દિવાળીની ખુશીઓ મનાવવા ગામ આવેલો એક પરિવાર ગણતરીના કલાકોમાં જ શોકમાં ગરકાવ થઈ ગયો. જે રામસેવક સાથે પત્ની અને બાળકો તહેવાર મનાવવા ગામ આવ્યા હતા, તે જ અચાનક ગુમ થઈ ગયો. પરિવારજનોએ શોધખોળ કરી અને પોલીસને જાણ કરી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહીં. મંગળવારે હાઇવે કિનારે આવેલા નાળામાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેનું ગળું કાપવામાં આવ્યું હતું અને ચહેરા પર ઈજાનાં નિશાન હતાં.પોલીસ તપાસમાં પત્ની અને તેના પ્રેમી પર હત્યાનો આરોપ સામે આવ્યો છે.
આ મામલો ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના પિલુઆ પોલીસ સ્ટેશન વિસ્તારના ભદવાસ ગામનો છે. મૃતકની ઓળખ 40 વર્ષીય રામસેવક તરીકે થઈ છે. તે દિલ્હીમાં ગાડી ચલાવતો હતો અને મોડલ ટાઉન વિસ્તારમાં રહેતો હતો. 8 નવેમ્બરે દિવાળી મનાવવા તે બાળકો સાથે ગામ આવ્યો હતો. તેની પત્ની સીમા અને તેનો પ્રેમી આકાશ પણ ગામમાં હાજર હતાં.
આ જ દિવસે સાંજે લગભગ 7 વાગ્યે રામસેવક અચાનક ગુમ થઈ ગયો હતો. પરિવારજનોએ તેની ઘણી શોધખોળ કરી, પરંતુ કોઈ પત્તો મળ્યો નહોતો. બીજા દિવસે તેના ભાઈ ભૂપ સિંહે પિલુઆ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
મંગળવારે પોલીસને ભદુઆ અને ભદવાસ વચ્ચે હાઇવે કિનારે આવેલા નાળામાં એક યુવકનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહની ઓળખ રામસેવક તરીકે કરી હતી. રામસેવકનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. તેના ચહેરા પર પણ ગંભીર ઈજાનાં નિશાન મળી આવ્યાં હતાં. ઘટનાસ્થળ નજીક લોહીથી ખરડાયેલો પથ્થર પણ મળી આવ્યો હતો. મૃતકના ભાઈ ભૂપ સિંહે પોતાની ફરિયાદમાં રામસેવકની પત્ની સીમા અને તેના પ્રેમી આકાશ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસે બંને વિરુદ્ધ હત્યાની એફઆઈઆર નોંધી છે.
ભૂપ સિંહના જણાવ્યા અનુસાર, રામસેવકની મુલાકાત વર્ષ 2008માં બિહારના બેગુસરાયની રહેવાસી સીમા સાથે થઈ હતી. તે સમયે સીમાનો પતિ સનોજ ચૌધરી પણ રામસેવક સાથે કામ કરતો હતો. આ દરમિયાન સીમા અને રામસેવક વચ્ચે નિકટતા વધી હતી. બંનેએ વર્ષ 2009માં હાથરસની કોર્ટમાં લગ્ન કર્યાં હતાં. સીમાને તેના પહેલા પતિથી ત્રણ બાળકો હતાં, જે છૂટાછેડા બાદ તેની સાથે જ રહેતાં હતાં. રામસેવક સાથે લગ્ન બાદ સીમાને એક દીકરી અને એક દીકરો થયો હતો.
બાદમાં રામસેવકનો દૂરનો કાકા આકાશ પણ ગામમાંથી દિલ્હી આવીને ફળ વેચવાનું કામ કરવા લાગ્યો હતો. આ દરમિયાન આકાશ અને સીમા વચ્ચે સંબંધો બંધાયા હતા. આ અંગે જાણ થતાં રામસેવકે સીમાને આકાશ સાથે રહેવા માટે છોડી દીધી હતી. તે પોતે પોતાની સાસુ સાથે દિલ્હીના મોડલ ટાઉનમાં રહેવા લાગ્યો હતો.
આ હત્યાકાંડ સાથે જોડાયેલો એક ઓડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં કથિત રીતે આકાશ સીમાને કહેતો સંભળાય છે કે તેણે રામસેવકને ભગવાન પાસે પહોંચાડી દીધો છે. આ સાથે તે સીમાને સવારે ચાર વાગ્યે બાળકને લઈને નીકળી જવાની વાત પણ કહે છે. જોકે, આ વાયરલ ઓડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. પોલીસે સીમાને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે. બીજી તરફ, આરોપી આકાશની શોધખોળ માટે પોલીસની ટીમો દરોડા પાડી રહી છે.
એએસપી શ્વેતાભ પાંડેના જણાવ્યા અનુસાર, મૃતકના ભાઈની ફરિયાદના આધારે પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ હત્યાની એફઆઈઆર નોંધવામાં આવી છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
