અમદાવાદ તા.13 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ગુજરાતનાં પ્રવાસે આવશે. આવતીકાલે અંબાજી મંદિરે પુજા દર્શનનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો હોવા છતાં ગુજરાત મુલાકાત યથાવત રખાતા અને મંત્રીઓ સાથે બેઠક નકકી કરવામાં આવતા સરકાર-સંગઠનમાં કૈંક રંધાઈ રહ્યું હોવાની રાજકીય ચર્ચાએ જોર પકડયુ છે.
વડાપ્રધાન મોદીનો મુખ્ય કાર્યક્રમ આજ અને આવતીકાલે હતો.આજે લોકભવનમાં રાત્રીરોકાણ બાદ કાલે અંબાજી માતાજીના દર્શનાર્થે જવાના હતા.પરંતુ કાલે લાભપાંચમે અંબાજી મંદિરે ભકતોનો મોટો પ્રવાહ આવતો હોવાથી વડાપ્રધાન માટેની વ્યવસ્થાને કારણે ભાવિકોને મુશ્કેલી ઉભી થાય તેમ હોવાથી વડાપ્રધાને કાર્યક્રમ મુલત્વી રાખી દીધો હતો હવે તેઓ આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા બાદ સીધા લોકભવન જશે અને રાત્રી રોકાણ બાદ કાલે દિલ્હી પરત ફરશે.
વડાપ્રધાન માત્ર ડીનર અને રાત્રીરોકાણ માટે જ આવી રહ્યાની છાપને પગલે સરકાર સંગઠનમાં કૈંક રંધાતુ હોવાની અટકળો થવા લાગી છે. રાજયના તમામ મંત્રીઓને હાજર રહેવા સુચના આપવામાં આવી છે. અંગત સચીવો કે સુરક્ષા કમાંડોને સાથે નહી રાખવાની સુચના હોવાનું કહેવાય છે. તેને પગલે રાજકીય અટકળોએ વધુ જોર પકડયુ હતું.
વડાપ્રધાન મોદી આશરે 8.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી લોકભવન જશે. જયાં રાજયનાં મંત્રીઓ સાથે ડીનર બેઠક કરશે. આ બેઠકને રાજકીય દ્રષ્ટ્રિકોણથી મહત્વની ગણવામાં આવી રહી છે. મંત્રીઓને સાંજે સાત વાગ્યે જ લોકભવનમાં પહોંચી જવા અને કોઈને સાથે નહીં રાખવા કહેવાયું છે.
ગુજરાતમાં આવતા વર્ષે ચૂંટણી યોજાવાની છે તેથી અંદરખાને તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. તેવા સમયે વડાપ્રધાનની મંત્રીઓ સાથેની ડીનર બેઠક મહત્વની ગણાય છે. સરકારનાં કામકાજ, મંત્રીઓની કામગીરી રાજકીય પડકારો તથા ચૂંટણીલક્ષી તૈયારીની ચર્ચા થવાની શકયતા છે. જોકે, બેઠકનો સતાવાર એજન્ડા જાહેર કરવામાં આવ્યો નથી.
