દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ

Spread the love

દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ

ગુજરાતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન સરેરાશ 89 ટકા જેટલો સારો વરસાદ નોંધાયો છે. પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો અને પશુપાલકોની ચિંતા વધી ગઈ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એક મોટો અને સંવેદનશીલ નિર્ણય લીધો છે.

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઓછો વરસાદ ધરાવતા રાજ્યના 4 જિલ્લાઓને સંપૂર્ણપણે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે.

 

ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં પત્રકારો સમક્ષ આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

 

ખેડૂતો માટે સહાય

 

પાક નુકસાની સહાય: SDRFના ધોરણો મુજબ અસરગ્રસ્ત પાકો માટે હેક્ટર દીઠ ₹૮,૫૦૦ ની સહાય આપવામાં આવશે (મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં).

 

રોજગારી સહાય: દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ગ્રામીણ લોકોને આજીવિકા મળી રહે તે માટે વી.બી.જી. રામ જી. યોજના હેઠળ ૧૫૦ માનવદિન રોજગારી અપાશે.

 

પશુપાલકો માટે સહાય

 

પશુ દીઠ દૈનિક સહાય: પશુ કેમ્પના પશુઓ માટે પશુ દીઠ રોજના ₹૮૦ ની સહાય ૨ મહિના માટે SDRFમાંથી ચૂકવાશે, અને ત્યારબાદ તેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

 

રાહતદરે ઘાસચારો: કિલો દીઠ માત્ર ₹૨ ના રાહતદરે ઘાસનું વિતરણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

 

કયા જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા?

 

કેન્દ્ર સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા-2016 ના ધારાધોરણો મુજબ ઉચ્ચ સ્તરીય બેઠકોના અંતે આ નિર્ણય લેવાયો છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લામાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું રહ્યું હોવાથી તેમને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે.

 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે ખેડૂતો અને પશુપાલકોના હિતને હંમેશા પ્રાથમિકતા આપી છે. આ મુશ્કેલ સમયમાં પણ સરકાર ખેડૂતોની પડખે ઊભી છે અને 01/11/2026 થી આ તમામ રાહતલક્ષી નિર્ણયોનો અમલ શરૂ કરી દેવામાં આવશે.

 

ખેડૂતો અને પશુપાલકો માટે મોટી આર્થિક સહાય

 

દુષ્કાળગ્રસ્ત જાહેર થયેલા આ ચારેય જિલ્લાઓના ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. આ નુકસાની સામે રાજ્ય સરકારે એસડીઆરએફ (SDRF) ના ધોરણો મુજબ ખેડૂતોને પ્રતિ હેક્ટર 8500 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. આ સહાય વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે.

 

પશુપાલકોની ચિંતા દૂર કરવા માટે પણ સરકારે આગોતરું આયોજન કર્યું છે. વરસાદ ખેંચાતા જૂન-જુલાઈ 2026 થી જ રાજ્યમાં રાહતદરે ઘાસચારાનું વિતરણ શરૂ કરી દેવાયું હતું. દુષ્કાળ જાહેર થયેલા તાલુકાઓમાં પશુ કેમ્પના પશુઓ માટે પ્રતિદિન 80 રૂપિયાની સહાય અપાશે.

 

આ સહાય શરૂઆતના બે મહિના માટે SDRF માંથી ચૂકવાશે અને ત્યારબાદનો તમામ ખર્ચ રાજ્ય સરકાર જાતે ઉઠાવશે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1.21 કરોડ કિલોગ્રામ ઘાસનું માત્ર 2 રૂપિયા પ્રતિ કિલોના નજીવા દરે વિતરણ કરવામાં આવ્યું છે.

 

રોજગારી અને પીવાના પાણીનું આગોતરું આયોજન

 

હાલમાં રાજ્ય સરકાર પાસે 3 કરોડ કિલોગ્રામ જેટલો ઘાસચારો ઉપલબ્ધ છે અને જરૂર પડ્યે વધુ ઘાસ ખરીદવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે. આ ઉપરાંત, દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સ્થાનિક સ્તરે કામ મળી રહે તે માટે વી.બી.જી. રામ જી. યોજના હેઠળ 150 માનવદિન રોજગારી આપવાનો પણ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.

 

ખેતી અને પીવાના પાણીની સ્થિતિ પર નજર કરીએ તો, ચાલુ વર્ષે રાજ્યના મુખ્ય 206 ડેમોમાં 66 ટકા જેટલો જળ સંગ્રહ થયો છે. ખરીફ સીઝનમાં ખેડૂતોની માંગ મુજબ 44 ડેમોના કમાન્ડ એરિયામાં સિંચાઈ માટે પૂરતું પાણી પૂરું પાડવામાં આવ્યું હતું.

 

આગામી રવિ સીઝન માટે પણ સરકારે પાકું આયોજન કર્યું છે. 30/06/2027 સુધી પીવાનું પાણી અનામત રાખીને બાકીનું પાણી સિંચાઈ માટે અપાશે. જે અંતર્ગત રાજ્યના 76 ડેમોના કમાન્ડ વિસ્તારમાં ખેતી માટે પાણી પૂરું પાડવામાં આવશે.

 

કયા ડેમમાંથી કેટલી વાર સિંચાઈનું પાણી મળશે?

 

પાણીની ઉપલબ્ધિના આધારે ખેડૂતોના પાક માટે 1 થી 4 પાણ (વખત) પાણી આપવાનું આયોજન કરાયું છે. જેમાં ઉત્તર ગુજરાતના ધરોઈ અને દાંતીવાડા સહિત 11 ડેમો, મધ્ય ગુજરાતના કરજણ અને પાનમ સહિત 12 ડેમોમાંથી પાણી અપાશે.

તેવી જ રીતે, દક્ષિણ ગુજરાતના ઉકાઈ, કાંકરાપાર અને દમણગંગા સહિત 9 ડેમોનો સમાવેશ કરાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારના શેત્રુંજી, બ્રાહ્મણી અને મચ્છુ સહિત 39 ડેમો અને કચ્છ વિસ્તારના 5 ડેમોમાંથી ખેડૂતોને રવિ પાક માટે પૂરતું પાણી આપવાની વ્યવસ્થા રાજ્ય સરકારે ગોઠવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *