તહેવારોને કારણે આંદોલન મોકૂફ રહેતાં રાહુલ વિયેતનામ રવાના, ભાજપે નવરાત્રિમાં વિદેશ પ્રવાસ સામે પ્રહારો કર્યા

Spread the love

દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ચાર દિવસ માટે વિયેતનામ રવાના થયા છે. તહેવારોનું સપ્તાહ હોવાથી ઇન્ડિયા ગઠબંધને પોતાના વિરોધ કાર્યક્રમો થોડા સમય માટે સ્થગિત કર્યા છે.આ દરમિયાન રાહુલ ગાંધી વિદેશ જતાં ભાજપે આકરા પ્રહારો શરૂ કર્યા છે.કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી રવિવારે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તે ગોવાની મુલાકાતે ગયા હતા.ત્યાં તેમણે પક્ષ દ્વારા આયોજિત ગોય રાખણ યાત્રામાં ભાગ લીધો હતો અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ સીધા વિયેતનામ જવા રવાના થઈ ગયા હતા.પક્ષના સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે તેઓ આગામી 4 દિવસ સુધી દેશ બહાર અંગત પ્રવાસે રહેવાના છે.છેલ્લા 2 અઠવાડિયાથી રાહુલ ગાંધી દેશની રાજધાની દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનના આક્રમક રસ્તા પરના વિરોધ પ્રદર્શનોનું સતત નેતૃત્વ કરી રહ્યા હતા.આ દરમિયાન તેમની સક્રિયતાથી વિપક્ષી છાવણીમાં નવો જોશ જોવા મળ્યો હતો અને કોંગ્રેસના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ વધ્યો હતો.ચૂંટણી પંચ અને સરકાર સામેના આ પ્રદર્શનો દરમિયાન પોલીસે રાહુલ ગાંધીની 2 વાર અટકાયત પણ કરી હતી.

 

વિરોધ પ્રદર્શનોને વધુ વ્યાપક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા

 

રાહુલ ગાંધી માત્ર દેખાવોનું નેતૃત્વ જ નહોતા કરી રહ્યા પરંતુ વિરોધ પ્રદર્શનમાં પક્ષના તમામ સાંસદો અચૂક હાજર રહે તે બાબત પર પણ જાતે જ સતત નજર રાખી રહ્યા હતા. રિપોર્ટ અનુસાર,ચૂંટણી પંચ વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા ચાલી રહેલા આંદોલનમાં રાહુલ ગાંધીની આગેવાની કેન્દ્રસ્થાને રહી છે.તેઓ ઇન્ડિયા ગઠબંધનના તમામ સહયોગી પક્ષો તેમજ સામાજિક સંગઠનોને એક મંચ પર લાવવા માટે સતત સક્રિય પ્રયાસો કરી રહ્યા હતા.રાહુલ ગાંધીના સક્રિય અભિગમ અને તેમની ટીમ દ્વારા સતત યોજવામાં આવેલી બેઠકોએ આ વિરોધ પ્રદર્શનોને વધુ વ્યાપક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.પક્ષના અગ્રણી નેતાઓનું કહેવું છે કે સંસદ સભ્યો વિરોધમાં જોડાય અને સાથી પક્ષોની ભાગીદારી પણ મજબૂત રીતે જળવાઈ રહે તે માટે રાહુલ ગાંધી પોતે સમગ્ર સ્થિતિનું સીધું મોનિટરિંગ કરી રહ્યા હતા.

 

રાહુલ ગાંધીની વિદેશ યાત્રા પર ભાજપના પ્રહાર

 

વર્તમાન તહેવારોના સપ્તાહને ધ્યાનમાં રાખીને ગઠબંધને હાલ પૂરતા પોતાના જાહેર વિરોધ કાર્યક્રમો સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે જેના પગલે વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ આગામી 4 દિવસ સુધી વિદેશ યાત્રાએ ગયા હોવાનું જાણવા મળ્યું છે. રાહુલ ગાંધીના આ અચાનક વિદેશ પ્રવાસને લઈને ભારતીય જનતા પાર્ટીએ આકરા પ્રહારો શરૂ કર્યા છે.ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે રાહુલ ગાંધી ફરીથી એ જ કામ કરી રહ્યા છે જેમાં તેઓ સૌથી વધુ માહિર છે.બ્રેક લેવો અને રજાઓની મજા માણવી. સમાચારો મુજબ રાહુલ ગાંધી રજાઓ ગાળવા માટે વિદેશ ગયા છે અને તેઓ ભારતમાં હાજર નથી.પવિત્ર નવરાત્રિના સમયગાળા દરમિયાન રાહુલ ગાંધી વિદેશમાં શું કરી રહ્યા છે તેવો સવાલ ઉઠાવી તેમણે પૂછ્યું કે શું તેઓ માત્ર બ્રેકની મજા માણી રહ્યા છે કે પછી પોતાના અરાજકતા ફેલાવનારા સાથીઓને મળી રહ્યા છે.પ્રદીપ ભંડારીએ આક્ષેપ કર્યો કે એક એવી વ્યક્તિ જે કામ કરવા કરતાં વધુ સમય આરામ કરવામાં વિતાવે છે અને પછી મોટેથી વોટ ચોરીની બૂમો પાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *