આણંદ જિલ્લા પોલીસ બેડામાં ACBની કડક કાર્યવાહીથી ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. બેંક ખાતું અનફ્રીઝ કરવા અને ધરપકડ ન કરવાના બદલામાં લાંચ માંગવાના કેસમાં અમદાવાદ ACBની ટીમે આણંદ SOG ઓફિસની બહાર સફળ ટ્રેપ ગોઠવી હતી. ACBની આ ટ્રેપ દરમિયાન SOGના PSI વતી 2 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા વચેટિયો રંગેહાથ ઝડપાઈ ગયો છે. માત્ર 8 દિવસમાં જ આણંદ જિલ્લા પોલીસ વિભાગમાં લાંચનો બીજો ગંભીર કિસ્સો સામે આવતા સમગ્ર પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.SOG-PSI વી.એન.રાઠોડ વતી લાંચ લેતો વચેટિયો ઝડપાયો
અમદાવાદ ACBની ટીમ દ્વારા આણંદ SOG ઓફિસના દરવાજા પાસે જ કારમાં આ છટકું ગોઠવવામાં આવ્યું હતું. SOGના PSI વી.એન.રાઠોડ વતી લાંચ લેનાર વચેટિયા દિલીપ ઉર્ફે દીપુ ભીખા પટેલને ACBએ સકંજામાં લઇ લીધો છે. જો કે, ટ્રેપ દરમિયાન PSI વી.એન.રાઠોડ હાજર ન મળતા ACBએ તેમની સામે પણ લાંચનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા રોકડા મળ્યા
ACBની ટીમે વચેટિયાની કારની તલાશી લેતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. લાંચના 2 લાખ રૂપિયા ઉપરાંત કારમાંથી રૂપિયા 49 લાખની રોકડ રકમ મળી આવી હતી. અચાનક લાખો રૂપિયાની રોકડ મળી આવતા ACB અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આટલી મોટી રોકડ રકમ કોની છે અને ક્યાંથી આવી છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. અગાઉ આંકલાવ પોલીસ સ્ટેશનના PI સામે લાંચનો કેસ નોંધાયા બાદ SOGના PSI સામેની આ કાર્યવાહીથી આણંદ પોલીસબેડામાં ભારે હડકંપ મચી ગયો છે.

