વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું જોતા ઘણા યુવાનોના મનમાં આ સવાલ જરૂર આવે છે કે બીજા દેશમાં રહેવા અને ખાવા-પીવાનો ખર્ચ કેટલો થતો હશે? ખાસ કરીને રશિયા જેવા દેશમાં, જ્યાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા જાય છે. કેટલાક લોકોને લાગે છે કે ત્યાં રહેવાનો ખર્ચ ઘણો વધારે હશે, તો કેટલાક તેને ભારત જેટલો જ માને છે, પરંતુ રશિયામાં રહેતી એક ભારતીય વિદ્યાર્થિનીએ પોતાના એક મહિનાના ખર્ચનો સંપૂર્ણ હિસાબ જણાવ્યો છે.
આ જાણ્યા પછી તમને પણ અંદાજ આવી જશે કે ત્યાં એકલા રહેવા માટે કેટલા પૈસાની જરૂર પડે છે.
હકીકતમાં, ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર દિવ્યા જોશી છેલ્લાં 4 વર્ષથી રશિયાના ત્વેર શહેરમાં રહીને MBBSનો અભ્યાસ કરી રહી છે. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં જણાવ્યું છે કે રશિયામાં ફ્લેટ ભાડે રાખીને એકલા રહેવા માટે દર મહિને લગભગ 43થી 44 હજાર રૂપિયા ખર્ચ થાય છે. ખાસ વાત એ છે કે આ ખર્ચમાં ખરીદી, બહાર જમવું અને મોજશોખની અન્ય વસ્તુઓનો સમાવેશ નથી થતો. એટલે કે આ માત્ર તેની રોજિંદી જરૂરિયાતોનું બજેટ છે.
સિંગલ રૂમના ફ્લેટનું ભાડું 29 હજાર રૂપિયા
દિવ્યાએ પોતાના વીડિયોમાં એક પછી એક તમામ ખર્ચનો હિસાબ આપ્યો હતો. તેણે જણાવ્યું કે રશિયામાં સિંગલ રૂમના ફ્લેટમાં રહેવા માટે તેને દર મહિને લગભગ 29 હજાર રૂપિયા ભાડું ચૂકવવું પડે છે. આ ઉપરાંત વીજળી, પાણી અને અન્ય જરૂરી સુવિધાઓનાં બિલ પણ અલગથી ચૂકવવાં પડે છે. ઇન્ટરનેટ અને મોબાઇલનો ખર્ચ પણ તેના બજેટમાં સામેલ છે. દિવ્યાના જણાવ્યા અનુસાર, વાઇ-ફાઇ અને મોબાઇલ રિચાર્જ પાછળ દર મહિને લગભગ 926 રૂપિયા ખર્ચ થાય છે. આ રીતે માત્ર રહેવા અને કનેક્ટિવિટીની જરૂરિયાતો પાછળ જ સારી એવી રકમ ખર્ચાઈ જાય છે.
ખાવા-પીવા અને કરિયાણા પાછળ 8 હજાર રૂપિયા ખર્ચ
રશિયામાં રહેતી વખતે દિવ્યા બહારથી જમવાનું મંગાવવાને બદલે પોતે જ જમવાનું બનાવવાનું પસંદ કરે છે. તેનાથી તેને ખાવા-પીવાનું બજેટ સંભાળવામાં મદદ મળે છે. તેણે જણાવ્યું કે આખા મહિનાનું કરિયાણું ખરીદવા માટે લગભગ 7,000થી 8,000 રૂપિયા ખર્ચ થાય છે. તેમાં રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ અને રસોઈ બનાવવા માટે જરૂરી સામાનનો સમાવેશ થાય છે. જો કોઈ વિદ્યાર્થી દરરોજ બહાર જઈને જમતો હોય અથવા ઓનલાઇન ફૂડ ઓર્ડર કરતો હોય, તો તેનો ખર્ચ આનાથી ઘણો વધારે થઈ શકે છે.
આવવા-જવા અને જિમ પાછળ પણ થાય છે ખર્ચ
દિવ્યાના એક મહિનાના બજેટમાં આવવા-જવા અને ફિટનેસનો ખર્ચ પણ સામેલ છે. તેણે જણાવ્યું કે કોલેજ જવા અને આસપાસ ફરવા માટે ટ્રાન્સપોર્ટેશન પાછળ લગભગ 1,737 રૂપિયા ખર્ચ થાય છે. આ ઉપરાંત તે પોતાની ફિટનેસનું પણ ધ્યાન રાખે છે અને જિમ જાય છે. જિમની એક મહિનાની ફી પણ લગભગ 1,737 રૂપિયા છે. દિવ્યાએ જણાવેલા તમામ ખર્ચને જોડવામાં આવે તો તેનું કુલ માસિક બજેટ લગભગ 43થી 44 હજાર રૂપિયા થાય છે. જોકે, આ ખર્ચ તેની રહેવાની વ્યવસ્થા અને વ્યક્તિગત જરૂરિયાતો પર આધારિત છે. અન્ય વિદ્યાર્થીઓનું બજેટ આનાથી અલગ હોઈ શકે છે.
પાર્ટ ટાઇમ જોબ કરીને પોતે જ ઉઠાવે છે અભ્યાસ અને રહેવાનો ખર્ચ
દિવ્યાની કહાનીમાં સૌથી રસપ્રદ વાત માત્ર તેનો ખર્ચ જ નહીં, પરંતુ તે ખર્ચ કેવી રીતે પૂરો કરે છે તે પણ છે. તે MBBSના અભ્યાસની સાથે પાર્ટ ટાઇમ જોબ પણ કરે છે અને પોતાના તમામ ખર્ચ જાતે ઉઠાવે છે. તેણે જણાવ્યું કે તે પોતાનાં માતા-પિતા પાસેથી એક રૂપિયો પણ લેતી નથી. દિવ્યાના જણાવ્યા અનુસાર, તેને શનિવાર અને રવિવાર એટલે કે રજાના દિવસોમાં જ કામ કરવું પડે છે. તેનાથી તેના અભ્યાસ પર પણ વધારે અસર થતી નથી અને તે પોતાના ખર્ચની વ્યવસ્થા પણ કરી લે છે.
તેણે વીડિયોમાં એક ભાવુક વાત પણ જણાવી હતી. દિવાળીના પ્રસંગે તેની માતાએ તેને ઘરે આવવા માટે ફોન કર્યો હતો, પરંતુ પરીક્ષા હોવાને કારણે તે ભારત આવી શકી નહોતી. દિવ્યાએ જણાવ્યું કે તેના પરિવારમાં કુલ 4 લોકો છે અને અભ્યાસ તથા કામના કારણે આ વખતે દરેક વ્યક્તિએ અલગ-અલગ જગ્યાએ દિવાળીની ઉજવણી કરવી પડી રહી છે.
