ઝારખંડની રાજધાની રાંચીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે જેલની અંદર કેદીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. અહીં બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં બંધ રહેલા 20 વર્ષના એક યુવક સાથે યૌન હિંસા કરવામાં આવી હોવાનો આરોપ લાગ્યો છે. યુવકના પિતાનો દાવો છે કે જેલમાં કેટલાક કેદીઓએ તેમના પુત્ર સાથે ત્રણ વખત જબરદસ્તી કરી હતી.એટલું જ નહીં, તેને નશીલા પદાર્થો પણ આપવામાં આવ્યા હતા. યુવકે જેલની અંદર પોતાની સાથે બનેલી ઘટનાની ફરિયાદ કરી ત્યારે કથિત રીતે તેની લેખિત ફરિયાદ ફાડી નાખવામાં આવી હતી. તેને સારવાર પણ આપવામાં આવી નહોતી.
હવે આ મામલે જેલ અધિકારીઓ સહિત કુલ 19 લોકો સામે FIR નોંધવામાં આવી છે. ફરિયાદમાં જેમના પર આરોપ મૂકવામાં આવ્યા છે તેમાં જેલ સુપરિન્ટેન્ડેન્ટ, જેલના કર્મચારીઓ અને અનેક કેદીઓનો સમાવેશ થાય છે. ફરિયાદ મુજબ, પ્રથમ ઘટના 12 જૂન 2026ની રાત્રે બની હતી. જેલની અંદર કેટલાક કેદીઓએ યુવકને બળજબરીથી સાડી પહેરાવી હતી અને યુવતીની જેમ મેકઅપ પણ કર્યો હતો.
ત્યારબાદ તેને બળજબરીથી કોઈ પીણું પીવડાવવામાં આવ્યું હતું, જેના કારણે તે બેભાન જેવી સ્થિતિમાં પહોંચી ગયો હતો. ત્યારપછી તેને ઢસડીને બીજા વોર્ડમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં અનેક લોકોએ તેની સાથે કુકર્મ કર્યું હોવાનો આરોપ છે. આ દરમિયાન તેને ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારબાદ બીજી ઘટના બની ત્યારે પણ આરોપીઓએ આ જ પ્રકારનું કૃત્ય કર્યું હતું. ત્રીજી વખત પણ એ જ આરોપીઓએ તેની સાથે અપ્રાકૃતિક કૃત્ય કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ફરિયાદ કરનાર વ્યક્તિ રાંચીના રાતુ વિસ્તારનો રહેવાસી છે. તેનો 20 વર્ષનો પુત્ર એક કેસમાં વિચારાધીન કેદી તરીકે બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં બંધ હતો. વિચારાધીન કેદી એટલે એવી વ્યક્તિ જેની સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય, પરંતુ જેને હજુ સુધી અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવી ન હોય.
12 જૂને અદાલતે યુવકને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ પરિવારે તેના વર્તનમાં બદલાવ જોયો હતો. તે માનસિક તણાવમાં રહેવા લાગ્યો હતો. પરિવારજનોએ આ અંગે કારણ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે યુવકે જેલની અંદર પોતાની સાથે બનેલી ઘટનાઓ વિશે જણાવ્યું હતું. યુવકના પિતાએ પોલીસને આપેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે જેલમાં બંધ કેટલાક કેદીઓના જૂથે તેમના પુત્ર સાથે ત્રણ વખત યૌન હિંસા કરી હતી. તેને બળજબરીથી નશીલા પદાર્થો પણ આપવામાં આવ્યા હતા.
યુવકના પિતાની ફરિયાદમાં જેલ પ્રશાસન પર પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે પુત્રએ જેલની અંદર બનેલી ઘટનાઓ અંગે લેખિત ફરિયાદ કરી હતી, પરંતુ તેના પર કાર્યવાહી કરવાને બદલે ફરિયાદ ફાડી નાખવામાં આવી હતી. પરિવારનો આરોપ છે કે યુવકને તબીબી સારવારની જરૂર હતી, તેમ છતાં જેલમાં તેની સારવાર પણ કરાવવામાં આવી નહોતી. યુવકના પિતાએ હિંસા આચરનારા કેદીઓ ઉપરાંત જેલ અધિકારીઓ સહિત કુલ 19 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસે શું કહ્યું?
રાંચીના સદર ડીએસપી સંજીવ બેસરાએ જણાવ્યું હતું કે, ગુરુવાર, 12 નવેમ્બરના રોજ ખેલગાંવ પોલીસ સ્ટેશનમાં યુવકના પિતાની ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. આ કેસની તપાસની જવાબદારી સબ ઇન્સ્પેક્ટર મનીષ શિવમને સોંપવામાં આવી છે.
FIRમાં ફરિયાદીએ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરાવવાની અને જેલની અંદર બનેલી ઘટનામાં સામેલ તમામ લોકો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. હવે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે જેલની અંદર બનેલી કથિત ઘટનાઓમાં કોણ-કોણ સામેલ હતું. આ ઉપરાંત ફરિયાદ દબાવી દેવા અને યુવકને તબીબી સારવાર ન આપવાના આરોપોની પણ તપાસ કરવામાં આવશે.
આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ છે કે જો જેલની અંદર કોઈ કેદી સાથે આવી ઘટના બની હતી, તો તેની જાણકારી સમયસર બહાર કેમ ન આવી? શું યુવકે ખરેખર ફરિયાદ કરી હતી? જો ફરિયાદ કરી હતી તો તેના પર કાર્યવાહી કેમ કરવામાં આવી નહોતી? અને શું જેલ પ્રશાસનને આ સમગ્ર મામલાની જાણ હતી? આ તમામ સવાલોના જવાબ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવી શકશે.
