મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા લાછડી ગામ પાસે ગત મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. રસ્તામાં અચાનક(Visnagar Road Accident) નીલગાય આવી જતાં એક કાર બેકાબૂ બનીને ગરનાળાની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ દુર્ઘટનામાં વડનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 24 વર્ષીય મહિલા તબીબનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કારચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો.મળતી વિગતો અનુસાર, મૂળ સુરતના મોટા વરાછા વિસ્તારના વતની અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા સંજયભાઈ ધાનાણીની 24 વર્ષીય પુત્રી વિશ્રુતિ વડનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે સેવા આપતાં હતાં. ગત 5 નવેમ્બર 2026ની રાત્રે તેઓ સાહિલ ઈશ્વરભાઈ ઓઝા સાથે તેમની વેગનઆર કાર (GJ-24-AA-8027) માં બેસીને ગાંધીનગરથી વિસનગર થઈને વડનગર તરફ જઈ રહ્યા હતા.
નીલગાય રોડ પર આવતા સર્જાઈ દુર્ઘટના
આ કાર જ્યારે લાછડી ગામના ગરનાળા પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એક નીલગાય દોડીને રોડ પર આવી ચડી હતી. તેને બચાવવાના પ્રયાસમાં કારચાલક સાહિલે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. પરિણામે પૂરપાટ ઝડપે દોડતી કાર સીધી ગરનાળાની દીવાલ સાથે જઈને અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો હિસ્સો ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. આ અકસ્માતમાં ડો. વિશ્રુતિને માથા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ઘાયલ ચાલક હોસ્પિટલમાં, પિતાની ફરિયાદ પરથી ગુનો દાખલ
આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા કારચાલક સાહિલ ઓઝાને તાત્કાલિક સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ મૃતક ડો. વિશ્રુતિનો પરિવાર વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોતાની આશાસ્પદ અને જુવાનજોધ દીકરીના આકસ્મિક નિધનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ સમગ્ર મામલે મૃતકના પિતા સંજયભાઈની ફરિયાદના આધારે વિસનગર તાલુકા પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
