દુનિયાભરના અનેક દેશો હાલમાં સરકારી દેવા અને તેના પર વધતા જતા વ્યાજના જંગી બોજ હેઠળ દબાઈ રહ્યા છે. અમેરિકા, ચીન અને જાપાન જેવા વિશ્વના સૌથી શક્તિશાળી અને મોટા દેશો પર ટ્રિલિયન ડોલરનું દેવું છે.
બીજી તરફ, ફ્રાન્સ પણ ઊંચા ઉધાર ખર્ચને કારણે ભારે આર્થિક દબાણનો સામનો કરી રહ્યું છે. જ્યારે કોઈપણ દેશની સરકારને પોતાની આવક કરતા વધુ નાણાં દેવાની ચુકવણી માટે ખર્ચવા પડે છે, ત્યારે તેની સીધી અસર દેશના વિકાસ પર પડેઆર્થિક બોજ વધવાથી જાહેર કલ્યાણના કાર્યક્રમો, આરોગ્ય અને શિક્ષણ જેવી આવશ્યક સેવાઓ પર કાપ મૂકવાની નોબત આવે છે.
સરકારોને દેવું કરવાની જરૂર શા માટે પડે છે?
સામાન્ય રીતે કોઈપણ સરકાર પોતાના દેશમાં રસ્તા, રેલવે, હોસ્પિટલો, શિક્ષણ સંકુલો અને સંરક્ષણ જેવા મોટા પ્રોજેક્ટ્સ માટે બજારમાંથી પૈસા ઉધાર લેતી હોય છે. દેશના વિકાસ કાર્યોને વેગ આપવા માટે આ રકમ ખૂબ જ જરૂરી હોય છે.
આ ભંડોળ એકઠું કરવા માટે સરકારો સરકારી બોન્ડ (Government Bonds) જારી કરે છે. આ બોન્ડ બેંકો, વીમા કંપનીઓ અને અન્ય મોટા રોકાણકારો ખરીદતા હોય છે. સરકારો પોતાની આવક (જેમ કે ટેક્સ) કરતા જ્યારે વધુ ખર્ચ કરે છે, ત્યારે આ ખાધ પૂરવા માટે તેમણે ઉધાર લેવું પડે છે.
ઘણીવાર એવું પણ બને છે કે સરકારો પોતાના જૂના દેવાની ચુકવણી કરવા માટે પણ બજારમાંથી નવા નાણાં ઉછીના લેતી હોય છે. જ્યારે બજારમાં વ્યાજ દર વધે છે, ત્યારે સરકારો માટે જૂનું દેવું ચૂકવવું અને નવું દેવું લેવું ઘણું મોંઘું સાબિત થાય છે.
બોન્ડ અને વ્યાજની ગણતરી કેવી રીતે થાય છે?
આ પ્રક્રિયાને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ સરકાર ₹ 100 ના મૂલ્યના બોન્ડ બજારમાં જારી કરે છે અને કોઈ સામાન્ય રોકાણકાર તેને ખરીદે છે. આનો અર્થ એ થયો કે રોકાણકાર સરકારને ₹ 100 ઉછીના આપે છે.
જો આ બોન્ડ પર વાર્ષિક વ્યાજ દર 2.5% નક્કી કરવામાં આવ્યો હોય, તો સરકારે તે રોકાણકારને દર વર્ષે ₹ 2.50 વ્યાજ તરીકે ચૂકવવા પડે છે.
જો આ બોન્ડ 10 વર્ષની મુદતના હોય, તો સરકાર 10 વર્ષમાં કુલ ₹ 25 વ્યાજ ચૂકવે છે. મુદત પૂરી થતાં સરકાર સંમત થયેલી શરતો મુજબ રોકાણકારને તેની મૂળ રકમ એટલે કે ₹ 100 પરત કરી દે છે.
વિશ્વમાં કયા દેશ પર સૌથી વધુ દેવું છે?
તાજેતરના આંકડાઓ પર નજર કરીએ તો, સરકારી દેવાની બાબતમાં યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) સમગ્ર વિશ્વમાં સૌથી આગળ છે. ત્યારપછી ચીન અને જાપાનનો નંબર આવે છે. ચાલો જોઈએ વિશ્વના મુખ્ય દેશો પર કેટલું દેવું છે:
અમેરિકા: ₹ 3933 લાખ કરોડ
ચીન: ₹ 2137.5 લાખ કરોડ
જાપાન: ₹ 826.5 લાખ કરોડ
બ્રિટન: ₹ 418 લાખ કરોડ
ફ્રાન્સ: ₹ 399 લાખ કરોડ
ઇટાલી: ₹ 351.5 લાખ કરોડ
જર્મની: ₹ 332.5 લાખ કરોડ
ભારત: ₹ 323 લાખ કરોડ
કેનેડા: ₹ 275.5 લાખ કરોડ
ભારતની આર્થિક સ્થિતિ અને દેવાનો બોજ
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) ના અંદાજ મુજબ, ભારતની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોનું કુલ સરકારી દેવું દેશના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) ના 83.4% જેટલું છે. આંકડાકીય રીતે જોઈએ તો ભારત પર અંદાજે ₹ 323 લાખ કરોડનું સરકારી દેવું છે.
જોકે, અર્થશાસ્ત્રીઓ માને છે કે માત્ર દેવાની કુલ રકમ જોઈને કોઈપણ દેશની આર્થિક સ્થિતિનું સાચું મૂલ્યાંકન કરી શકાય નહીં. દેશના અર્થતંત્રનું કદ કેટલું મોટું છે અને સરકાર પોતાની કુલ આવકની તુલનામાં કેટલા ટકા દેવું લઈ રહી છે, તે બાબત સૌથી વધુ મહત્વની છે. ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું હોવાથી આ આંકડો નિયંત્રણમાં માનવામાં આવે છે.
