ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં શનિવારે (14 નવેમ્બર) રાત્રે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. નગરા પોલીસ સ્ટેશન વિસ્તારના નિછુઆડીહ વળાંક પાસે પૂરઝડપે જતી કાર બેકાબૂ થઈને ઝાડ સાથે અથડાઈ હતી. ત્યારબાદ કાર હવામાં પાંચ વખત પલટી ખાઈને 20 મીટર દૂર ખાડામાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર ચાર જીગરી મિત્રોનાં મોત નીપજ્યાં હતાં.ચારેય યુવકો એક જ ગામ ગૌવાપારના રહેવાસી હતા. ઘટનાને પગલે આખા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
રસડાના સીઓ રજનીશ યાદવ (કુમાર)ના જણાવ્યા અનુસાર, ગૌવાપાર ગામના રહેવાસી અભિષેક પટેલ, કુણાલ પાસવાન, ગોલુ ઠાકુર અને ધનંજય પટેલ શનિવારે સાંજે ફરવા માટે નગરા બજાર ગયા હતા. રાત્રે આશરે 9:30 વાગ્યે ચારેય ફોક્સવેગન વર્ટસ કારમાં પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન નગરા-બેલ્થરારોડ માર્ગ પર નિછુઆડીહ વળાંક પાસે કાર બેકાબૂ થઈને રસ્તા કિનારે આવેલા ઝાડ સાથે અથડાઈ હતી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કારની ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ધડાકા જેવો અવાજ સંભળાયો હતો. ત્યારબાદ કાર પાંચ વખત પલટી ખાઈને 20 મીટર દૂર આવેલા ખાડામાં જઈને પડી હતી. અવાજ સાંભળીને દોડી આવેલા ગ્રામજનો અને પોલીસે કારનો દરવાજો તોડીને અંદર ફસાયેલા ચારેય યુવકોને બહાર કાઢ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારની એરબેગ્સ ખૂલી હોવા છતાં ચારેય યુવકોનો જીવ બચાવી શકાયો નહોતો.
અકસ્મત બાદ ચારેયને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ અભિષેક અને કુણાલને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ ગોલુ અને ધનંજયને પ્રાથમિક સારવાર બાદ મઉ જિલ્લાના હાયર સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન બંનેએ પણ દમ તોડી દીધો હતો.
અભિષેક પટેલ: છ મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં
અભિષેક ઉત્તરાખંડ સ્થિત IIMમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. દિવાળીના એક દિવસ પહેલાં જ તેઓ ગામ આવ્યા હતા. છ મહિના પહેલાં જ તેમના લગ્ન આકાંક્ષા સિંહ સાથે થયાં હતાં. તેમના પિતા પ્રમોદ પટેલ ખેડૂત છે, જ્યારે માતા આશા સિંહ પટેલ નિવૃત્ત શિક્ષિકા છે. બે પરિણીત બહેનો નીતુ અને રિતુ વચ્ચે અભિષેક માતા-પિતાના એકમાત્ર પુત્ર હતા.
કુણાલ પાસવાન: ખીર બનાવવા દૂધ લેવા નીકળ્યો હતો
બે વર્ષ પહેલાં ITIનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કુણાલ પ્રયાગરાજમાં રહીને રેલવે ભરતીની તૈયારી કરતો હતો. દિવાળીના બે દિવસ પહેલાં જ તે ગામ આવ્યો હતો. તેના પિતા રવિન્દ્ર પ્રસાદ ખાનગી ડ્રાઇવર છે અને માતા શીલા દેવી ગૃહિણી છે. ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટો કુણાલ સાંજે 6 વાગ્યે માતાને કહીને ખીર બનાવવા માટે દૂધ લેવા નીકળ્યો હતો.
ધનંજય પટેલ: ખાનગી શિક્ષક તરીકે કામ કરતો હતો
ત્રણ ભાઈઓ અજય અને વિનયમાં સૌથી નાનો ધનંજય એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે કામ કરતો હતો. આ સાથે તે સરકારી શિક્ષક ભરતીની તૈયારી પણ કરી રહ્યો હતો. તેના પિતા રામપ્રકાશ ખેતીકામ કરે છે, જ્યારે માતા હંસા દેવી ગૃહિણી છે.
ગોલુ ઠાકુર: સેનામાં અને પોલીસમાં જોડાવાનું સપનું હતું
ખેડૂત કમલેશ ઠાકુર અને ગૃહિણી શારદા દેવીના ત્રણ પુત્રોમાં ગોલુ સૌથી નાનો હતો. તે ગામમાં રહીને જ સેનામાં અને પોલીસ વિભાગમાં ભરતી થવાની તૈયારી કરી રહ્યો હતો. જોકે, આ ભયાનક અકસ્માતે ચારેય મિત્રોનાં સપનાં અધૂરાં છોડી દીધાં
