પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવવાના છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે. પ્રધાનમંત્રીના આગમનને લઈને અમદાવાદથી લઈને અંબાજી સુધી વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.
13 નવેમ્બરે રાત્રે અમદાવાદ પહોંચશે
પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે 13 નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાત્રે આશરે 9 વાગ્યા બાદ દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અહીંથી તેઓ સીધા ગાંધીનગર લોકભવન (રાજભવન) ખાતે જવા રવાના થશે અને અમદાવાદમાં રાત્રિ રોકાણ કરશે.
14 નવેમ્બરે હેલિકોપ્ટર મારફતે અંબાજી પહોંચશે પ્રવાસના બીજા દિવસે 14 નવેમ્બરે લાભ પાંચમના દિવસે સવારે આશરે 10 વાગ્યા બાદ પ્રધાનમંત્રી અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે બનાસકાંઠા જવા રવાના થવાની સંભાવના છે. ત્યારબાદ બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ તેઓ અંબાજી મંદિર પરિસરમાં પહોંચશે. અહીં માતાજીનાં દર્શન કરી લાભ પાંચમની પૂજા કરશે. દર્શન અને પૂજાવિધિ પૂર્ણ કર્યા બાદ તેઓ બપોરે દિલ્હી પરત ફરશે.
અંબાજીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ પ્રધાનમંત્રીના અંબાજી આગમનને ધ્યાનમાં રાખીને મંદિર પરિસર સહિત આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા બંદોબસ્ત, વાહનવ્યવહાર અને પ્રધાનમંત્રીના કાફલાના રૂટને લઈને આયોજન કરવામાં આવશે. સાથે જ દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને અગવડ ન પડે તે માટે પણ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે.
પ્રધાનમંત્રીના આ પ્રવાસને પગલે અંબાજી અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વહીવટી તંત્રમાં તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. જોકે, મુલાકાતના સમય અને કાર્યક્રમ અંગેની અંતિમ વિગતો સત્તાવાર જાહેરાત બાદ સ્પષ્ટ થશે.
