વડોદરામાં ગરબા જોવા આવેલા યુવકની હત્યા, ₹30 લાખ અને બે મકાનની લાલચ આપ્યાનો પોલીસનો દાવો

Spread the love

વડોદરાના સોમાતળાવ વિસ્તારમાં સ્વાગત પાર્ટી પ્લોટ બહાર ગરબા જોવા આવેલા 24 વર્ષીય નિલેશ વણઝારાની હત્યાના કેસમાં (Vadodara Murder Case) પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અગાઉની હત્યાની અદાવતમાં આ કાવતરું ઘડવામાં આવ્યું હોવાની તપાસમાં વિગતો સામે આવી છે. હત્યા કરવા માટે ₹30 લાખ અને બે મકાન અપાવવાની લાલચ આપવામાં આવી હોવાનો પણ પોલીસનો દાવો છે.પોલીસ ફરિયાદ મુજબ, નિલેશ વણઝારા (Nilesh Vanzara Murder) 19 ઓક્ટોબરે વણઝારા સમાજના ગરબાજોવા માટે મોટરસાઇકલ લઈને સ્વાગત પાર્ટી પ્લોટ (Swagat Party Plot) ગયો હતો. રાત્રે આશરે 12:36 વાગ્યે તે પાર્ટી પ્લોટની બહાર બેઠો હતો, ત્યારે માસ્ક પહેરીને આવેલા એક શખ્સે તેના પર ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે નિલેશનું મોત થયું હતું. હુમલાખોર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

 

અગાઉની હત્યાની અદાવતમાં કાવતરું ઘડ્યાનો દાવો

 

પોલીસના જણાવ્યા મુજબ, આશરે ત્રણ મહિના પહેલાં બનેલી બીજી હત્યાની ઘટનાની અદાવત આ કેસ પાછળનું સંભવિત કારણ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તે કેસમાં મૃતકના ભાઈ અજય વણઝારા જેલમાં હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું હતું.

 

આ દિશામાં તપાસ દરમિયાન વિક્રમ ગોરધનભાઈ વણઝારાની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસનો દાવો છે કે વધુ તપાસમાં હત્યાના કાવતરાને લગતી વિગતો સામે આવી હતી.

 

₹30 લાખ અને બે મકાનની લાલચ આપી હોવાનો આક્ષેપ

 

પોલીસના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી પુનમ અમરસિંહ વણઝારાને હત્યા કરવા માટે ₹30 લાખ અને બે મકાન અપાવવાની લાલચ આપવામાં આવી (₹30 Lakh Murder Conspiracy) હતી. તેને ઘરનું ભાડું અને ઘરવખરી માટે પણ આર્થિકમદદ અપાતી હોવાનો પોલીસનો દાવો છે.

 

તપાસમાં નિલેશની અવરજવર પર નજર રાખવામાં આવતી હોવાની વિગતો પણ સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, ઘટનાના થોડા દિવસ પહેલાં બે છરી ખરીદવામાં આવી હતી અને ગરબા સ્થળે નિલેશની હાજરી અંગે માહિતી મળ્યા બાદ હુમલાનું આયોજન કરાયું હતું.

 

100થી વધુ CCTV ફૂટેજ તપાસ્યાં

 

હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના 100થી વધુ CCTV કેમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ટેકનિકલ તપાસ અને બાતમીના આધારે મુખ્ય આરોપી પુનમને મહિસાગર જિલ્લાના લુણાવાડા વિસ્તારની હદમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.

 

પોલીસના જણાવ્યા મુજબ, હત્યામાં વપરાયેલી છરી અને બે મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યા છે.

 

ચાર આરોપીઓની ધરપકડ

 

આ કેસમાં પોલીસે પુનમ અમરસિંહ વણઝારા (30), વિક્રમ ગોરધનભાઈ વણઝારા (42), સતિષ ઉર્ફે ગલ્લો મોહનભાઈ દેવીપૂજક (21) અને વિજયકુમાર ઉર્ફે વિજુ ઉર્ફે બ્રીજેશ દિનેશ વણઝારા (19)ની ધરપકડ કરી છે.

 

પોલીસે ચારેય આરોપીઓસામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હત્યાનું કાવતરું, આર્થિક લાલચ અને અગાઉની ઘટનાની અદાવત અંગેના તમામ આરોપોની હકીકત આગળની તપાસ અને કોર્ટની કાર્યવાહી દરમિયાન સ્પષ્ટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *