નિકોલમાં બેફામ ફોર્ચ્યુનરનો કહેર! ફૂટપાથ પર સૂતેલા 3 લોકોને કચડ્યા, મહિલા અને સગીરનું કરુણ મોત

Spread the love

શહેરના નિકોલ વિસ્તારમાં બેફામ ગતિએ દોડતી ફોર્ચ્યુનર કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. શેલબી હોસ્પિટલથી ડી-માર્ટ તરફ જવાના રોડ પર દેવસ્ય સ્કૂલ નજીક ફૂટપાથ પર સૂતેલા ત્રણ લોકોને ફોર્ચ્યુનર કારચાલકે અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં એક મહિલા અને એક સગીરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે.અકસ્માત બાદ કારમાંથી બિયર કેન મળી આવતાં ડ્રિંક એન્ડ ડ્રાઇવની આશંકા પણ પ્રબળ બની છે.

 

દેવસ્ય સ્કૂલ નજીક ફૂટપાથ પર સૂતેલા લોકો પર કાર ફરી વળી

 

પ્રાપ્ત માહિતી અનુસાર, નિકોલ વિસ્તારમાં શેલબી હોસ્પિટલથી ડી-માર્ટ તરફ જતા માર્ગ પર દેવસ્ય સ્કૂલ નજીક આ દુર્ઘટના બની હતી. પૂરપાટ ઝડપે આવી રહેલી ફોર્ચ્યુનર કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી. આ દરમિયાન ફૂટપાથ પર ઊંઘી રહેલા ત્રણ લોકો કારની અડફેટે આવી ગયા હતા.

 

અકસ્મત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

 

મહિલા અને સગીરનું સારવાર દરમિયાન મોત

 

અકસ્મતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી ત્રણેય ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

 

જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક મહિલા અને એક સગીરનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રીજા ઇજાગ્રસ્તની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને તેમની સારવાર ચાલી રહી છે.

 

નાના ચિલોડાના વિરલ ચૌધરી સામે ગુનો નોંધાયો

 

આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ સુમરાના જણાવ્યા મુજબ, ફૂટપાથ પર સૂતેલા લોકોને ફોર્ચ્યુનર કારચાલકે અડફેટે લીધા હતા, જેમાં એક મહિલા અને એક સગીરનું મોત થયું છે.

 

પોલીસે અકસ્માત સર્જનાર કારચાલક વિરલ સવજીભાઈ ચૌધરી (ઉંમર 36 વર્ષ, રહે. નાના ચિલોડા) વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સમયે આરોપી પોતાની માલિકીની ફોર્ચ્યુનર કાર ચલાવી રહ્યો હતો.

આ અકસ્માતમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પોલીસે જપ્ત કરેલી ફોર્ચ્યુનર કારની તપાસ દરમિયાન અંદરથી બિયર કેન મળી આવ્યા હતા. જેના પગલે કારચાલક દારૂના નશામાં હતો કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

 

પોલીસ દ્વારા આરોપી વિરલ ચૌધરીના બ્લડ સેમ્પલ લઈને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)માં પરીક્ષણ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. FSL રિપોર્ટમાં દારૂ કે અન્ય નશાકારક પદાર્થની હાજરીની પુષ્ટિ થશે તો આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ અલગથી ગુનો નોંધવામાં આવશે.

 

બેદરકારીભર્યું ડ્રાઇવિંગ ફરી બન્યું નિર્દોષ લોકો માટે જીવલેણ

 

નિકોલમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં બેફામ અને બેદરકારીભર્યા ડ્રાઇવિંગ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. રસ્તા પર વાહનોની ગતિ પર નિયંત્રણ અને નશામાં વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત આ ઘટનાએ ઉજાગર કરી છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *