
સૂર્યકિરણ ટીમના નવ લાલ અને સફેદ રંગના હોક એમકે -132 વિમાનોએ શ્રેણીબદ્ધ જટિલ એરોબેટિક કવાયતો કરી
અમદાવાદ
ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે આજે વહેલી સવારે ભાવનગરના બોર તળાવ (ગૌરીશંકર તળાવ) ખાતે એક શાનદાર એર શોનું પ્રદર્શન સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. શહેરમાં પહેલી વખત યોજવામાં આવેલા આ પ્રકારના પ્રથમ પ્રદર્શનમાં ભારતીય વાયુસેનાની સચોટ ઉડાન, સંકલન અને પ્રોફેશનલિઝમના ઉચ્ચતમ ધોરણો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
સૂર્યકિરણ ટીમના નવ લાલ અને સફેદ રંગના હોક એમકે -132 વિમાનોએ શ્રેણીબદ્ધ જટિલ એરોબેટિક કવાયતો કરી હતી, જેમાં ક્લોઝ ફોર્મેશન ફ્લાઇંગ, વિંગટિપ-ટુ-વિંગટિપ સિક્વન્સ, લૂપ્સ, રોલ્સ, ઇન્વર્ટેડ ફ્લાઇંગ અને અન્ય મુશ્કેલ રૂટીન ઉડાનો સામેલ કરવામાં આવી હતી. વિમાનોએ આકાશમાં પોતાના માર્ગમાં કેસરી, સફેદ અને લીલા રંગના વિશિષ્ટ ધુમાડાના પટ્ટા દોરીને, ભાવનગરના આકાશને રાષ્ટ્રધ્વજના રંગોમાં રંગી દીધું હતું. આ પ્રદર્શન લગભગ 30 થી 40 મિનિટ સુધી ચાલ્યું હતું અને બોર તળાવના કાંઠે તેમજ શહેરના વિવિધ સ્થળોએથી મોટી સંખ્યામાં લોકોએ તેને નિહાળ્યું હતું.સૂર્યકિરણ એરોબિક ટીમની સ્થાપના 1996માં કરવામાં આવી હતી અને તે એશિયાની એકમાત્ર નવ વિમાનોના એરોબેટિક ફોર્મેશન તરીકે માન્યતા પ્રાપ્ત છે. આ ટીમે ફરી એકવાર બતાવ્યું હતું કે, તેને ભારતીય વાયુસેનાના એમ્બેસેડર્સ તરીકે શા માટે ગણવામાં આવે છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા લાઇસન્સ હેઠળ ઉત્પાદિત ફ્લાઇંગ હોક Mk-132 વિમાન સાથે, ટીમે ભારત અને વિદેશમાં 800થી વધુ પ્રદર્શનો પૂર્ણ કર્યા છે. તેમનું સૂત્ર, “સદૈવ સર્વોત્તમ” એટલે કે “હંમેશા શ્રેષ્ઠ” આજના ચૂકરહિત પ્રદર્શનમાં સંપૂર્ણપણે પ્રતિબિંબિત થયું હતું. ગ્રૂપ કેપ્ટન અજય દસરથી આ ટીમનું નેતૃત્વ કરે છે, જેમાં વિંગ કમાન્ડર તેજેશ્વરસિંહ ફ્લાઇટ કમાન્ડર તરીકે સેવા આપી રહ્યા છે. 13 પાઇલટ્સ અને સહાયક ટેકનિકલ અને ઓપરેશનલ કર્મચારીઓ વચ્ચેનું નિર્બાધ સંકલન સ્ક્વૉડ્રનને વ્યાખ્યાયિત કરતી સઘન તાલીમ, પરસ્પર વિશ્વાસ અને ઓપરેશનલ શ્રેષ્ઠતાને રેખાંકિત કરે છે.