ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે તેમજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ, સાબરમતી ખાતે સાબરમતી રેલ્વે સ્ટેશનના પુનઃ વિકાસ કાર્યોની સમીક્ષા મુલાકાત તેમજ દેશની પ્રથમ LNG ટ્રેનનો શુભારંભ કાર્યક્રમ યોજાયો
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સેવાકાળમાં બાયો ટોઇલેટ, LBH કોચનું ઉત્પાદન, રેલવેનું વિદ્યુતીકરણ, રેલ્વે સુરક્ષા બજેટ, લોકોમેટિવ ઉત્પાદનની ક્ષમતા અને નવા નિર્માણ થતા એન્જિનમાં ઐતિહાસિક વૃદ્ધિ થઈ હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ
આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર, રેપિડ રેલ સિસ્ટમ, પ્રીમિયમ સ્ટેશન જેવી તમામ સુદ્રઢ સુવિધાઓ શરૂ થઈ હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ
૨૦૧૪ પહેલા રેલ્વેનું ગુજરાતનું બજેટ રૂ.૫૮૯ કરોડ સુધી હતું, જે આદરણીય મોદીજીના નેતૃત્વમાં ૨૦૨૬-૨૭ માં રૂ.૧૭,૩૬૬ કરોડે પહોંચ્યું હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ
નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જનના વૈશ્વિક લક્ષ્યને પ્રાપ્ત કરવામાં આ LNG ટ્રેન એક મહત્વનો માઇલસ્ટોન સાબિત થશે. શ્રી અમિતભાઈ શાહ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સત્તાને સેવાનું માધ્યમ બનાવી દેશના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડ્યો શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
ભાજપા સરકાર ‘ઇકોનોમી અને ઇકોલોજી’ બંનેને સાથે લઈને ચાલે છે: LNG ટ્રેનની શરૂઆત ક્લીન-ગ્રીન એનર્જી તરફ મોટું કદમ* – *શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, આજરોજ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે તેમજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ, સાબરમતી ખાતે સાબરમતી રેલ્વે સ્ટેશનના પુનઃ વિકાસ કાર્યોની સમીક્ષા મુલાકાત તેમજ દેશની પ્રથમ LNG ટ્રેનનો શુભારંભ કાર્યક્રમ યોજાઈ ગયો હતો.
અત્રે નોંધનીય છે કે ભારતની પ્રથમ એલ.એન.જી. (Liquefied Natural Gas – પ્રવાહી કુદરતી ગેસ) આધારિત ટ્રેન ભારતીય રેલવે દ્વારા ગુજરાતના અમદાવાદ (સાબરમતી) ખાતે સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે. જે ગ્રીન એનર્જી તરફ ભારતીય રેલવેનું એક ઐતિહાસિક પગલું છે. આ ટ્રેઈન પરંપરાગત ડીઝલ વપરાશમાં સીધી રીતે ૪૦ ટકા સુધીની ઘટાડો કરે છે. આ ઉપરાંત આ ટેકનોલોજીના કારણે ટ્રેનમાંથી નીકળતા કાર્બન ડાયોક્સાઇડ (CO₂) અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ઝેરી અને હાનિકારક વાયુઓનું પ્રમાણ ઘણું ઓછું થાય છે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય રેલનો કાયાકલ્પ થઈ રહ્યો છે ત્યારે રેલવે નેટવર્કને સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત કરવાના અને નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જન ના વૈશ્વિક લક્ષ્યને પ્રાપ્ત કરવામાં આ LNG ટ્રેન એક મહત્વનો માઇલસ્ટોન સાબિત થશે.
આ પ્રસંગેશ્રી અમિતભાઈ શાહે સંબોધન કરતા જણાવ્યું કે, સાબરમતીની ધરતી આત્મબળ અને પ્રયોગોની ધરતી છે. અહીંયાથી થોડાક જ કી.મી દૂર મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમને સમગ્ર દેશની આઝાદી માટેના આંદોલનનું કેન્દ્ર બનાવ્યું હતું. આ જ ભૂમિ ઉપર બાપુએ સત્યાગ્રહ, સાદું જીવન, ગ્રામીણ વિકાસ અને ખાદી જેવા પ્રયોગોને આ જ અમદાવાદમાં જમીન પર ઉતારવાની શરૂઆત કરી હતી.
શ્રી શાહે વધુમાં જણાવ્યું કે, સાબરમતી મંડલમાં ભારતીય રેલ્વેની વિવિધ પરિયોજનાઓ શરૂ થઈ રહી છે. આ પરિયોજનાઓ પર્યાવરણ, પ્રજાજનોની સુવિધાઓ અને સુરક્ષા માટે જોડાયેલી છે. પહેલા દિલ્લીના પ્રવાસથી અમદાવાદ સુધી રેલ્વે મુસાફરી દરમ્યાન સાબરમતી રેલ્વે સ્ટેશનને નજીકથી જોયું છે. તેઓએ આ તબક્કે સાબરમતી મંડલ, રેલ મંત્રાલય તેમજ રેલમંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવજીની સમગ્ર ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા. તેઓએ કહ્યું હતુંકે આજે કોઈ વિશ્વાસ ન કરી શકે કારણ કે ૮૦ ના દાયકામાં રિક્ષા માટે ૨ કી.મી ચાલવુ પડતું હતું. રેલ યાત્રીઓની સુવિધા, સુરક્ષા તેમજ કનેક્ટિવિટીની દ્રષ્ટિએ આમૂલચૂર પરિવર્તન આપણા સૌની સમક્ષ છે. આ રેલ્વે સ્ટેશનથી થોડાક ડગલાં ભરતા જ મેટ્રો સ્ટેશન, બસ સ્ટેશન અને ફાસ્ટ્રેક રેલના પ્લેટફોર્મ સુધી ચાલીને જઈ શકાય એ પ્રકારની સુદ્રઢ વ્યવસ્થા પૂર્ણ રૂપે કરવામાં આવી છે. રૂ. ૧૪૭૨ કરોડના ખર્ચે જે લોકાર્પણ અને શિલાન્યાસ થયા છે તે આવનાર દિવસોમાં આ ક્ષેત્રના મુસાફરો માટે ખૂબ લાભદાયી સાબિત થશે. રૂ.૭૦૦ કરોડથી WAG ૧૨ લોકોમેટિવ મેન્ટેનન્સ શેડ અહીંયા નિર્માણ કરવામાં આવ્યા છે. રૂ. ૪૮ કરોડના ખર્ચે સુરક્ષા માટે સાબરમતી, કલોલ રેલખંડ ઉપર કવચ પ્રણાલીની શરૂઆત થઈ છે.
શ્રી શાહે LNG ટ્રેન તેમજ WAG12 વિશે ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ એન્જિન ૧૨૦૦ હોર્સપાવરની ટ્વિન્સસેક્શનની ક્ષમતા ધરાવે છે એટલે કે આશરે ૬૦૦ ટ્રક જેટલો સામાન આ એકલું એન્જિન ઉઠાવીને જઈ શકશે. પહેલા બે લોકોમેટિવ લગાવવા પડતા હતા હવે એક જ WAG12 ઉઠાવીને જઈ શકશે જે દેશમાં રેલ્વેને ઇતિહાસમાં મહત્વપૂર્ણ નકશા પર પહોંચાડશે. આજે LNG થી ચાલનાર ટ્રેનનું પણ લોકાર્પણ થયું છે જે આવનાર દિવસોમાં પર્યાવરણની સુવિધાનું કાર્ય કરશે. ૨૦૧૪ થી જ્યારે નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર આવી છે ત્યારથી રેલ્વે માટે અનેક પ્રકારની નવી સુવિધાઓ બનાવી, આધુનિકરણ કર્યું અને હવે મુંબઈ પોર્ટથી વડોદરા સુધી પ્રથમ લોંગ હોલ્ડ ડબલ સ્ટેક કન્ટેનર ટ્રેનનું સફળતા પૂર્વક ટ્રાયલ સંપન્ન થઈ ગયો છે. કલ્પના કરી શકાય છે કે દેશમાં માલના આવન જાવન માટે ટ્રેક ઓછા છે પરંતુ આ સમયે જો ડબલ ડેકર માલગાડીની કલ્પના સફળ થઈ જાય તો માલવહનની ક્ષમતા બે ગણી થઈ જશે અને ભારતની જરૂરિયાતને ૨૦૪૦ સુધી પૂર્ણ કરવા સક્ષમ થઈ જશે. આ વાતો પર કોઈનું ધ્યાન નથી જતું પરંતુ હવે ૧૧ હજાર કી.મી લાંબી ગલીઓ ૪ લેન નેટવર્કમાં પરિવર્તિત થઈ જશે. માત્ર રેલવેમાં જ ડેડિકેટેડ ફેડ કોરિડોર, રેપિડ રેલ સિસ્ટમ, પ્રીમિયમ સ્ટેશન જેવી તમામ સુદ્રઢ સુવિધાઓ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જ શરૂ થઈ છે. અને હમણાં જ હાઈડ્રોજન પર ચાલતી ટ્રેનનું ઉદ્ઘાટન કરી ભારતને દુનિયાના ૪ દેશોમાં રાખવાનું કાર્ય કર્યું છે.
શ્રી શાહે વધુમાં જણાવ્યું કે, રેલવેના આસપાસના લોકોને ખબર છે શું સ્થિતિ હતી, બાયો ટોઇલેટ જેટલા પણ નિર્માણ પામ્યા તેમાંથી ૯૭% નરેન્દ્રભાઈ મોદીજીના શાસનમાં બન્યા. LBH કોચનું ઉત્પાદન ૮૭% ભારતમાં મોદીજીના શાસનમાં થયું. રેલવેનું વિદ્યુતીકરણ પહેલા ૩૦% થયું હતું મોદીજીના શાસનમાં આવ્યા બાદ ૭૦% થયું. રેલ્વે સુરક્ષા બજેટમાં ૬૭% ની વૃદ્ધિ થઈ, લોકોમેટિવ ઉત્પાદનની ક્ષમતામાં ૬૬% વૃદ્ધિ મોદીજીના શાસનમાં જ થઈ છે. નવા નિર્માણ થયેલું એન્જિનના ૯૪% ટકા ભારતમાં જ ઉત્પાદન અને નિર્માણ થયું છે આવનાર સમયમાં તે ૧૦૦% સંપૂર્ણ ભારતમાં બનશે તેવી તૈયારી પણ છે. આ દ્રષ્ટિ છે કોઈ નેતાની હોય તો તે નરેન્દ્રભાઈ મોદી છે. “Make In India” અને “આત્મનિર્ભર ભારત” નો કોન્સેપ્ટ મોદીજીએ લોન્ચ કર્યો તેનું આ પરિણામ છે. ૨૦૧૬ માં ૨૯૩ કરોડ લીટર ડીઝલ ટ્રેનમાં વપરાતું હતું જ્યારે ૨૦૨૪-૨૫માં ૧૦૮ કરોડ લિટર છે જે ૨૦૩૦માં ઝીરો કરીને ભારતીય મુદ્રા બચાવવાનું કાર્ય કરશે. ૨૦૧૦-૧૧માં વિદ્યુતીકરણ ૭૫ કી.મી હતું જે ૨૦૨૪-૨૫માં એક જ વર્ષમાં ૭૧૮૮ કી.મી સુધીનું વિદ્યુતીકરણ થયું છે. જે ૯૯.૬% રેલ્વે વિદ્યુતીકરણ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે માત્ર ૦.૪ % જેટલું બાકી પણ પૂર્ણ થઈ જશે. બાકીના દેશોમાં જેમ કે, ચીનમાં ૯૨%, સ્પેનમાં ૬૮%, ફ્રાન્સમાં ૬૦% અને બ્રિટન જેવા નાના દેશમાં ૪૯% વિદ્યુતીકરણ થયું છે જ્યારે ભારત ૧૦૦ ટકા પ્રાપ્ત કરીને આગળ નીકળી જશે. વિશ્વમાં માત્ર સ્વીડનમાં જ ૧૦૦ ટકા વિદ્યુતીકરણ થયું છે પરંતુ ભારત અને સ્વીડનની રેલ કનેક્ટિવિટીમાં ૧૦ ગણો ફર્ક છે. અશક્ય કાર્યો સુચારુ રૂપે પરિપૂર્ણ થયા છે તે માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ શક્ય બન્યું છે. રેલ્વેનું ગુજરાતનું બજેટ ૨૦૦૯ થી ૧૪ સુધીનું રૂ.૫૮૯ કરોડ સુધી હતું જ્યારે, માત્ર વર્ષ ૨૦૨૬-૨૭ નું બજેટ રૂ.૧૭,૩૬૬ કરોડ છે આ વિકાસનું અંતર સ્પષ્ટ છે. કોંગ્રેસીઓ પાયાવિહોણી વાતો કરે છે ત્યારે દેશની જનતાએ એમને આંકડાઓ સાથે જવાબ આપવો જોઈએ કે શું કર્યું હતું આટલા વર્ષ?, રૂ.૧૨ લાખ કરોડના ગફલા, ગોટાળાઓ અને ભ્રષ્ટાચાર સિવાય કશું જ ન કર્યું. આજે દેશના વડાપ્રધાનશ્રી મોદીજી ઉપર ૧૨ વર્ષમાં ૪ પૈસાનો પણ ભ્રષ્ટાચારનો આરોપ નથી લાગ્યો. અંતે શ્રી શાહે પશ્ચિમ અમદાવાદ તેમજ સાબરમતીના પ્રજાજનોને આ વિકાસની સ્વર્ણિમ યાત્રા બદલ અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રસેવા અને જનકલ્યાણના 25 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે દેશભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ ચાલી રહ્યું છે. વડાપ્રધાનશ્રીએ સત્તાને સેવાનું માધ્યમ બનાવી દેશના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડ્યો છે. કલમ 370 નાબૂદ કરવી, આંતરિક સુરક્ષા મજબૂત બનાવવી તેમજ નક્સલવાદ સામે નિર્ણાયક નીતિ અપનાવવા જેવા અશક્ય લાગતાં કાર્યો વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશિપ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના અથાક પરિશ્રમથી સાકાર થયા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે દેશની પ્રથમ LNG સંચાલિત ટ્રેનની શરૂઆતને પશ્ચિમ રેલવે અને અમદાવાદ ડિવિઝન માટે ગૌરવપૂર્ણ અવસર ગણાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ક્લીન અને ગ્રીન એનર્જી તરફ આ પહેલ એક મોટું કદમ છે. તેનાથી ઈંધણ ખર્ચ ઘટાડવાની સાથે કાર્બન ઉત્સર્જન નિયંત્રિત કરવામાં પણ મદદ મળશે. સરકાર ‘ઇકોનોમી અને ઇકોલોજી’ બંનેને સાથે લઈને આગળ વધી રહી છે. રેલવેમાં 99 ટકા ઇલેક્ટ્રિફિકેશન, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને હાઇડ્રોજન ટ્રેન જેવી પહેલો ભારતીય રેલવેને આધુનિક તથા પર્યાવરણ-અનુકૂળ બનાવી રહી છે. ગુજરાતના ઝડપી ઔદ્યોગિક વિકાસને અનુરૂપ રાજ્યના રેલવે માળખાને ભવિષ્યલક્ષી બનાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઉપરાંત 5 વંદે ભારત, 1 અમૃત ભારત અને 1 નમો ભારત ટ્રેનની ભેટ મળી છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજ્યના 87 રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ થઈ રહ્યો છે તથા રૂ. 1.28 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટ્સ પ્રગતિ હેઠળ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને સાકાર કરવામાં ભારતીય રેલવે સલામતી, ઝડપ અને આધુનિક ટેકનોલોજી સાથે દેશના પરિવહનની મજબૂત કરોડરજ્જુ બની રહેશે.
આ પ્રસંગે અમદાવાદ મેયરશ્રી હિતેશભાઈ બારોટ, ગુજરાત સરકારના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, સાંસદશ્રી હસમુખભાઈ પટેલ, અમદાવાદ શહેર ભાજપા અધ્યક્ષશ્રી પ્રેરકભાઈ શાહ, ધારાસભ્યશ્રીઓ શ્રી અમિતભાઈ શાહ, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી બાબુભાઈ પટેલ, શ્રી અમૂલભાઈ ભટ્ટ, શ્રીમતી કંચનબેન રાદડિયા, શ્રીમતી પાયલબેન કુકરાણી, શ્રી વેદપ્રકાશ મંડલ સહિત પ્રદેશ તેમજ જિલ્લાના હોદ્દેદારશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


