UPI પેમેન્ટ ફેલ થયું અને ખાતામાંથી પૈસા કપાયા? જાણો રિફંડ અને ₹૧૦૦ વળતરનો નિયમ

Spread the love

Google Pay, PhonePe કે Paytmથી પૈસા કપાયા પણ રિફંડ ન મળ્યું? ફરિયાદ કરવાની સંપૂર્ણ રીત જાણો

 

આજના ડિજિટલ યુગમાં આપણે શાકભાજી ખરીદવાથી લઈને મોટા બિલ ચૂકવવા સુધી દરેક જગ્યાએ UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ)નો ઉપયોગ કરીએ છીએ. Google Pay, PhonePe, Paytm કે BHIM જેવી એપ્સના કારણે નાણાકીય વ્યવહારો ખૂબ જ સરળ અને ઝડપી બની ગયા છે.

પરંતુ, ઘણી વખત સર્વરની ખામી, ટેકનિકલ પ્રોબ્લેમ કે નેટવર્ક ઈશ્યુના કારણે ટ્રાન્ઝેક્શન નિષ્ફળ (Failed) થઈ જાય છે. સૌથી મોટી મુશ્કેલી ત્યારે ઊભી થાય છે જ્યારે તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે, પરંતુ સામેવાળી વ્યક્તિ કે વેપારી (મર્ચન્ટ)ના ખાતામાં તે જમા થતા નથી.

આવી પરિસ્થિતિમાં કોઈપણ વ્યક્તિ ચિંતામાં પડી જાય તે સ્વાભાવિક છે. પરંતુ ગભરાવાની કે અધીરા થવાની કોઈ જરૂર નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગ્રાહકોના હિત માટે સ્પષ્ટ નિયમો અને સમયમર્યાદા નક્કી કરી છે. જો નક્કી કરેલા સમયમાં બેંક તમારા પૈસા પાછા ન આપે, તો તમને દરરોજનું વળતર મેળવવાનો પણ અધિકાર છે.

 

રિફંડ માટે RBIની સમયમર્યાદા અને વિલંબ પર વળતરનો નિયમ

 

જ્યારે પણ કોઈ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય છે, ત્યારે મોટાભાગના કિસ્સાઓમાં બેંક સિસ્ટમ દ્વારા નાણાં આપમેળે (Automatically) ગ્રાહકના ખાતામાં જમા થઈ જતા હોય છે. પરંતુ જો તેમ ન થાય, તો બેંકોએ આરબીઆઈ દ્વારા નિર્ધારિત ચોક્કસ સમયમર્યાદામાં નાણાં પરત કરવા પડે છે.

 

આ સમયમર્યાદા ટ્રાન્ઝેક્શનના પ્રકાર પર આધાર રાખે છે:

 

વ્યક્તિથી વ્યક્તિ વચ્ચેનું ટ્રાન્ઝેક્શન (P2P – Person to Person): જો તમે તમારા કોઈ મિત્ર, સગા-સંબંધી કે અન્ય કોઈ વ્યક્તિના ખાતામાં પૈસા મોકલ્યા હોય, તમારા ખાતામાંથી પૈસા કપાઈ ગયા હોય પરંતુ સામેવાળી વ્યક્તિને ન મળ્યા હોય, તો આ રકમ T+1 દિવસની અંદર તમારા ખાતામાં પાછી આવી જવી જોઈએ. અહીં ‘T’ નો અર્થ ટ્રાન્ઝેક્શન કર્યાની તારીખ થાય છે. એટલે કે ટ્રાન્ઝેક્શનના પછીના એક જ દિવસમાં પૈસા પરત મળવા જોઈએ.

 

વ્યક્તિથી મર્ચન્ટ વચ્ચેનું ટ્રાન્ઝેક્શન (P2M – Person to Merchant): જો તમે કોઈ દુકાનદારે, શોપિંગ મોલમાં, ઓનલાઈન સાઈટ પર કે બિલ પેમેન્ટ માટે પૈસા ચૂકવ્યા હોય, પૈસા કપાયા હોય પણ વેપારીને કન્ફર્મેશન ન મળ્યું હોય, તો આવી રકમ પરત આવવાની મુદત T+5 દિવસની હોય છે.

વિલંબ થાય તો રૂ. 100 પ્રતિદિન વળતરનો અધિકાર

 

જો તમારી બેંક નિર્ધારિત સમયમર્યાદા (T+1 અથવા T+5 દિવસ) ની અંદર કપાયેલી રકમ તમારા ખાતામાં પાછી જમા કરવામાં નિષ્ફળ જાય, તો ગ્રાહક તરીકે તમે વળતર મેળવવા માટે પાત્ર છો. RBIના નિયમો મુજબ, સમયમર્યાદા પૂરી થયા પછીના દરેક દિવસના વિલંબ માટે બેંકે ગ્રાહકને દરરોજ રૂ. 100 નું વળતર ચૂકવવું પડે છે. આ વળતર આપમેળે ગ્રાહકના ખાતામાં જમા થવું જોઈએ, જો એમાં ગ્રાહકની પોતાની કોઈ ભૂલ ન હોય.

 

અટકેલા પૈસા પાછા મેળવવા માટે અનુસરવાના સરળ તબક્કા

 

જો તમારું UPI પેમેન્ટ ફેલ થઈ ગયું હોય અને ખાતામાંથી રકમ કપાઈ ગઈ હોય, તો નીચે મુજબના પગલાં ભરો:

 

પગલું 1: ટ્રાન્ઝેક્શન સ્ટેટસ તપાસો

 

સૌથી પહેલાં તમે જે UPI એપ (જેમ કે Google Pay, PhonePe, Paytm, BHIM વગેરે) નો ઉપયોગ કર્યો હોય તેને ઓપન કરો. તેમાં ‘Transaction History’ અથવા ‘Passbook’ માં જઈને સંબંધિત પેમેન્ટનું સ્ટેટસ ચકાસો. જુઓ કે ત્યાં પેમેન્ટ ‘Successful’, ‘Pending’ કે ‘Failed’ બતાવે છે. જ્યાં સુધી ટ્રાન્ઝેક્શનનું સ્ટેટસ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ઉતાવળમાં બીજી વાર પેમેન્ટ ન કરો, અન્યથા તમારા ખાતામાંથી બે વાર પૈસા કપાઈ શકે છે.

 

પગલું 2: ટ્રાન્ઝેક્શન વિગતો સુરક્ષિત રાખો

 

જો પેમેન્ટ અટકી ગયું હોય, તો તે ટ્રાન્ઝેક્શનનો સંદર્ભ નંબર (Reference Number) અથવા UPI Transaction ID (જે સામાન્ય રીતે 12 આંકડાનો હોય છે), તારીખ, સમય અને રકમ નોંધાલી લો. આ ઉપરાંત ટ્રાન્ઝેક્શન સ્ટેટસ અને બેંકમાંથી પૈસા કપાયાના મેસેજ કે સ્ટેટમેન્ટનો સ્ક્રીનશોટ પાડીને સાચવી રાખો. ભવિષ્યમાં ફરિયાદ નોંધાવતી વખતે આ પુરાવા ખૂબ ઉપયોગી થશે.

 

પગલું 3: UPI એપ દ્વારા જ ફરિયાદ નોંધાવો

 

જે એપમાંથી પેમેન્ટ ફેલ થયું હોય તે જ એપમાં નિષ્ફળ ગયેલા ટ્રાન્ઝેક્શન પર ટેપ કરો. ત્યાં તમને ‘Help’, ‘Support’, ‘Raise Dispute’ કે ‘Report Issue’ નો વિકલ્પ જોવા મળશે. તેના પર કિલક કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો (જેમ કે ‘Money debited but not credited to beneficiary’) અને તમારી કમ્પ્લેઈન સબમિટ કરો. ફરિયાદ દર્જ થયા પછી તમને એક ટિકિટ નંબર અથવા કમ્પ્લેઈન રેફરન્સ નંબર મળશે, તેને સાચવી રાખો.

પગલું 4: તમારી બેંકનો સંપર્ક કરો

 

જો UPI એપમાં ફરિયાદ કર્યા પછી પણ અમુક સમય સુધી સમસ્યાનો ઉકેલ ન આવે, તો જે બેંક એકાઉન્ટમાંથી પૈસા કપાયા હોય તે બેંકનો સંપર્ક કરો. તમે બેંકની હેલ્પલાઈન પર કોલ કરી શકો છો અથવા શાખાની મુલાકાત લઈ શકો છો. બેંક અધિકારીને ટ્રાન્ઝેક્શન ID અને એપમાં નોંધાવેલી ફરિયાદનો કમ્પ્લેઈન નંબર આપો અને રિફંડની પરિસ્થિતિ અંગે પૂછપરછ કરો. સાથે સાથે તમારું બેંક સ્ટેટમેન્ટ પણ ચેક કરતા રહો.

 

પગલું 5: વિલંબિત રિફંડ માટે વળતરનો દાવો કરો

 

જો તમારી બેંકે RBI દ્વારા નક્કી કરાયેલ સમયમર્યાદામાં પૈસા પાછા ન આપ્યા હોય, તો તમે વિલંબના દિવસો લેખે દરરોજ રૂ. 100 ના વળતર માટે હકદાર છો. સામાન્ય રીતે આ રકમ ઓટોમેટિકલી ખાતામાં જમા થઈ જવી જોઈએ. પરંતુ જો બેંક આ વળતર જમા ન કરે, તો તમારી બેંકના ગ્રીવન્સ રેડ્રેસલ સેલ (Grievance Redressal Officer) ને ઈમેલ કે લેખિતમાં રજૂઆત કરો.

 

પગલું 6: RBI ના ઓમ્બડ્સમેન (લોકપાલ) ને ફરિયાદ કરો

 

જો બેંક દ્વારા તમારી ફરિયાદ પર યોગ્ય ધ્યાન આપવામાં ન આવે અથવા એક મહિનાની અંદર સંતોષકારક ઉકેલ ન મળે, તો તમે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના કમ્પ્લેઈન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (CMS) પોર્ટલ પર જઈને ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો.

 

પોઈન્ટર વેબસાઈટ:https://cms.rbi.org.in

 

આ પોર્ટલ પર ફરિયાદ કરતી વખતે તમારી પાસે ટ્રાન્ઝેક્શનની વિગતો, બેંક સાથે થયેલા પત્રવ્યવહારના પુરાવા અને અગાઉની ફરિયાદોની નકલ હોવી જરૂરી છે. RBI નો ઓમ્બડ્સમેન વિભાગ આ બાબતની ગંભીરતાથી નોંધ લે છે અને ગ્રાહકને યોગ્ય ન્યાય અપાવે છે.

 

ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો

 

ધીરજ રાખો: મોટાભાગના કિસ્સાઓમાં ઓટો-રિવર્સલ સિસ્ટમ દ્વારા 24 થી 48 કલાકમાં નાણાં પાછા આવી જાય છે.

 

અજાણી લિંક પર ક્લિક ન કરો: ફેલ્ડ ટ્રાન્ઝેક્શનના નામ પર ક્યારેય સોશિયલ મીડિયા પરથી કસ્ટમર કેરના ફેક નંબરો શોધીને કોલ ન કરો. હંમેશાં અધિકૃત એપ કે બેંકની સત્તાવાર વેબસાઈટનો જ ઉપયોગ કરો.

 

જાગૃત રહો: ડિજિટલ પેમેન્ટ કરતી વખતે હંમેશા ઈન્ટરનેટ કનેક્શન મજબૂત હોય તેનું ધ્યાન રાખો જેથી ટ્રાન્ઝેક્શન અધવચ્ચે અટકે નહીં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *