શિસ્તભંગની કલમ કઈ લગાવવી? જોકે ધામેલિયા માટે આ પહેલો કિસ્સો નથી
વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાએ 6 ઓક્ટોબરે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. કેસ બિનખેતી ઉપયોગની પરવાનગીનો હતો. કલેક્ટરે 17 ઑગસ્ટે અરજી નામંજૂર કરતાં ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં ત્રણ પુનરીક્ષણ અરજીઓ બાકી હોવાનું કારણ આપ્યું હતું.
Power Corridor: વડોદરા કલેક્ટરની માફી હાઈકોર્ટે નકારી પણ અધિકારીઓ મૂંઝવણમાં | NAની ફાઇલમાં ‘કોર્ટનો કાયદો’ ચાલશે કે ‘સાહેબનો પરિપત્ર’?
વડોદરા કલેક્ટર ધામેલિયાની માફી હાઈકોર્ટે નકારી- શિસ્તભંગના પગલા લેવા કોર્ટનો આદેશ, પણ, રાજ્યના વહીવટી અધિકારીઓ મૂંઝવણમાં આમાં શિસ્તભંગની કલમ કઈ લગાવવી? જોકે ધામેલિયા માટે આ પહેલો કિસ્સો નથી
વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાએ 6 ઓક્ટોબરે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. કેસ બિનખેતી ઉપયોગની પરવાનગીનો હતો. કલેક્ટરે 17 ઑગસ્ટે અરજી નામંજૂર કરતાં ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં ત્રણ પુનરીક્ષણ અરજીઓ બાકી હોવાનું કારણ આપ્યું હતું.
અરજદારે હાઈકોર્ટમાં કહ્યું કે એ અરજીઓનો નિર્ણય થઈ ચૂક્યો હતો. તેથી કોર્ટે કલેક્ટર પાસે નિર્ણયનો ખુલાસો માગ્યો. ખુલાસાના સોગંદનામામાં કલેક્ટરે અગાઉના ટ્રિબ્યુનલના ન્યાયિક અધિકારી અંગે પણ બિનજરૂરી વિગતો લખી. હાઈકોર્ટે નોંધ્યું કે, નિર્ણયથી અસંતોષ હોય તો તેને કાયદેસર રીતે પડકારી શકાય, નિર્ણય આપનાર અધિકારી અંગે ટિપ્પણી કરીને તેને અવગણી શકાય નહીં. કલેક્ટરે માફી માગી અને સોગંદનામું પાછું ખેંચવાની વિનંતી કરી, પરંતુ કોર્ટે માફી સ્વીકારી નહીં. હવે કેસમાં જવાબદારીનો પ્રશ્ન કલેક્ટરથી આગળ સચિવાલયના સામાન્ય વહીવટ વિભાગ સુધી પહોંચ્યો છે. હાઈકોર્ટે વિભાગના અધિક મુખ્ય સચિવને કલેક્ટર સામે કઈ કાર્યવાહી સૂચવાય છે તેનો અહેવાલ 27 નવેમ્બરે આપવા કહ્યું છે. આદેશમાં અવમાનના સાબિત થઈ ગઈ છે એવું નથી, કોર્ટ આગળની કાર્યવાહી અંગે અહેવાલની રાહ જોઈ રહી છે. હવે જોવાનું એ છે કે GAD માત્ર ખુલાસો આપશે કે શિસ્તભંગ અંગે કોઈ સ્પષ્ટ પગલું પણ સૂચવશે? જ્યાં સુધી ધામેલિયાની વાત છે ત્યાં સુધી અગાઉ પણ તેઓ આજ પ્રકારની ભેખડે ભરાઈ ચૂક્યા છે. વાત એ છે કે – સરકારી અધિકારી કોર્ટમાં સોગંદનામું આપે ત્યારે તેમાં લખાતી દરેક બાબતની જવાબદારી કોની? અધિકારીની કે તેની તપાસ કરતી વિભાગીય વ્યવસ્થાની? એ સવાલ આ કેસે સચિવાલય સમક્ષ મૂક્યો છે. ને વહીવટી વિભાગ માથું ખંજવાળી રહ્યો છે કે, કોર્ટે આદેશ તો આપ્યો છે પણ એનું પાલન કેમ કરવું?
ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલના પૂર્વ સંયુક્ત કમિશનર સામેનો ACB કેસ હવે 12 વર્ષે રદ
રૂ. 75,548 રોકડ મળી, 12 વર્ષ કેસ ચાલ્યો – 12 વર્ષેય અપ્રમાણસર સંપત્તિ તો સાબિત કરી શક્યા નહીં, તો પછી FIR કયા બેઇઝ પર નોંધી તી? ને હવે સરકાર વતી 12 વરસ કેસ લડવાના ખર્ચનું શું?
14 ઑક્ટોબર 2014 એ ગાંધીનગરના જીવરાજ મહેતા ભવનના પાર્કિંગમાં ACBએ ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગના મહિલા અધિકારી અને તેમના પતિની તપાસ કરી. અધિકારી પાસેથી રૂ. 45,420 અને પતિ પાસેથી રૂ. 30,128 એમ કુલ રૂ. 75,548 મળ્યા. આ ટ્રેપ નહોતો, અનામી અરજીઓના આધારે તપાસ થઈ હતી. આ રોકડના આધારે અધિકારી સામે અપ્રમાણસર સંપત્તિ અને ભ્રષ્ટાચારની જોગવાઈઓ હેઠળ FIR નોંધાઈ. પરંતુ પતિ પણ સરકારી કર્મચારી હોવા છતાં તેમની સામે આરોપ મૂકાયો નહોતો. અધિકારીનો બચાવ હતો કે તેમની આવકની વિગતો અને પતિનો હિસ્સો ગણ્યા વિના રોકડને અપ્રમાણસર સંપત્તિ ગણાવી શકાય નહીં.
28 ઑક્ટોબર 2026 એ ગુજરાત હાઈકોર્ટે 12 વર્ષ જૂની FIR રદ કરી. કોર્ટનું કહેવું હતું કે રોકડ મળી અને અધિકારી તરત ખુલાસો ન કરી શક્યાં એટલાથી અપ્રમાણસર સંપત્તિનો ગુનો સાબિત થતો નથી. રોકડ ભ્રષ્ટ રીતે મળી હતી અથવા જાણીતી આવકની સામે સંપત્તિ વધારે હતી – એવો પૂરતો આધાર રજૂ થયો નહોતો.
હવે ACBને સવાલ છે કે – શું FIR નોંધતાં પહેલાં આવક અને સંપત્તિની સરખામણી કરવામાં આવી નહોતી?
2014માં શરૂ થયેલો કેસ 2026 સુધી ચાલ્યો – આ તપાસ અને કોર્ટ-કાર્યવાહી પાછળ કેટલો સરકારી સમય અને ખર્ચ થયો? અને ખોટા આધાર પર કેસ ચાલ્યો હોય તો તેની જવાબદારી કોણ લેશે? પાર્કિંગમાં રોકડ મળી એટલે કેસ નોંધાયો, પણ આવક કરતાં વધુ સંપત્તિનો હિસાબ કોર્ટમાં કેમ ન ટક્યો?
સરકારના બે વિભાગો જ સામસામે: એકે કહ્યું ‘પાણી જોખમમાં’ છે તોય બીજાએ ખાણકામને મંજૂરી આપી!
સી.વી. સોમના વિભાગને વાંધો, ધવલ પટેલ બાદ ચાર્જમાં આવેલા – હર્ષિત ગોસાવીના ખાણ-ખનિજ તંત્રે લીઝ આપી.
ઓઝત નદીના પટમાં ખાણકામની લીઝ મુદ્દે સરકારના જ બે વિભાગોના અભિપ્રાય સામસામે આવ્યા છે. સિંચાઈ વિભાગે 2016થી પીવાના પાણીની અછતની આશંકા દર્શાવી લીઝનો વિરોધ કર્યો હતો. છતાં ભૂસ્તર અને ખાણખનિજ કમિશનરે લીઝ મંજૂર કરી. 31 ઑક્ટોબર 2026ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન આ મુદ્દો ઉઠ્યો. કોર્ટે સરકારને પૂછ્યું કે સિંચાઈ વિભાગના વિરોધ છતાં લીઝ મંજૂર કરવા પાછળ કયું કારણ હતું. કલેક્ટર, સિંચાઈ વિભાગ અને ખાણખનિજ કમિશનર પાસેથી જવાબ માગવામાં આવ્યો છે. આ કેસની આગામી સુનાવણી 26 નવેમ્બર 2026ના રોજ છે. હવે સવાલ છે – એક જ સરકારના બે વિભાગોમાંથી કોનો અભિપ્રાય ભારે પડ્યો? સિંચાઈ વિભાગના વાંધા છતાં લીઝ મંજૂર કરતી વખતે ખાણખનિજ વિભાગે કયા આધાર લીધા? અંતિમ મંજૂરી કોણે આપી? એક વિભાગ પાણી બચાવવાની ચિંતા કરે, બીજો એ જ નદીમાં ખાણકામની લીઝ આપે- આખરે સરકારમાં અંતિમ નિર્ણયની કમાન કોના હાથમાં હતી?
હાઈકોર્ટમાં લીઝ મંજૂર કરનાર ખાણ-ખનિજ કમિશનરની ભૂમિકા અંગે સવાલ ઊઠ્યો છે.
ડો. ધવલ પટેલ 20 ઑક્ટોબર 2026 સુધી ભૂસ્તર અને ખાણખનિજ કમિશનર હતા. 19 ઑક્ટોબરના ચાર્જ-ફેરફારના આદેશથી તેમના વિદેશ પ્રવાસ દરમિયાન આ પદનો વધારાનો હવાલો ડૉ. હર્ષિત ગોસાવીને અપાયો હતો. એટલે 31 ઑક્ટોબરની હાઈકોર્ટ સુનાવણી વખતે વધારાનો હવાલો ગોસાવી પાસે હતો.
સુરતમાં 28 મકાનો તોડ્યા બાદ પુનર્વસનના નિર્ણયમાં યુ-ટર્ન, એડવોકેટ જનરલે આપેલી ખાતરીથી કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી પાછળ કેમ હટ્યાં? જો અગાઉની ખાતરી ખોટી હતી તો તેની જવાબદારી હવે કોણ લેશે?
સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખ વચ્ચે નિર્ણયની જવાબદારીનો એક ગંભીર મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. નાસીરનગર વિસ્તારમાં 28 રહેણાંક મકાનો તોડી પાડવાના વિવાદમાં રાજ્યના એડવોકેટ જનરલ મારફતે અસરગ્રસ્ત પરિવારોને વૈકલ્પિક રહેઠાણ આપવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ મહાનગરપાલિકાએ પોતાનું વલણ બદલી નાખતાં હાઈકોર્ટે મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સામે ફોજદારી અવમાનનાની કાર્યવાહી કેમ શરૂ ન કરવી તે અંગે ખુલાસો માગ્યો છે.
જૂન 2026માં નાસીરનગર વિસ્તારમાં 28 મકાનો તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અસરગ્રસ્ત પરિવારોએ કાયદેસરની પ્રક્રિયા અને નોટિસ વિના મકાનો તોડવામાં આવ્યાં હોવાની રજૂઆત હાઈકોર્ટ સમક્ષ કરી હતી. સુનાવણી દરમિયાન રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી મારફતે અસરગ્રસ્તોને વૈકલ્પિક રહેઠાણ આપવાની ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ મહાનગરપાલિકાએ JNNURM યોજના હેઠળ રહેઠાણ આપવાનો વિકલ્પ રજૂ કર્યો હતો. પરંતુ પરિવારોને વિનામૂલ્યે રહેઠાણ આપવાના બદલે તેની કિંમત વસૂલવાની વાત સામે આવી. કોર્પોરેશન દ્વારા એવો બચાવ પણ કરવામાં આવ્યો કે આવા પરિવારોને મફત રહેઠાણ ફાળવવાની કોઈ નીતિ નથી અને મકાનો જાહેર રસ્તા માટે અનામત જમીન પર હતાં. આ ઘટનાક્રમમાં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે, રાજ્યના સર્વોચ્ચ કાનૂની અધિકારી મારફતે કોર્ટમાં ખાતરી આપતાં પહેલાં મહાનગરપાલિકાની કઈ કક્ષાએ મંજૂરી આપવામાં આવી હતી? શું આ અંગે મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વચ્ચે ચર્ચા થઈ હતી? જો વિનામૂલ્યે રહેઠાણ આપવાની કોઈ નીતિ જ નહોતી તો એડવોકેટ જનરલ મારફતે ખાતરી આપતી વખતે આ બાબત કેમ ધ્યાનમાં લેવામાં આવી નહીં? મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલને 27 નવેમ્બરે કોર્ટમાં હાજર રહી ખુલાસો આપવા જણાવાયું છે.
આ સમગ્ર વિવાદમાં બીજો મહત્વનો મુદ્દો નિર્ણયની નાણાકીય જવાબદારીનો છે. જો મહાનગરપાલિકાની કાર્યવાહીથી નાગરિકોને નુકસાન થયું હોય તો વૈકલ્પિક રહેઠાણ અથવા વળતરનો ખર્ચ મહાનગરપાલિકાની તિજોરીમાંથી ચૂકવવો કે જવાબદાર અધિકારીઓ પાસેથી વસૂલવો? અગાઉની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે જવાબદાર કર્મચારીઓ પાસેથી ખર્ચ વસૂલવાની શક્યતા અંગે પણ ટિપ્પણી કરી હતી. સૌથી મહત્વનો સવાલ એ છે કે એડવોકેટ જનરલ મારફતે હાઈકોર્ટમાં અપાયેલી ખાતરીમાંથી સુરત મહાનગરપાલિકા પાછળ હટી ત્યારે નિર્ણય મ્યુનિસિપલ કમિશનરે લીધો હતો, સ્ટેન્ડિંગ કમિટીએ લીધો હતો કે બંનેની સંમતિથી લેવામાં આવ્યો હતો? અને જો અગાઉની ખાતરી ખોટી હતી તો તેની જવાબદારી કોણ લેશે?
દસ વર્ષ જૂની ફરિયાદમાં DySP આર.એમ. ચૌધરીને હવે નિવૃત્તિના બે મહિના પહેલાં બરતરફીની નોટિસ. પોલીસ વિભાગની તપાસમાં દસ-દસ વર્ષનો વિલંબ? ને આટલા વિલંબની જવાબદારી ફાઇનલી કોની?
કરાઈ પોલીસ એકેડેમીમાં ફરજ દરમિયાન 2016માં DySP આર.એમ. ચૌધરી સામે જાતીય સતામણીની ફરિયાદ થઈ. તપાસ, ચાર્જશીટ અને ખાતાકીય કાર્યવાહી ચાલતી રહી. 2024માં તપાસ અહેવાલ આવ્યો; પછી 2025માં ફરી સુધારેલો અહેવાલ મંગાવાયો. આખરે સપ્ટેમ્બર 2026માં – નિવૃત્તિના માત્ર બે મહિના પહેલાં – સરકારે બરતરફી અંગે કારણદર્શક નોટિસ આપી. ચૌધરી 30 નવેમ્બરે નિવૃત્ત થવાના છે. ચૌધરીએ પ્રક્રિયાને હાઈકોર્ટમાં પડકારી. તેમનો સવાલ છે કે, ફરિયાદ સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક મળી નહોતી. સરકાર કહે છે કે, ખાતાકીય તપાસમાં તેમને બચાવ અને સાક્ષીઓની ઊલટતપાસની તક અપાઈ હતી. 26 ઑક્ટોબરે હાઈકોર્ટે આગામી સુનાવણી સુધી અંતિમ બરતરફીનો આદેશ ન કરવા કહ્યું. આક્ષેપો અંગે અંતિમ નિર્ણય હજી આવ્યો નથી.
અહીં મુદ્દો અધિકારી સામેના આક્ષેપો સાચા છે કે ખોટા તે નક્કી કરવાનો નથી. ગંભીર ફરિયાદની નિષ્પક્ષ તપાસ અને આરોપિત અધિકારીને કાયદેસર બચાવની તક બંને જરૂરી છે. પરંતુ પોલીસ વિભાગમાં આવી ગંભીર ફરિયાદની કાર્યવાહી દસ – દસ વર્ષ સુધી ચાલે અને અંતિમ નિર્ણય નિવૃત્તિના થોડા સમય પહેલાં આવે તો તપાસની સમયમર્યાદા અને વહીવટી જવાબદારીની સમીક્ષા ચોક્કસ જરૂરી બને છે. સવાલ એ છે કે 2016થી 2026 સુધી આ કેસની ફાઇલ કયા-કયા સ્તરે કેટલો સમય રહી અને તપાસ પૂર્ણ કરવામાં થયેલા વિલંબ માટે પોલીસ વિભાગ કે ગૃહ વિભાગે કોઈ જવાબદારી નક્કી કરી છે?
આરોગ્યના ટેન્ડરમાં 1,000 કર્મચારીની શરત – મતલબ કે, નાની કંપનીઓને ‘નો એન્ટ્રી’?
કંપનીઓએ છૂટ માગી, GIL અડગ
આરોગ્ય વિભાગના પોર્ટલને એક ડેશબોર્ડ સાથે જોડવાનું કામ છે. ટેન્ડર કહે છે: કંપની પાસે 1,000 ટેક્નિકલ કર્મચારી અને રૂ. 100 કરોડનું સરેરાશ ટર્નઓવર હોવું જોઈએ. કંપનીઓએ કહ્યું- 1,000ની જગ્યાએ 700 કરો કોઈએ તો 150 કર્મચારી પૂરતા ગણાવ્યા. કોઈએ કહ્યું, ટર્નઓવર રૂ. 100 કરોડથી રૂ. 50 કરોડ કરો અને બે કંપનીને સાથે મળીને કામ કરવાની છૂટ આપો. પણ 27 ઑક્ટોબરના સુધારામાં GILએ આ મુખ્ય શરતો બદલી નહીં. મજાની વાત એ છે કે બીજી કેટલીક શરતોમાં ફેરફાર થયો. અનુભવ બતાવવાની રીત સરળ થઈ, પ્રોજેક્ટના ક્ષેત્રો વધ્યા, પણ કર્મચારી સંખ્યા, ટર્નઓવર અને સાથે મળીને બોલી કરવાની માગ ત્યાંની ત્યાં. હવે સવાલ એટલો જ છે કે ડેશબોર્ડ માટે ખરેખર 1,000 ટેક્નિકલ લોકો જોઈએ, કે ટેન્ડરમાં પ્રવેશ માટે જ આટલી મોટી ‘ટીમ’ જોઈએ? આખરે કેટલાં ટેન્ડરદારો મેદાનમાં ઉતરે છે, એ જોવાનું રહેશે. શરતો થોડી હળવી થઈ છે, પણ મોટા માપદંડો પર GIL ટસથી મસ નહીં – તો આ ટેન્ડર ખરેખર કોના માટે ખુલ્લું છે?
NAની ફાઇલમાં ‘કોર્ટનો કાયદો’ ચાલશે કે ‘સાહેબનો પરિપત્ર’?
જામનગરમાં બિનખેતીની એક અરજી નકારાઈ. કલેક્ટરે નિર્ણયના સમર્થનમાં 2022ના સરકારી ઠરાવનો આધાર આપ્યો, પણ અરજદાર મામલો હાઈકોર્ટમાં લઈ ગયો. ત્યાં સવાલ ફક્ત એક અરજીનો નહોતો રહ્યો – સવાલ એ બન્યો કે અગાઉના ચુકાદાઓ છતાં આવા NA વિવાદો વારંવાર કોર્ટ સુધી કેમ આવે છે? સપ્ટેમ્બરમાં હાઈકોર્ટે મહેસૂલ તંત્રને આ મુદ્દે ટકોર કરી. કોર્ટનો સંદેશ સ્પષ્ટ હતો, સરકારી ઠરાવ એ કાયદા અને કોર્ટના ચુકાદાથી ઉપર ન હોઈ શકે. ત્યારબાદ મહેસૂલ વિભાગે કલેક્ટરોને NAની અરજીઓ નક્કી કરતી વખતે સંબંધિત ચુકાદાઓ ધ્યાનમાં લેવા સૂચના આપી હોવાના અહેવાલ છે. હવે સચિવાલયમાં ચર્ચા એ છે કે, આ સૂચના પછી જિલ્લાની NA ફાઇલોમાં ખરેખર શું બદલાશે? અધિકારીઓ જૂના ચુકાદા જોઈને નિર્ણય લેશે કે અરજદારે ફરી હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડશે? વારંવારના કેસોનો ખર્ચ સરકાર ભોગવે, દોડધામ અરજદાર કરે – તો ચુકાદા પછીની જવાબદારી કોણ લેશે? હવે મહેસૂલ વિભાગે બતાવવાનું છે કે, કોર્ટની ટકોરથી ફાઇલમાં ફેરફાર થયો છે કે માત્ર નવી સૂચના ઉમેરાઈ છે.
અધ્યાપકોની ભરતી – ખાનગી એજન્સી મારફતે કરવાનો, રૂ. 13.16 કરોડનો ભરતી કરાર રદ.
પરંતુ, ફાઇલમાં મંજૂરી કોણે આપી તી એ કોણ તપાસશે?
ગુજરાતની 27 ગ્રાન્ટેડ લૉ કૉલેજોમાં 108 અધ્યાપક સહાયકોની સેવા લેવા જાન્યુઆરી 2026માં ખાનગી એજન્સીને GeM મારફતે વર્ક ઓર્ડર અપાયો હતો. ટેન્ડરના ઉપલબ્ધ રેકોર્ડમાં કરારની કિંમત રૂ. 13.16 કરોડ દર્શાવાઈ છે અને સેવા 20 મહિના માટે લેવાની હતી. ને એજન્સી હતી મેસર્સ ડી. જી. નાકરાણી. 10 સપ્ટેમ્બરે ગુજરાત હાઈકોર્ટે અધ્યાપકોની ભરતી ખાનગી એજન્સી મારફતે કરાવવાની પદ્ધતિ સામે સવાલો કર્યા. બીજા જ દિવસે, 11 સપ્ટેમ્બરે, શિક્ષણ વિભાગ હેઠળના નોલેજ કન્સોર્ટિયમ ઑફ ગુજરાતે વર્ક ઓર્ડર રદ કર્યો. કોર્ટમાં સરકારે નવી ભરતી રાજ્ય સરકાર અથવા તેની એજન્સી મારફતે કરવાની બાંહેધરી આપી, ત્યારબાદ અરજીનો નિકાલ થયો. કોર્ટે આને ગેરરીતિ તરીકે ટાંક્યું નથી. પરંતુ, હવે વહીવટી તપાસનો સવાલ એ છે કે, જાન્યુઆરીમાં આ પદ્ધતિને મંજૂરી આપતી વખતે કઈ કક્ષાએ કાનૂની અને નાણાકીય ચકાસણી થઈ હતી? ટેન્ડર તૈયાર કરનાર, મંજૂરી આપનાર અને વર્ક ઓર્ડર બહાર પાડનાર કચેરીઓની ભૂમિકા શું હતી? હાઈકોર્ટમાં સવાલ ઊભો થયા પછી જ કરાર પાછો ખેંચાયો, તો આ વાંધો અગાઉની ફાઇલ-ચકાસણીમાં કેમ ન દેખાયો?
હાઈકોર્ટે ઝાટકણી કાઢ્યા પછી એમ જણાતું હતું કે – આ મુદ્દે કોક તો આંતરિક તપાસ થશે. આટલો મોટો શો-વિચાર કોનો હતો? ને કયા આધાર પર આટલો મોટો નિર્ણય છેક જેમ પોર્ટલ સુધી પહોંચી ગયો એનો લેખિત ખુલાસો શિક્ષણ વિભાગ દ્વારા પૂછાશે. પણ એ ખુલાસો તો બાજુ પર રહ્યો. નવી ભરતી માટે હવે કઈ પ્રક્રિયા અપનાવાશે, એ ક્લેરિટી પણ હજુ શિક્ષણ વિભાગ પાસે જોવા નથી મળી રહી.