ગુજરાતના 30,000 શિક્ષકો નાપાસ, હવે વિદ્યાર્થીઓની જેમ ખોલાવશે પેપર!

Spread the love

સામાન્ય રીતે શિક્ષકો વિદ્યાર્થીઓની કસોટી લેતા હોય છે. પરંતુ જ્યારે શિક્ષકોની જ કસોટી થાય અને તેમાં મોટી સંખ્યામાં શિક્ષકો નાપાસ થાય તો શું થાય? આ સવાલનો જવાબ ગાંધીનગરમાં જોવા મળ્યો. ટાટ હાયર સેકન્ડરીની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ ઉમેદવારોમાં ભારે રોષ વ્યાપ્યો છે.

 

ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષામાં સ્કોર કરનારા શિક્ષકો ધોરણ 11-12ના શિક્ષક તરીકે નિમણૂક પામે છે.

 

પરંતુ દરેક શિક્ષક આ કસોટીમાં પાસ થઈ શકતા નથી. તમે જાણીને ચોંકી જશો, પરંતુ 30 હજાર જેટલા પરીક્ષાર્થી શિક્ષકો નાપાસ થતાં રાજ્યભરના ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા. આ ઉમેદવારોએ સેક્ટર-21 ખાતે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. અને સત્તાધીશોને આવેદનપત્ર પાઠવીને બંને પેપરના માર્ક જાહેર કરવાની માગ કરી છે. સાથે જ પરિણામની નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરી છે.

 

મોટી વાત એ છે કે રાજ્યમાંથી અંદાજે 47 હજાર 644 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

 

જેમાંથી 16 હજાર 887 જેટલા જ ઉમેદવારો સફળ થયા છે.

 

જ્યારે બાકીના 30 હજાર 754 પરીક્ષાર્થીઓ નાપાસ થયા છે.

 

આટલી મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ નાપાસ થતાં ઉમેદવારોમાં નારાજગી જોવા મળી છે. કારણ કે ઘણા ઉમેદવારો ગોલ્ડ મેડાલિસ્ટ અને PhDનો અભ્યાસ કરી ચૂકેલા ખૂબ જ હોશિયાર ઉમેદવારો હતા.તેજસ્વી વિદ્યાર્થીઓને પણ અપેક્ષિત પરિણામ ન મળતાં તેમણે વિરોધનો માર્ગ અપનાવ્યો છે. ઉમેદવારોનું કહેવું છે કે દરેક ઉમેદવારની ઉત્તરવહી અને આન્સર કી જાહેર કરવામાં આવે. તેમજ મૂલ્યાંકન પદ્ધતિ અને તેના ચોક્કસ નિયમો સ્પષ્ટ કરવામાં આવે. કારણ કે શિક્ષકોના પેપર કયા લેવલના અધ્યાપકોએ ચેક કર્યા છે તે પણ તેમને ખ્યાલ નથી.

 

મોટી વાત એ છે કે આ પરીક્ષા માટે 50 હજાર 66 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી 2 હજાર ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. આ ઉમેદવારોમાંથી મોટાભાગના ઉમેદવારોના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. પરંતુ કુલ બે પેપરના માર્ક્સ સંયુક્ત જાહેર કરાયા છે. બંને પેપરના અલગ-અલગ માર્ક્સ જાહેર કરવામાં નથી આવ્યા. તેને લઈ ઉમેદવારો મૂંઝવણમાં છે. જ્યારે 3 ઉમેદવારો તો એવા છે જેમના પરિણામનો જ કોઈ હિસાબ નથી. તેઓ નાપાસ થયા છે કે પાસ થયા છે? તેની કોઈ જ વિગત જાહેર કરાઈ નથી. આવી બધી ખામીઓને કારણે ઉમેદવારોમાં નારાજગી વ્યાપી છે.

 

ઉમેદવારોને લાગી રહ્યું છે કે તેમની સાથે અન્યાય થયો છે. કારણ કે જે વિષય તેઓ ભણાવતા આવ્યા છે, તે જ વિષયની કસોટીમાં તેઓ નાપાસ કેવી રીતે થઈ શકે? તે એક મોટો સવાલ ઊભો થયો છે. ત્યારે પેપર ચકાસવામાં કોઈ ખામી રહી ગઈ છે કે કેમ? તે પણ એક મોટો સવાલ ઊભો થયો છે. આ બાબતે હવે રાજ્ય પરીક્ષા બોર્ડ શું નિર્ણય લેશે? તેના ઉપર ઉમેદવારોની નજર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *