લોનની શરત બેંકને મનમાની રીતે વાહન જપ્ત કરવાની સત્તા આપતી નથી

Spread the love

બેંક પાસેથી વાહન લોન લેનાર ગ્રાહક જો લોનની હપ્તાની ચુકવણીમાં ડિફોલ્ટ કરે, તો માત્ર એટલા કારણે બેંકને વાહન મનમાની રીતે જપ્ત કરી વેચી દેવાનો અમર્યાદિત અધિકાર મળી જતો નથી. બેંકે પણ યોગ્ય પ્રક્રિયા, ન્યાયસંગતતા, પારદર્શિતા અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરવું પડે છે.

 

રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગ (National Consumer Disputes Redressal Commission – NCDRC)ના 20 એપ્રિલ, 2026ના નિર્ણયમાં આ મહત્વપૂર્ણ સિદ્ધાંતને ફરીથી સ્પષ્ટ કરવામાં આવ્યો છે.આ કેસમાં વાહન લોન, હાઇપોથેકેશન કરાર અને બેંક દ્વારા વાહનના પુનઃકબજા (repossession) તથા વેચાણ અંગેનો વિવાદ હતો.

 

આ કેસ માં ગ્રાહકે બેંક પાસેથી વાહન ખરીદવા માટે લોન લીધી હતી. લોનની રકમ હપ્તામાં પરત કરવાની હતી. કોઈ તબક્કે ગ્રાહક હપ્તાની ચુકવણીમાં નિષ્ફળ થયો હતો.

લોનના હાઇપોથેકેશન કરારમાં બેંકને ડિફોલ્ટની સ્થિતિમાં વાહનનો કબજો મેળવી તેને વેચવાની જોગવાઈ હતી. આ જોગવાઈના આધારે બેંકે વાહનનો કબજો મેળવી લીધો અને ત્યારબાદ તેનું વેચાણ કરી નાખ્યું.

 

પરંતુ વિવાદ એ હતો કે બેંકે વાહનનો કબજો લેતાં પહેલાં ગ્રાહકને યોગ્ય નોટિસ આપી હતી કે નહીં અને વેચાણની પ્રક્રિયામાં જરૂરી પારદર્શિતા તથા યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યું હતું કે નહીં.

 

ગ્રાહક તરફથી આક્ષેપ કરવામાં આવ્યો કે બેંકે વાહનનું વેચાણ એવી રીતે કર્યું કે જેમાં વેચાણની તારીખ, પદ્ધતિ, વાહનની કિંમત/valuation, ખરીદદાર તથા વેચાણમાંથી પ્રાપ્ત થયેલી રકમ જેવી મહત્વપૂર્ણ વિગતો પૂરતી રીતે જાહેર કરવામાં આવી નહોતી.

 

વાહન વેચાણમાં પારદર્શિતા કેમ જરૂરી?

વાહન બેંક દ્વારા કબજે કર્યા પછી તેને વેચવામાં આવે ત્યારે ગ્રાહક માટે નીચેની વિગતો અત્યંત મહત્વપૂર્ણ બની જાય છેઃ

વાહનની valuation કેટલી કરવામાં આવી?

વેચાણ ક્યારે થયું?

કઈ પદ્ધતિથી થયું?

વાહન કોને વેચાયું?

કેટલી રકમમાં વેચાયું?

વેચાણની રકમ લોન ખાતામાં કેવી રીતે adjust કરવામાં આવી?

આ વિગતો છુપાવવામાં આવે અથવા યોગ્ય પ્રક્રિયા વિના વેચાણ કરવામાં આવે તો ગ્રાહકના હિતોને નુકસાન થઈ શકે છે.

રૂા.2 લાખનું વળતર યથાવત

 

કેસમાં ગ્રાહક ફોરમ દ્વારા બેંકની કાર્યવાહી અંગે સેવામાં ખામી (deficiency in service) માનીને આપવામાં આવેલ રૂા.2 લાખનું વળતર ઉચ્ચ ગ્રાહક મંચ સમક્ષ યથાવત્ રાખવામાં આવ્યું.

 

આથી આ ચુકાદો બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે પણ મહત્વપૂર્ણ માર્ગદર્શક છે કે કરારની શરત માત્ર એટલા માટે અમર્યાદિત સત્તા બની જતી નથી કે તે કરારમાં લખાયેલી છે.

 

સામાન્ય ગ્રાહક માટે ચુકાદાનો સંદેશ

આ ચુકાદો ખાસ કરીને વાહન લોન, બેંકિંગ તથા finance company પાસેથી લોન લેતા ગ્રાહકો માટે મહત્વપૂર્ણ છે. લોનમાં ડિફોલ્ટ થાય ત્યારે બેંકને પોતાની બાકી રકમ વસૂલવાનો અધિકાર છે, પરંતુ વાહન જપ્ત કરવું અને તેનું વેચાણ કરવું એ પણ કાયદેસર પ્રક્રિયાથી જ થવું જોઈએ.

 

આથી, જો કોઈ ગ્રાહકનું વાહન જપ્ત કરવામાં આવે અથવા વેચી દેવામાં આવે, તો તેણે માત્ર હું ડિફોલ્ટર હતો એટલું જ ન માનવું જોઈએ. બેંકે કઈ પ્રક્રિયા અપનાવી, નોટિસ આપી કે નહીં અને વાહનનું વેચાણ પારદર્શક રીતે થયું કે નહીં તે પણ તપાસવાનો કાયદેસર અધિકાર ગ્રાહક પાસે રહે છે.

 

આ ચુકાદો બેંક અને ગ્રાહક વચ્ચેના સંબંધમાં એક મહત્વપૂર્ણ સિદ્ધાંતને ઉજાગર કરે છેઃ

 

કરારમાં સત્તા હોવી અને તે સત્તાનો મનમાની રીતે ઉપયોગ કરવાની છૂટ હોવી – બંને અલગ બાબતો છે.

બેંકિંગ વ્યવસ્થામાં નાણાકીય શિસ્ત જેટલી જરૂરી છે, તેટલી જ ન્યાયસંગત પ્રક્રિયા અને પારદર્શિતા પણ જરૂરી છે. લોનમાં ડિફોલ્ટ થયેલા ગ્રાહક સામે કાર્યવાહી કરતી વખતે પણ બેંક કાયદાથી ઉપર નથી.

 

ડિફોલ્ટર ગ્રાહકના પણ કાયદેસર હકો છે

આ ચુકાદાનો સૌથી મહત્વપૂર્ણ સંદેશ એ છે કે લોનમાં ડિફોલ્ટ કરનાર વ્યક્તિના હકો સંપૂર્ણપણે સમાપ્ત થઈ જતા નથી.

બેંકને પોતાના લેણાં વસૂલવાનો અધિકાર છે, પરંતુ તે અધિકારનો ઉપયોગઃ

* યોગ્ય પૂર્વ નોટિસ આપીને,

* યોગ્ય પ્રક્રિયાનું પાલન કરીને,

* પારદર્શક રીતે,

* વાજબી અને ન્યાયસંગત રીતે,

* તથા કુદરતી ન્યાયના સિદ્ધાંતોને અનુસરીને કરવો જોઈએ.

 

કરારમાં સત્તા હોય તો પણ મનમાની કરી શકાય નહીં

NCDRC સમક્ષ મુખ્ય પ્રશ્ન એ હતો કે જો લોન કરારમાં બેંકને વાહનનો કબજો લઈ વેચવાની સત્તા આપવામાં આવી હોય, તો શું બેંક કોઈપણ પ્રક્રિયા વિના તેનો ઉપયોગ કરી શકે?

 

આયોગે સ્પષ્ટ કર્યું કે કરારમાં રહેલી enabling clause એટલે કે સત્તા આપતી જોગવાઈ બેંકને whims and fancies પ્રમાણે કાર્યવાહી કરવાની છૂટ આપતી નથી.

અર્થાત્, ગ્રાહક લોનના હપ્તામાં ડિફોલ્ટર હોય તો પણ બેંકે કાયદેસરની અને ન્યાયસંગત પ્રક્રિયાનું પાલન કરવું જરૂરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *