તમારા પાર્ટનર બીજા કોઈ સાથે તો ગરબા રમવા નથી જતા ને? નવરાત્રીમાં જાસૂસોની માગ વધી, જાણો 60 હજાર સુધીના સ્પેશિયલ પેકેજમાં શું-શું મળશે

Spread the love

નવરાત્રી એટલે ગરબા, મોડી રાત સુધીની પાર્ટીઓ અને રોનકનો માહોલ. પરંતુ આ જ તહેવાર દરમિયાન અમદાવાદ અને સુરતમાં ખાનગી ડિટેક્ટિવ એજન્સીઓની માગમાં 50થી 70 ટકા સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ગરબા ગ્રાઉન્ડથી લઈને રસ્તાઓ સુધી લોકો પોતાના પાર્ટનરની વફાદારી તપાસવા અથવા તો સંતાનોની સુરક્ષા અને સંગત અંગે જાણવા માટે ખાનગી તપાસનો સહારો લઈ રહ્યા છે.નવરાત્રીના આ તહેવારમાં ખાનગી તપાસ એજન્સીઓ માટે આ સીઝન ‘હાઇ ડિમાન્ડ’નો સમય બની ગઈ છે. સુરતમાં એજન્સીઓ દ્વારા 7 દિવસના પેકેજ માટે રૂ. 45,000 અને 10 દિવસના આખા નવરાત્રી પેકેજ માટે રૂ. 60,000 સુધીનો ચાર્જ લેવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત દૈનિક ધોરણે સર્વેલન્સ કરાવવા માટે પ્રતિ દિવસ આશરે રૂ. 7,000 સુધીનો ખર્ચ થાય છે.

 

અમદાવાદમાં ડિટેક્ટિવ્સ પાસે આ વર્ષે કેસોમાં 50%નો વધારો નોંધાયો છે, જ્યાં પ્રતિ રાઇડ/નાઇટ બેઝિક ચાર્જ રૂ. 4,500થી શરૂ થાય છે. આ ખર્ચમાં પાસ, ફૂડ, અને લોકેશનના અંતરના આધારે વધારો થતો હોય છે. અમદાવાદના વિવિધ ગરબા ગ્રાઉન્ડ્સ પર જાસૂસી કરવા માટે 24 જેટલા યુવક-યુવતીઓની ટીમો તૈનાત કરવામાં આવી છે.માત્ર શંકા જ નહીં, પણ વાલીઓ પોતાના 15થી 17 વર્ષના ટીનેજર સંતાનો ખોટી સંગતમાં ના પડે કે ડ્રગ્સ-ડ્રિંક્સના રવાડે ના ચડે તે માટે પણ ડિટેક્ટિવ્સ રોકી રહ્યા છે. સામાન્ય દિવસોમાં મહિને સરેરાશ 2 કેસ આવતા હોય છે, જ્યારે ચાલુ નવરાત્રીમાં જ 3થી વધુ કિસ્સાઓ સામે આવ્યા છે. પોલીસ અને ‘શી ટીમ’ તૈનાત હોવા છતાં, ગરબા ગ્રાઉન્ડ્સ પરની ભીડમાં અંગત સુરક્ષા માટે વાલીઓ ખાનગી એજન્સીઓ પર પસંદગી ઉતારી રહ્યા છે. ગરબાના બહાને યુવતીઓને ટ્રેપ કરવા અને તેમનું શોષણ કરવા જેવા બનાવોથી બચવા માટે પેરેન્ટ્સ પહેલેથી સાવચેત થઈ રહ્યા છે.પરંપરાગત ફિઝિકલ વોચ ઉપરાંત હવે હાઇટેક ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે. ચણિયાચોળી જેવા ભારે ટ્રેડિશનલ પરિધાનમાં કોઈન સાઇઝ લોકેશન ટ્રેકર જેવા નાના ઉપકરણો પણ છુપાવી દેવામાં આવે છે. આ સિવાય સામાન્ય દેખાતી પાવર બેંકમાં છુપાયેલા ગુપ્ત કેમેરા, પેન ડ્રાઇવ જેવા દેખાતા વોઇસ રેકોર્ડર અને કપડાં પર લગાવી શકાય તેવા નાના બટન કેમેરાથી ગુપ્ત નજર રાખવામાં આવે છે. આ સાધનોના કારણે સામેવાળી વ્યક્તિને ખબર પણ પડતી નથી કે તેના પર નજર રખાઈ રહી છે.ગ્રાહકની જરૂરિયાત મુજબ વાહનોની હિલચાલ પર નજર રાખવા માટે ગાડીઓમાં GPS આધારિત ઉપકરણોનો ઉપયોગ વધ્યો છે. જેનાથી વ્યક્તિ કાર લઈને કયા સ્થળે જાય છે અને કેટલો સમય રોકાય છે તેનું રીયલ-ટાઇમ લોકેશન ટ્રેકિંગ ક્લાયન્ટને સીધું મળી રહે છે.

 

ટ્રેડિશનલ ડ્રેસમાં ફીમેલ ડિટેક્ટિવ્સ રાખશે દીકરીઓ પર વોચ

 

ખાસ કરીને યુવતીઓની સુરક્ષા અને વોચ માટે એજન્સીઓ દ્વારા ફીમેલ ડિટેક્ટિવ્સ અને મહિલા ઇન્વેસ્ટિગેટર્સની સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. આ મહિલા ડિટેક્ટિવ્સ પોતે પણ ટ્રેડિશનલ ચણિયાચોળી પહેરીને ગરબા રમતી રમતી દીકરીઓ પર વોચ રાખે છે. આ ટીમો સામાન્ય રીતે કોઈના અંગત જીવનમાં દખલ કરતી નથી, પરંતુ જો સુરક્ષા સામે કોઈ જોખમ જણાય કે પરિસ્થિતિ શંકાસ્પદ લાગે તો તાત્કાલિક વાલીઓને જાણ કરે છે અને જરૂર પડ્યે જાતે વચ્ચે પડે છે.જાસૂસી શરૂ કરતા પહેલા ડિટેક્ટિવ ટીમ સંબંધિત વ્યક્તિના વાહનની માહિતી, ઘરનું સરનામું, ગરબા સ્થળ અને ખાસ તો તેણે પહેરેલા કપડાંની માહિતી મેળવે છે. આ ડેટા મેળવ્યા બાદ ટીમ તેને ફોલો કરે છે. વોચ દરમિયાન એકત્રિત કરાયેલા ફોટોગ્રાફ્સ, ઓડિયો, વીડિયો અને લોકેશન ડેટા એકત્ર કરી ક્લાયન્ટને ગોપનીય રિપોર્ટ સ્વરૂપે સોંપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *