મુંબઈની ‘લાઈફલાઈન’ ગણાતી લોકલ ટ્રેનમાંથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, મુંબઈ લોકલમાં છેડતીનો વિરોધ કરવા બદલ એક શખ્સે 20 વર્ષની યુવતીને ચાલતી ટ્રેનમાંથી નીચે ફેંકી દીધી હતી. આ ઘટનામાં યુવતીનો એક હાથ કપાઈ ગયો છે, જ્યારે માથામાં ગંભીર ઈજાઓ થતાં 12 ટાંકા આવ્યા છે. આ ઘટનાએ લોકલ ટ્રેનોમાં મહિલાઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના 4 નવેમ્બર 2026ના રોજ નાયગાંવ સ્ટેશન નજીક બની હતી. બોરીવલીથી વિરાર જઈ રહેલી લોકલ ટ્રેનમાં આ બનાવ બન્યો હતો. ઘટના બાદ રેલવે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ઈજાગ્રસ્ત યુવતીની ઓળખ સોફિયા (20) તરીકે થઈ છે.
છેડતીનો વિરોધ કરવો પડ્યો ભારે
મીડિયા અહેવાલો અનુસાર, સોફિયા 4 નવેમ્બરે પોતાની બહેનને મળવા ગોરેગાંવ ગઈ હતી. સાંજે આશરે 7:15 વાગ્યે તે બોરીવલીથી લોકલ ટ્રેન પકડીને નાયગાંવ પરત ફરી રહી હતી. આ દરમિયાન ટ્રેનમાં એક આધેડ વયનો શખ્સ તેની સાથે છેડતી કરી રહ્યો હતો.
યુવતીએ જ્યારે તેનો વિરોધ કર્યો, ત્યારે આરોપીએ તેને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી હતી. પાટા પર પડતાં યુવતીનો એક હાથ ટ્રેનનાં પૈડાં નીચે આવી જતાં કપાઈ ગયો હતો. એટલું જ નહીં, તેના માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને 12 ટાંકા લેવા પડ્યા હતા.
મુસાફરોની સંવેદનહીનતાથી આરોપીને હિંમત મળી!
આ ઘટના અંગે પીડિતાએ જણાવ્યું હતું કે, “ટ્રેનમાં એક અંકલ મને સતત અયોગ્ય રીતે સ્પર્શ કરી રહ્યા હતા. તેથી મેં તેમની સાથે ઝઘડો કર્યો હતો. ટ્રેનમાંથી નીચે ઊતર્યા પછી પણ તેઓ મને ખોટી રીતે સ્પર્શ કરી રહ્યા હતા. ના પાડવા છતાં તેઓ માન્યા નહીં, તેથી તેમને દૂર કરવા માટે મેં એક ચપ્પલ મારી હતી. ત્યારબાદ તેમણે પણ મને ચપ્પલ મારી અને ટ્રેનમાંથી નીચે ધક્કો મારી દીધો હતો.”
યુવતીના જણાવ્યા મુજબ, ટ્રેનમાં હાજર અન્ય મુસાફરોએ આ ઘટના તરફ ધ્યાન આપ્યું નહોતું. તેના કારણે આરોપીને તેને ટ્રેનમાંથી નીચે ફેંકવાની હિંમત મળી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરી
બીજી તરફ, રેલવે પોલીસે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાયંદર રેલવે પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
એક અહેવાલ મુજબ, શરૂઆતમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 74, 117(2) અને 352 હેઠળ કેસ નોંધ્યો હતો. જોકે, તેમાં હત્યાના પ્રયાસ સંબંધિત કલમ 109 ઉમેરવામાં આવી નહોતી. આથી યુવતીના પરિવારે પોલીસ તપાસ સામે સવાલો ઉઠાવ્યા હતા.
પરિવારે રાજ ઠાકરેની પાર્ટી ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેના’ (MNS) પાસે મદદ માગી હતી. ત્યારબાદ GRPએ પરિવારને ખાતરી આપી હતી કે આ કેસમાં ટૂંક સમયમાં સંબંધિત કાયદાકીય કલમો ઉમેરવામાં આવશે.