અમેરિકામાં પત્ની પર હાથ ઉઠાવનારો કલોલનો યુવક ICEની કસ્ટડીમાં

Spread the love

અમેરિકામાં કોઈ સ્ટેટસ વિના રહેતો કલોલનો એક યુવક હાલ જેલની હવા ખાઈ રહ્યો છે. ધવલ પટેલ નામનો આ 34 વર્ષીય શખસ તેની પત્ની, એક બાળક અને પેરેન્ટ્સ સાથે ઓહાયોના કોલંબસમાં રહેતો હતો. IamGujaratને મળેલી માહિતી અનુસાર ધવલ પટેલે તેની પત્ની પર હિંસક હુમલો કરતા સપ્ટેમ્બર 12ના રોજ તેની સેકન્ડ ડિગ્રી ફેલોની ચાર્જ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.આ કેસમાં ધવલ પર દોઢ લાખ ડોલરનો બોન્ડ મૂકવામાં આવ્યો હતો, તેને જેલમાંથી છોડાવવા માટે એક મહિલાએ બોન્ડની રકમ ભરી હતી પરંતુ તેને રિલીઝ કરાયો તે સાથે જ ICE દ્વારા તેને કસ્ટડીમાં લઈ લેવાયો હતો અને હાલ પણ તે ઓહાયોની સેનેકા કાઉન્ટીમાં આવેલી જેલમાં ICEની કસ્ટડીમાં છે. ધવલ આજ દિન સુધી કોઈ સ્ટેટસ વિના જ રહેતો હોવાથી હવે ICE દ્વારા ધરપકડ કરાયા બાદ તેને ડિપોર્ટ કરાય તેવી શક્યતા છે. સૂત્રોના હવાલેથી મળેલી માહિતી અનુસાર ધવલ પટેલ કલોલના કલ્યાણપુરા ગામનો રહેવાસી છે, તે 2015માં ઈલીગલી અમેરિકા આવ્યો હતો અને 2016માં તેણે પોતાના જ સમાજની એક યુવતી સાથે ઓહાયોમાં હિન્દુ વિધિથી લગ્ન કર્યા હતા.

 

અમેરિકામાં ખિસ્સામાં ડોલર આવવા લાગે ત્યારે અમુક દેસીઓ છાટકા બની જતા હોય છે, ધવલ પટેલ પણ તેમાંનો જ એક હતો. આ શખસને નજીકથી ઓળખતી એક વ્યક્તિએ પોતાનું નામ ના આપવાની શરતે IamGujarat સાથે વાત કરતા જણાવ્યું હતું કે ધવલના રંગીલા સ્વભાવને કારણે તેને પોતાની પત્ની સાથે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. એવું પણ કહેવાય છે કે પત્નીએ અનેકવાર ધવલને લગ્નજીવનનું ટકી રહેવું અશક્ય બની જાય તેવી કરતૂતો કરતા પકડ્યો હતો. પરંતુ દર વખતે તે માફી માગવાનું નાટક કરીને પત્નીને સમજાવી દેતો હતો. જોકે, ધીમે-ધીમે તેની હિંમત વધવા લાગી હતી અને તેણે પત્નીની નજર સામે જ બેશરમ બનીને ખૂલ્લેઆમ આ કરતૂતો કરવા લાગ્યો હતો.

 

એવી પણ ચર્ચા છે કે ધવલની પત્ની પ્રેગનેન્ટ હતી ત્યારે પણ તે સુધરવા માટે તૈયાર નહોતો અને બાળકનો જન્મ થયા બાદ તો તે સાવ બેફામ થઈ ગયો હતો. અમેરિકામાં પોતાનો બિઝનેસ ધરાવતો ધવલ પોતાની સાચી આવક પણ પત્નીને ક્યારેય નહોતો જણાવતો અને જો તે સવાલ પૂછે તો તેના પર અવારનવાર હાથ પણ ઉપાડતો હતો પણ સપ્ટેમ્બર 12ના રોજ તેણે તમામ હદો વટાવી દેતા તેની પત્નીને એટલો બધો માર માર્યો હતો કે મામલો પોલીસ સુધી પહોંચી ગયો અને હવે ધવલને ઈન્ડિયા પાછા આવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. સપ્ટેમ્બર 12ના રોજ ધવલને તેની પત્ની સાથે પોતાની હરકતોને કારણે જ બબાલ થતાં તેણે બાળકની નજર સામે જ પત્નીને ઉપરાછાપરી આઠ લાફા ઝીંકી દેતા તેનો ચહેરો સૂઝી ગયો હતો, આટલેથી ના અટકતા તે પોતાની પત્નીનું ગળું દબાવી તેના પર ચઢી બેઠો હતો અને તેનો શ્વાસ ના રૂંધાઈ જાય ત્યાં સુધી તેને નહોતી છોડી.

 

આ દરમિયાન પત્ની ચીસો ના પાડી શકે તે માટે તેણે તેના મોઢામાં પોતાનો હાથ નાખી દીધો હતો. આ બધું થયું ત્યારે ધવલની પત્ની તેને પેનિક અટેક આવ્યો હોય તેમ ભાનમાં નહોતી રહી, થોડી મિનિટોમાં તે ચીસાચીસ કરતી ઘરની બહાર દોડી હતી અને તે વખતે પાડોશમાં જ રહેતો એક પોલીસ ઓફિસર તેની મદદે દોડી આવ્યો હતો. આ જ પોલીસ ઓફિસરે 911 પર ફોન કરીને પોલીસ અને એમ્બ્લુયન્સને બોલાવ્યા હતા. પેરામેડિકલ ટીમ જ્યારે લોકેશન પર પહોંચી ત્યારે ધવલની પત્નીની હાલત એટલી બધી ખરાબ હતી કે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવી પડી હતી જ્યાં MRI સહિતના ટેસ્ટ કર્યા બાદ ડોક્ટરે વિક્ટિમની હાલત જોઈને એવું જણાવ્યું હતું કે જો આ બધું પાંચ-દસ સેકન્ડ વધારે ચાલ્યું હોત તો તેનું મોત પણ થઈ શક્યું હોત.

 

આ પ્રકરણથી વાકેફ એક સૂત્રના જણાવ્યા અનુસાર ધવલનું લગ્નજીવન ટકી રહે તેવી હવે કોઈ જ સંભાવના નથી રહી અને સાથે જ તેના પોતાના પણ જેલમાંથી છૂટવાના કોઈ જ ઠેકાણા નથી. તેના પર જે ચાર્જ લગાવાયો છે તેમાં ગુનો સાબિત થવા પર વધુમાં વધુ 12 વર્ષની જેલની સજા થઈ શકે છે. હાલ સ્ટોરમાં 100-200 ડોલરની ચોરી કરતા કે પછી દારૂ પીને ગાડી ચલાવતા પકડાયેલા ઈલીગલ ઈમિગ્રન્ટ્સને પણ ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે તેવામાં ધવલ પર લગાવાયેલો ચાર્જ ઘણો ગંભીર છે, જેના કારણે હવે તેને અમેરિકામાં રહેવા દેવાય તેવી શક્યતા ઘણી ઓછી છે. ધવલે જો ઈચ્છ્યું હોત તો લગ્ન બાદ પોતેય લીગલ સ્ટેટસ મેળવી શક્યો હોત, પણ પોતાના જ પગ પર કુહાડી મારતા હવે તે બધુંય ખતમ કરી બેઠો છે. સપ્ટેમ્બર 12ના રોજ તેણે જે કંઈ કર્યું તેનાથી તેની પત્ની એટલી બધી ડરેલી છે કે હવે તે પતિ સાથે કોઈ જ પ્રકારનું સમાધાન કરવા કે તેની સાથે રહેવા માટે તૈયાર નથી. તેને પોતાના કરતા વધુ ચિંતા બાળકની સલામતીને લઈને થઈ રહી છે.

 

પત્નીને ઢોર માર મારનાારો ધવલ પટેલ 2020માં U Visa મેળવવા માટે ફેક રોબરી પણ કરાવી ચૂક્યો છે, ફેબ્રુઆરી 2020માં બટલર કાઉન્ટીમાં આવેલા જે ગેસ સ્ટેશનમાં ધવલ કામ કરતો હતો ત્યાં જ આ રોબરી કરાવાઈ હતી. પોલીસે રોબરી કરનારા ત્રણ લોકોની ધરપકડ કર્યા બાદ ધવલને પણ આરોપી બનાવાયો હતો. મિડલટાઉન પોલીસે કરેલી તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે રોબરી કરવા આવનારા લોકોને ધવલે એવું કહ્યું હતું કે લૂંટ થાય ત્યારે સ્ટોરના કેમેરા બંધ હશે. જોકે, કેમેરા ખરેખર ચાલુ હતા અને પોલીસે આરોપીઓના ફોટા જાહેર કર્યા ત્યારે તેમણે વધુ પૈસાની ડિમાન્ડ કરી હતી. રોબરી થઈ તે પહેલા અને ત્યારબાદ પણ ધવલ નકલી લૂંટારા સાથે કોન્ટેક્ટમાં હતો. આ કેસમાં ધવલ સામે રોબરીનું કાવતરૂં રચવા ઉપરાંત પુરાવા સાથે છેડછાડ કરવા સહિતના ચાર્જિસ લગાવાયા હતા.જો ધવલને ઈન્ડિયા ડિપોર્ટ કરાયો તો તેની ક્રિમિનલ હિસ્ટ્રીને કારણે તેના માટે ફરી યુએસ જવું અશક્ય બની જશે. અમેરિકામાં અત્યારસુધી હવામાં ઉડી રહેલા ધવલ જેવા ઘણા દેસીઓ હાલ જમીન પર આવી ગયા છે. એક સમય હતો કે જ્યારે સિરિયસ ક્રાઈમ કરનારો ઈલીગલ ઈમિગ્રન્ટ પણ આસાનીથી બોન્ડ પર છૂટી જતો હતો અને મોકો મળતાં જ રફુચક્કર પણ થઈ જતો. જોકે, હવે આવા નમૂના બોન્ડ ભરીને બહાર આવે તે સાથે જ સીધા ICEની જેલમાં પહોંચી રહ્યા છે અને ઘણા ડિપોર્ટ પણ થયા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *