ઇઝરાયેલના રાજકારણમાં મોટો ફેરફાર થવાના સંકેત મળી રહ્યા છે. લાંબા સમયથી સત્તા પર રહેલા બેન્જામિન નેતન્યાહૂને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. દેશના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે પૂર્વ સેનાધ્યક્ષ અને નેતન્યાહૂના કટ્ટર રાજકીય હરીફ ગાદી આઇઝેનકોટને નવી સરકાર રચવા આમંત્રણ આપ્યું છે. જોકે, હજુ તેમણે વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો નથી.હવે તેમની સામે 120 સભ્યોની સંસદમાં ઓછામાં ઓછા 61 સભ્યોનું સમર્થન મેળવી સરકાર બનાવવાનો પડકાર છે.
કોણ છે ગાદી આઇઝેનકોટ?
66 વર્ષીય ગાદી આઇઝેનકોટ ઇઝરાયેલના પૂર્વ સેનાધ્યક્ષ અને યાશર પાર્ટીના નેતા છે. તેમણે વર્ષ 2015થી 2019 સુધી ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF)ના ચીફ ઓફ સ્ટાફ તરીકે સેવા આપી હતી. લાંબી સૈન્ય કારકિર્દી ધરાવતા આઇઝેનકોટ સુરક્ષા અને રાષ્ટ્રીય સંરક્ષણના મુદ્દે કડક વલણ માટે જાણીતા છે. તેમનો જન્મ મોરોક્કોથી ઇઝરાયેલ આવેલા યહૂદી ઇમિગ્રન્ટ પરિવારમાં થયો હતો. વર્ષ 2022માં તેમણે સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 7 ઓક્ટોબર, 2023ના હમાસ હુમલા બાદ તેઓ નેતન્યાહૂની ઇમરજન્સી વોર કેબિનેટમાં નિરીક્ષક તરીકે જોડાયા હતા. જોકે બાદમાં સરકારથી અલગ થઈ ગયા હતા.
યુદ્ધમાં પુત્ર અને બે ભત્રીજાઓ ગુમાવ્યા
ગાદી આઇઝેનકોટના જીવનનો સૌથી દુઃખદ પ્રસંગ ઇઝરાયેલ-હમાસ યુદ્ધ સાથે જોડાયેલો છે. ડિસેમ્બર 2023માં ગાઝામાં ઇઝરાયેલી સેનામાં ફરજ બજાવતી વખતે તેમનો 25 વર્ષીય પુત્ર ગાલ આઇઝેનકોટ માર્યો ગયો હતો. ત્યારબાદ યુદ્ધ દરમિયાન તેમના બે ભત્રીજાઓએ પણ જીવ ગુમાવ્યો હતો. પરિવારના આ ત્રણ સભ્યોને ગુમાવ્યા બાદ પણ આઇઝેનકોટ રાજકીય અને રાષ્ટ્રીય જવાબદારીઓ નિભાવતા રહ્યા. તેમના પરિવારની આ કુરબાનીએ ઇઝરાયેલના લોકોમાં તેમના પ્રત્યે સહાનુભૂતિ અને સન્માનની લાગણી ઊભી કરી હતી.
ચૂંટણીમાં નેતન્યાહૂને મોટો ઝટકો
27 ઓક્ટોબર, 2026ના રોજ યોજાયેલી ઇઝરાયેલની સામાન્ય ચૂંટણીમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. નેતન્યાહૂની લિકુડ પાર્ટી 27 બેઠકો સાથે સૌથી મોટો એકલ પક્ષ બની હતી, પરંતુ તેમના ગઠબંધનને કુલ 53 બેઠકો મળી હતી. બીજી તરફ ગાદી આઇઝેનકોટના યાશર પક્ષે 21 બેઠકો મેળવી હતી. તેમના ચાર પક્ષોના ગઠબંધનને કુલ 48 બેઠકો મળી હતી. ઇઝરાયેલની સંસદમાં બહુમતી માટે 61 બેઠકો જરૂરી છે. આ દરમિયાન આરબ પક્ષોએ આઇઝેનકોટને સમર્થન આપ્યું હતું. રાષ્ટ્રપતિ સમક્ષ થયેલી ચર્ચામાં 67 સાંસદોએ આઇઝેનકોટને સરકાર રચવાની ભલામણ કરી હતી, જ્યારે 46 સાંસદોએ નેતન્યાહૂને સમર્થન આપ્યું હતું.
સરકાર બનાવવી આઇઝેનકોટ માટે મોટો પડકાર
રાષ્ટ્રપતિએ સરકાર રચવાની જવાબદારી સોંપ્યા બાદ આઇઝેનકોટને ગઠબંધન બનાવવા માટે 28 દિવસનો સમય મળશે. જરૂર પડે તો રાષ્ટ્રપતિ વધુ 14 દિવસની મુદત આપી શકે છે. જોકે તેમની સામે સૌથી મોટો પડકાર અલગ-અલગ વિચારધારા ધરાવતા પક્ષોને એકસાથે લાવવાનો છે. આરબ પક્ષોનું સમર્થન મળ્યું હોવા છતાં તેમની સાથે સરકાર બનાવવાના મુદ્દે આઇઝેનકોટના રાજકીય સાથીઓમાં મતભેદ છે. બીજી તરફ, નેતન્યાહૂ પણ સત્તા જાળવી રાખવા માટે રાજકીય પ્રયાસો કરી રહ્યા છે. જો આઇઝેનકોટ સરકાર રચવામાં સફળ થાય છે, તો ઇઝરાયેલના રાજકારણમાં એક મોટું સત્તા પરિવર્તન જોવા મળી શકે છે. હવે સમગ્ર વિશ્વની નજર તેમના આગામી રાજકીય પગલાં પર છે.