ઈરાન યુદ્ધ સમાપ્ત…’: ટ્રમ્પની મોટી જાહેરાત, હવે હુમલાનો કોઈ ઈરાદો નથી

Spread the love

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાની સાથેની મહત્ત્વપૂર્ણ મુલાકાત બાદ ઈરાન સાથેના સંઘર્ષ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. વ્હાઈટ હાઉસમાં મીડિયાને સંબોધતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે લશ્કરી દ્રષ્ટિએ ઈરાનનું અસ્તિત્વ હવે નબળું પડી ગયું છે અને હાલ પરિસ્થિતિમાં ઈરાન પર નવા હુમલા કરવાની કોઈ જ જરૂર નથી.તેમણે ઉમેર્યું હતું કે ઈરાનને મોટા પ્રમાણમાં અક્ષમ કરી દેવામાં આવ્યું છે, જોકે તેમના પરમાણુ કાર્યક્રમને કાયમી ધોરણે બેઅસર કરવા માટેના રાજદ્વારી અને અન્ય પ્રયાસો હજુ પણ જારી રહેશે.

 

આ નિવેદનને અમેરિકામાં તાજેતરમાં સંપન્ન થયેલા મિડટર્મ ચૂંટણી પરિણામો અને તેના પર પડેલા પ્રભાવ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને થયેલા નુકસાન અને લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે વધેલી મોંઘવારી તથા જનઆક્રોશની ટ્રમ્પના આ નિર્ણય પર અસર પડી હોવાનું મનાય છે. કતારના વડાપ્રધાન સાથેની બેઠક અંગે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે સાઉદી અરબ, યુએઈ, બહેરીન અને કુવૈત જેવા ખાડી દેશો ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે, અને તેઓ ઈતિહાસની સૌથી મોટી નૌકાદળ નાકાબંધી તથા નવા ‘ઓપરેશન આયર્ન ગેટ’ને ચાલુ રાખવા સહમત છે.

 

ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે ઈઝરાયલ અને સમગ્ર મધ્ય પૂર્વ હવે ઈરાની જોખમોથી સુરક્ષિત છે અને આ સંઘર્ષના અંત તરફ સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. જોકે, તેમણે સ્પષ્ટ ચેતવણી પણ આપી છે કે જો ભવિષ્યમાં પરિસ્થિતિ બદલાશે તો અમેરિકન સેના ‘લૉક્ડ એન્ડ લૉડેડ’ સ્થિતિમાં તૈયાર છે. અગાઉ એક ઈન્ટરવ્યુમાં તેમણે સંકેત આપ્યા હતા કે જ્યાં સુધી મજબૂત સમજૂતી પર વાતચીત આગળ વધશે ત્યાં સુધી મોટા હુમલાની શક્યતા નહિવત છે, તેમ છતાં અમેરિકન સેના દ્વારા ઈરાની દરિયાઈ માર્ગો પર નિયંત્રણ અને મર્યાદિત કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *