ઉત્તર ગુજરાતના મહેસાણા ખાતે શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG) દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે સરદારના સંભારણા’ અને ‘સરસ્વતી સન્માન સમારોહ’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ હાજર રહ્યાં હતા.
મહેસાણામાં પાટીદાર સંમેલનઃ પરેશ ધાનાણીએ કહ્યું-નીતિન કાકા કરમાઇ ગયા…હું નવરો થઇ ગયો, નીતિન પટેલે કહ્યું-પરેશ અને ગોપાલમાં વધારે તાલીઓ પડી
Mehsana SPG Sammelan: ઉત્તર ગુજરાતના મહેસાણા ખાતે શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG) દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે સરદારના સંભારણા’ અને ‘સરસ્વતી સન્માન સમારોહ’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ હાજર રહ્યાં હતા.
જેમાં પરેશ ધાનાણીએ નીતિન પટેલ કાકા કરમાઇ ગયા હોવાનું નિવેદન આપ્યું હતું. ત્યારે બીજી તરફ નીતિન પટેલે પણ પોતાના સંબોધન દરમિયાન પરેશ ધાનાણી અને ગોપાલ ઇટાલિયા માટે વધુ તાલીઓ પડી બોલો મારે શું કરવું તેમ કહ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ધારસભ્ય બનાવવા માટેની પણ સંસ્થા હોય તેવી રજૂઆત કરી હતી.
પરેશ ધાનાણીએ કહ્યું નીતિનકાકા કરમાઇ ગયા અને હું નવરો થઇ ગયો
મહેસાણાના પાદરમાં એસપીજી ગ્રુપ દ્વારા આયોજિત ‘સરદારના સંભારણા’ અને ‘માં સરસ્વતી સન્માન સમારોહ’માં પરેશ ધાનાણીએ સરદાર પટેલની 151મી જન્મજયંતી પ્રસંગે શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે એક કણબી માની કૂખે જન્મેલા વલ્લભને આખા દેશએ સરદારનો તાજ પહેરાવ્યો હતો. સરદાર પટેલ એવા નેતા હતા જેમણે સૌને નેતૃત્વ પૂરું પાડ્યું, રક્ષા કરી અને દેશના 562 જેટલા રજવાડાઓને લાગણીના તાંતણે જોડી અખંડ ભારતનું નિર્માણ કર્યું. સરદાર પટેલ સરળતા, સાદગી, સ્વાવલંબન, શિસ્ત, શ્રમ, સેવા, સંયમ, શિક્ષણ, સત્ય, સમર્પણ, સંગઠન, સંઘર્ષ, સુરક્ષા, સમાનતા અને સદભાવનાના પર્યાય હતા, જે સમગ્ર દેશનું સ્વાભિમાન છે.
તેમણે પોતાના સાથીઓ લાલજીભાઈ અને ગોપાલ ઈટાલિયાનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે સમાજમાં કાંડાની તાકાતે લડી શકે તેવી નવી પેઢી તૈયાર કરવી પડશે. વિધાનસભાના પોતાના અનુભવો યાદ કરતાં તેમેણે જણાવ્યું હતું કે, આ જુઓને નિતિન કાકા એય કરમાઈ ગયા છે ને અમે એ બધાય હવે નવરા થઈ ગયા છીએ. આ રાજકીય મંચ નથી, સમાજનો દીકરો છું અને મારા સમાજના મોભી છે. જે સરદાર સરળતાનો પર્યાય હતા, સરદાર સાદગીનો પર્યાય હતા, સરદાર એટલે સ્વાવલંબી, સરદાર એટલે શિસ્તના સિપાહી હતા.
તેમણે ઉમેર્યું હતું કે, આ નિતિન કાકા એવા છે, ડોળા બહુ કાઢે, આડુંઅવળું ન હાલે. કાકા, અમે વિરોધ પક્ષે પેદા થયા એટલે મને આંદોલન કરનારા બધાય ગમે.એમાં લાલજીભાઈ આવી ગયા અને મારો ભાઈ ગોપાલ પણ આવી ગયો. તમારી સામે જીંક ઝીલવી હોય તો સમાજમાં, કાંડાની તાકાતે લડે એવી પેઢી પેદા કરવી પડશે. એમાં હું પેદા થયો, હવે નવરો થયો. આ કાકા છે ને, અમારા વિધાનસભા ગૃહની અંદર મને જાહેરમાં કહેતા જરીક ક્ષોભ નહીં થાય, એમાંથી અમે ઘણું બધું શીખ્યા છીએ, ગુરુ છે. વિધાનસભામાં પહેલીવાર ચૂંટાણો, કાઠિયાવાડનો માણસ, ભાષા આકરી, શબ્દોમાં તેજ, વિધાનસભામાં બગડાટી બોલાવું, સાંજ પડે ને પછી કેશુ બાપાનો મને ફોન આવે કે ‘દીકરા, તું બોલ્યો બહુ સારું, પણ તેં આ શબ્દની જગ્યાએ આ શબ્દનો પ્રયોગ કર્યો હોત તો…’ એમ આજે આપણે સબ વિચારવાની જરૂર છે.
પરેશ ધાનાણીએ સરદાર સાહેબે આપેલા પાંચ મુખ્ય વિચારો યાદ કરાવ્યા: સૌનું સન્માન કરવું, ઘરની વાત ઘરમાં રાખવી, કાળજું સિંહનું રાખવું, સાચું બોલવાની હિંમત રાખવી અને સેઢાના સમાધાન જાતે કરી લેવા. તેમણે ટકોર કરી કે ‘જય સરદાર’ના નારા લગાવવાની સાથે સરદાર સાહેબના સ્વાભિમાનને ઠેસ ન પહોંચે તેની પણ જવાબદારી આપણી છે. અંતમાં તેમણે વિનંતી કરી કે વડવાઓ અને સરદાર પટેલ દ્વારા આપેલો સમૃદ્ધ વારસો તથા સ્વાભિમાનનું નામ ક્યારેય ભૂંસાવા ન દેવું.
યુવાનોને ધારાસભ્ય બનાવે તેવી કોઈ સંસ્થા નથી: ગોપાલ ઇટાલિયા
ગોપાલ ઇટાલિયાએ સરદાર પટેલની 151મી જન્મજયંતી પ્રસંગે એસપીજી ગ્રુપ અને લાલજીભાઈ પટેલના 1996થી ચાલતા દીર્ઘકાલીન નેતૃત્વનો આભાર માન્યો હતો. તેમણે સ્વર્ગસ્થ કેશુ બાપાની હાજરીમાં સંસ્થાના રજિસ્ટ્રેશન અને કેશુ બાપાના જ મતક્ષેત્રમાંથી પોતે ધારાસભ્ય બનવાની તક મળી તેને પોતાના માટે ગૌરવરૂપ ગણાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરદાર પટેલે માત્ર દેશનું એકીકરણ નથી કર્યું, પરંતુ ભારત-પાકિસ્તાનના ભાગલા કમિટીના સભ્ય તરીકે બોર્ડર લાઈન દોરવામાં અને દેશના સીમાડા સુરક્ષિત રાખવામાં પણ અતુલ્ય યોગદાન આપ્યું હતું.
સરદાર સાહેબના વહીવટી પ્રદાનની વાત કરતા તેમણે જણાવ્યું કે આઝાદી પછી વહીવટી વ્યવસ્થા ચલાવવા માટે સરદાર પટેલે જ દેશમાં આઈએએસ (IAS) અને આઈપીએસ (IPS) સેવાઓનો પાયો નાખ્યો હતો. હૈદરાબાદ સ્થિત સિવિલ સર્વન્ટ્સની ટ્રેનિંગ અકાદમીનું નામ પણ સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમી રખાયું છે. આ ઉપરાંત, વિશ્વપ્રસિદ્ધ ‘અમૂલ’ બ્રાન્ડના પાયામાં પણ સરદાર પટેલનો જ સ્વનિર્ભરતાનો વિચાર હતો, જેમણે ત્રિભવનદાસ પટેલને ખેડૂતોની પોતાની દૂધ ઉત્પાદક મંડળી સ્થાપવાની સલાહ આપી હતી.
અંતમાં, ગોપાલ ઇટાલિયાએ ચિંતા વ્યક્ત કરી કે સમાજમાં શિક્ષણ, આરોગ્ય અને અન્ય જરૂરિયાતો માટે વિવિધ સંસ્થાઓ છે, પણ યુવાનોને રાજનીતિ કે ધારાસભ્ય બનવા માટે માર્ગદર્શન આપે તેવી કોઈ સંસ્થા નથી. તેમણે દલીલ કરી કે સરદાર પટેલ પોતે પણ રાજકીય નેતા અને ગૃહમંત્રી હતા અને રાજનીતિ દ્વારા તેમણે દેશ તથા સમાજનું હિત કર્યું હતું. તેથી લીડરશિપ ક્વોલિટી ધરાવતા યુવાનોને રાજનીતિમાં આગળ વધવા માટે પણ સમાજનો સહયોગ મળવો જોઈએ તેવી રજૂઆત કરી તેમણે વક્તવ્ય પૂર્ણ કર્યું હતું.
મારા કરતા પરેશ અને ગોપાલ માટે વધારે તાલીઓ પડીઃ નીતિન પટેલ
નીતિન પટેલે પોતાના વક્તવ્યની શરૂઆતમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી પ્રસંગે ઉપસ્થિત સૌ સભાજનો અને અગ્રણીઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આજે આપણા ત્યાં મહેમાન તરીકે આવેલા અમારા મિત્ર, ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે વર્ષો સુધી જાગૃત રહીને સરકારી કામકાજમાં માર્ગદર્શન આપ્યું છે એવા પરેશ ધાનાણી, ભાઈ ગોપાલ નવા નવા ચૂંટાયા છે પણ ચારે બાજુ તમે બધા જુઓ… મારા માટે તાલીઓ ઓછી પડી પણ આ બે માટે વધારે પડી! બોલો હવે મારે શું કરવાનું? એવા બે આપણા અગ્રણી મિત્રો.
તેમણે વલ્લભભાઈ પટેલ અને તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ વચ્ચેના ત્યાગનો ઐતિહાસિક દાખલો આપ્યો હતો, જેમાં વલ્લભભાઈના નામના ઇંગ્લેન્ડ જવાના વીઝા પર વિઠ્ઠલભાઈ ભણવા ગયા હતા. આ જ વિઠ્ઠલભાઈ પટેલના સન્માનમાં આજે ગુજરાતની વિધાનસભાનું નામ ‘વિઠ્ઠલભાઈ પટેલ ભવન’ રાખવામાં આવ્યું છે.તેમણે નર્મદા યોજના, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમૂલ ડેરીમાં સરદાર પટેલના વારસાનો ઉલ્લેખ કર્યો હતો. અમૂલ અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેની મૂળ સ્થાપના પાછળ સરદાર પટેલની સલાહ અને ત્રિભવનદાસ પટેલનું નેતૃત્વ હતું, જ્યારે ડૉ. કુરિયન એક ટેકનોલોજીસ્ટ તરીકે જોડાયા હતા. પોતાના જાહેર જીવન અને નવનિર્માણ આંદોલન દરમિયાન લાકડીઓ ખાવાનો અને જેલવાસનો અનુભવ વહેંચતા તેમણે યાદ કરાવ્યું કે સરદાર પટેલે અમદાવાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે જાહેર જીવન શરૂ કર્યું હતું અને પોતાની ધીકતી વકીલાત છોડી દેશ સેવા સ્વીકારી હતી.
દેશના એકીકરણ અંગે બોલતા નીતિન પટેલે જણાવ્યું કે જો સરદાર પટેલ દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હોત તો કાશ્મીર અને ચીન સરહદ સંબંધિત 90% પ્રશ્નો ઊભા જ ન થયા હોત. તેમણે યાદ દેવડાવ્યું કે સરદાર સાહેબે પોતાના અંતિમ દિવસોમાં જવાહરલાલ નેહરુને પત્ર લખીને ચીનની દાનત સામે ઐતિહાસિક ચેતવણી આપી હતી. અંતમાં, તેમણે ‘એકતા દિવસ’ નિમિત્તે જ્ઞાતિ, જાતિ કે વિસ્તારના ભેદભાવ ભૂલી સૌને એક થઈને ભારત માતાના સંતાન તરીકે કાર્ય કરવા આહ્વાન કર્યું હતું.
સંમેલનમાં SPG સંગઠન દ્વારા 1 લાખ પરિવારોને આજીવન સભ્યપદ હેઠળ જોડીને આપત્તિના સમયે પીડિત પરિવારને 72 કલાકમાં મોટી આર્થિક સહાય પૂરી પાડવાની પ્રતિબદ્ધતા દોહરાવવામાં આવી હતી. આ ઉપરાંત દીકરીઓની સુરક્ષા, લગ્ન નોંધણી કાયદામાં સુધારાની માંગણી, યુવા પેઢીમાં શિક્ષણ તથા નેતૃત્વના ગુણોનો વિકાસ અને વ્યસનમુક્તિ જેવા સામાજિક સુધારા પર ભાર મૂકીને સમાજની એકતા અને સ્વાભિમાનને જાળવી રાખવા આહ્વાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના 1000થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો તથા મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને દીકરીઓ દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસ અને ગરબાની પ્રસ્તુતિઓ વચ્ચે સરદાર સાહેબને ભાવાંજલિ અર્પણ કરાઈ હતી.
