ફરિદાબાદમાં પાર્કિંગ લઈને આટલો કેમ ઉશ્કેરાય ગયો પડોશી? એક-બે નહીં લગ્નમાં આવેલા NRIને 9 ગોળીઓ ધરબી દીધી

Spread the love

હરિયાણાના ફરીદાબાદમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પાર્કિંગના વિવાદને લઈને એક પાડોશીએ સિંગાપોરથી આવેલા વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આરોપીએ કુલ 14 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના શુક્રવારે રાત્રે સેક્ટર-21માં બની હોવાનું જાણવા મળ્યું છે.

 

મૃતકની ઓળખ પરમજીત તરીકે થઈ છે.તેઓ સિંગાપોરમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા હતા. લગ્નપ્રસંગમાં સામેલ થવા માટે તેઓ ઘટનાના એક દિવસ પહેલાં જ ભારત આવ્યા હતા. જોકે, બીજા જ દિવસે પાડોશી સાથે પાર્કિંગને લઈને તેમનો વિવાદ થયો હતો. પોલીસે કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે.

 

એક જ બિલ્ડિંગમાં રહેતા હતા બંને

 

ફરીદાબાદ પોલીસે જણાવ્યું કે આરોપી મોનુ શર્મા ઉર્ફે મોહન અને પરમજીત એક જ બિલ્ડિંગમાં રહેતા હતા. સેક્ટર-21Cના મકાન નંબર 641માં પરમજીત પ્રથમ માળે રહેતા હતા, જ્યારે આરોપી ત્રીજા માળે રહેતો હતો. બંને વચ્ચે પાર્કિંગ અને નાની-મોટી બાબતોને લઈને અવારનવાર ઝઘડા થતા હતા.

 

શુક્રવારે રાત્રે આશરે 9થી 9:15 વાગ્યાની વચ્ચે ફરી એકવાર વિવાદ ઉગ્ર બન્યો હતો. આરોપ છે કે ગુસ્સામાં આવીને મોનુએ પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી પરમજીત પર ગોળીઓ ચલાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ દરમિયાન કુલ 14 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી આશરે 8થી 9 ગોળીઓ પરમજીતને વાગી હતી. ગોળી વાગતાં જ પરિવારજનો પરમજીતને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ત્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

 

ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી

 

ઘટના બાદ ફરીદાબાદ ક્રાઇમ બ્રાન્ચની પોલીસે આરોપી મોનુ શર્માની ધરપકડ કરી લીધી છે. સૂરજકુંડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રહલાદ કુમારે જણાવ્યું કે વરિષ્ઠ અધિકારીઓના નિર્દેશ પર ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમોને તાત્કાલિક સક્રિય કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. ફાયરિંગ પાછળનું સાચું કારણ શું હતું અને વિવાદ કઈ રીતે આટલો ઉગ્ર બન્યો, તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

 

ભત્રીજાના લગ્નમાં સામેલ થવા ભારત આવ્યા હતા પરમજીત

 

પરમજીત પોતાના ભત્રીજાના લગ્નમાં સામેલ થવા માટે ભારત આવ્યા હતા. તેઓ ટેક મહિન્દ્રાના પૂર્વ એશિયા હેડ રહી ચૂક્યા હતા. ભત્રીજાના લગ્નને કારણે પરિવારમાં ખુશીનો માહોલ હતો, પરંતુ આ ઘટનાએ ખુશીઓને માતમમાં ફેરવી દીધી હતી. પરમજીતના બનેવી રાજબીર અને અન્ય સંબંધીઓએ જણાવ્યું કે પરિવારને આ ઘટનાની જાણ થતાં જ ઘરમાં શોક છવાઈ ગયો હતો. પરિવારજનોએ આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *