌકતઅલી આશિકઅલી અલ્લાદિન અન્સારી (ઉં.વ. 30) તરીકે થઈ હતી. તેઓની પૂછપરછમાં સામે આવ્યું કે, તેઓ મોબાઈલ ચોરી કરતા હતા. કેટલાક સંજોગોમાં ચોરીના અને બંધ મોબાઈલ ફોન સસ્તી કિંમતે ખરીદી લેતા હતા અને તે મોબાઈલની અંદર રહેલા એક્ટિવ (ચાલુ પાર્ટ્સ) કાઢીને શહેરમાં અલગ અલગ દુકાનોમાં તે પાર્ટ્સને વેચી દેતા હતા.

 

આ મામલે પોલીસે અલગ અલગ મોબાઇલ અને એસેસરીઝ સહિત કુલ રૂ. 14.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અત્યારસુધીમાં ચોરીના મોબાઈલ ફોન સાથે આરોપીઓ ઝડપાઈ આવતા હતા. પરંતુ બાપુનગર પોલીસે સૌ પ્રથમ વખત ચોરીના મોબાઈલના સ્પેર પાર્ટ્સ અને તે પણ રૂ.14.10 લાખની કિંમતના જપ્ત કરીને બે આરોપીની પણ ધરપકડ કરી લીધી છે. વધુમાં પોલીસે આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓની શોધખોળ કરવાની કવાયત હાથ ધરી છે.

 

પોલીસ પકડથી બચવા તસ્કરોનો નવો કીમિયો

 

મહત્વનું છે કે, મોબાઈલ ચોરી થયા બાદ તેને સસ્તી કિંમતે વેચી દીધા બાદ IMEI નંબર પરથી પોલીસ ચોરીના મોબાઈલને ટ્રેસ કરીને શોધી કાઢતી હતી. તસ્કરો આ ટેકનિકલ પ્રક્રિયાને જાણી ગયા બાદ હવે સ્માર્ટ બની ગયા છે. ચોરીના મોબાઈલ ફોનને વેચવાની જગ્યાએ આ ગેંગના આરોપીઓ મોબાઈલના પાર્ટ્સને કાઢી લેતા હતા. જેવાકે મોબાઈલમાં રહેલા સ્ક્રીન/ડિસ્પ્લે, કેમેરા મોડ્યુલ, બેટરી, મધરબોર્ડ, ચાર્જિંગ સોકેટ જેવા કિંમતી સ્પેરપાર્ટ્સ અલગ કરી લેતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *