અમદાવાદ શહેરને ટ્રાફિકમુક્ત કરવા અને રસ્તા પર બેસતા શાકભાજીના ફેરિયાઓને વ્યવસ્થિત જગ્યા આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 60 કરોડ રૂપિયાથી વધુના માતબર ખર્ચે આધુનિક શાકમાર્કેટના થડા તૈયાર કરવામાં આવ્યા હતા. જોકે, તંત્રનો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાલ નિષ્ફળ જતો દેખાઈ રહ્યો છે.કરોડોના ખર્ચે બનેલા આ વેજીટેબલ માર્કેટમાં શાકભાજી વેચવા માટે કોઈ ફેરિયો તૈયાર ન થતાં આખરે તંત્રએ તેનો હેતુ બદલવાની ફરજ પડી છે. હવે આ થડા શાકભાજીના ફેરિયાઓને બદલે કટલરી અને ખાણીપીણી સહિતના અન્ય વ્યવસાયકારોને ફાળવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
રસ્તા પર દબાણ યથાવત, થડા ખાલીખમ
હાલમાં શહેરમાં અંદાજે 15 જેટલા શાકમાર્કેટના થડા સંપૂર્ણપણે બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે. એક તરફ કરોડોના બાંધકામ ખાલી પડ્યા છે, તો બીજી તરફ શહેરના મુખ્ય માર્ગો પર આજે પણ ખુલ્લેઆમ શાકમાર્કેટ ભરાય છે. રસ્તા પર ઉભી રહેતી શાકભાજીની લારીઓના કારણે શહેરીજનોને રોજબરોજ ભારે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પરથી દબાણો અને લારીઓ હટાવવામાં AMC તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે, જે તંત્ર સામે એક મોટો પડકાર બની ગયો છે.
કમિશનરનું નવું સૂચન
કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ મિલકતો બિનઉપયોગી પડી રહેતા હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ મામલે નવો રસ્તો કાઢવામાં આવ્યો છે. કમિશનરે સૂચન કર્યું છે કે, જો શાકભાજીના ફેરિયાઓ આ થડામાં આવવા તૈયાર ન હોય તો આ જગ્યા કટલરી, ખાણીપીણી અને અન્ય પરચુરણ ચીજવસ્તુઓ વેચતા ફેરિયાઓને ફાળવી દેવી જોઈએ, જેથી આ થડાનો યોગ્ય ઉપયોગ થઈ શકે અને રોડ પરના દબાણમાં પણ થોડી રાહત મળે.
