લૂંટના આરોપીઓ પર સુરત પોલીસનો સકંજો! ભાગવા જતા બીજા આરોપીને પણ ધરબી ગોળી

Spread the love

સુરત શહેરમાં 19 નવેમ્બરે સવારે માત્ર 45 મિનિટમાં 5 સિરિયલ લૂંટ અને ચાકુબાજીની ઘટનાઓને અંજામ આપી આતંક મચાવનાર બંને લૂંટારુઓને સુરત પોલીસે 24 કલાકની અંદર બે અલગ-અલગ ‘હાફ એન્કાઉન્ટર’માં દબોચી લઈ કાયદાનો પરચો બતાવ્યો છે. ગત મોડી રાત્રે લિંબાયત પોલીસ સ્ટેશનના PI ડી. ડી. ચૌહાણ પર ચપ્પુ વડે હુમલો કરનાર પ્રથમ આરોપી પરવેઝ અન્સારીના ડાબા પગમાં પોલીસે સ્વબચાવમાં ગોળી મારી ઝડપી લીધો હતો, જેના કલાકો બાદ આજે ક્રાઈમ બ્રાંચના જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરનાર બીજા આરોપી લક્ષ્મણકુમાર ઉર્ફે ગુડુ યાદવના પગમાં પણ PSI શૈલેષ દુબેએ ફાયરિંગ કરીને તેને ઝડપી પાડ્યો છે.

 

ખાસ નોંધનીય છે કે, લિંબાયત પોલીસે છેલ્લા 6 મહિનામાં બીજી વખત મધરાતે હાફ એન્કાઉન્ટર કરી ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો છે. આ અગાઉ 11 મે, 2026ના રોજ પણ પોલીસે એક હત્યાના આરોપી પર ફાયરિંગ કરી તેને ઝડપી પાડ્યો હતો.

બીજા આરોપીની ધરપકડ સમયે ટી-શર્ટમાં વોન્ટેડ અને પિસ્તોલનો સિમ્બોલ

 

ક્રાઈમ બ્રાન્ચે જ્યારે આરોપી લક્ષ્મણની ધરપકડ કરી, ત્યારે તેણે પહેરેલા ટી-શર્ટ પર બંદૂક અને ‘વોન્ટેડ’નો સિમ્બોલ છપાયેલો હતો, જે તેની ગુનાહિત માનસિકતા દર્શાવતો હતો. જોકે, આરોપીને અંદાજ પણ નહોતો કે ટી-શર્ટ પર ચીતરેલી આ ઓળખ ગણતરીના કલાકોમાં જ તેની સાથે વાસ્તવિકતા બની જશે; ધરપકડના થોડા જ કલાકોમાં તેના ટી-શર્ટ પર જે પ્રકારની પિસ્તોલ છપાયેલી હતી એવી જ પિસ્તોલમાંથી છૂટેલી પોલીસની ગોળી આરોપી લક્ષ્મણના પગમાં વાગી હતી.

 

ટાયર ચેક કરવા ઊભેલી ગાડીમાં PSIની રિવોલ્વર ખેંચી હુમલાનો પ્રયાસ કરતા ફાયરિંગ

 

ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં એક જ રાતમાં 45 મિનિટના ગાળામાં વરાછા, મહિધરપુરા અને કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 લૂંટ અને 2 ગંભીર ઈજા (ગ્રીવીયસ હર્ટ) સહિત કુલ 5 ગુના નોંધાયા હતા. આ ગુનામાં સામેલ એક આરોપીને અગાઉ લીંબાયત પોલીસે ઝડપતી વખતે થયેલા હુમલા બાદ ફાયરિંગ કરીને પકડ્યો હતો, જ્યારે બીજા આરોપીને ક્રાઈમ બ્રાંચની ટીમે લીંબાયતની મમતા ચોકી પાસેથી ઝડપી પાડ્યો હતો. પૂછપરછ બાદ આ બીજા આરોપીને ક્રાઈમ બ્રાંચની ઓફિસથી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન સ્વામિનારાયણ મંદિર આસપાસ પોલીસ ગાડીના આગલા ટાયરમાં હવા ઓછી જણાતા ગાડી ઊભી રાખવામાં આવી હતી.

આ સમયે ડ્રાઈવર અને બે કોન્સ્ટેબલ ટાયર તપાસવા માટે ગાડીમાંથી નીચે ઊતર્યા હતા, જ્યારે ગાડીમાં PSI અને આરોપી બાજુ-બાજુમાં બેઠા હતા.

 

આરોપીને હથકડી પહેરાવવામાં આવી ન હોવાથી તેણે તકનો લાભ ઉઠાવી બાજુમાં બેઠેલા PSIની રિવોલ્વર ખેંચવાનો અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ફાયરિંગ કરશે એવા ડરથી ભાગવાનો પ્રયત્ન કરતા અને પોલીસ પર હુમલાની કોશિશ કરતા સ્વબચાવમાં પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં આરોપીને પગમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે અને તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.

 

2.7 કિમીના સીધા રસ્તાને બદલે 12.4 કિ.મી.નો લાંબો રૂટ કેમ પસંદ કરાયો?

 

સીરીયલ લૂંટ કેસના બીજા આરોપી લક્ષ્મણના હાફ-એન્કાઉન્ટર બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પસંદ કરવામાં આવેલા રૂટ અને અંતરને લઈને મોટા સવાલો ઊભા થયા છે. ચોક બજાર સ્થિત સુરત ક્રાઈમ બ્રાન્ચની ઓફિસથી નવી સિવિલ હોસ્પિટલ (મજુરા ગેટ) જવાનો રૂટીન અને સીધો રસ્તો માત્ર 2.7 કિલોમીટરનો છે, જ્યાં કાર દ્વારા અંદાજે 10 મિનિટમાં પહોંચી શકાય છે. આમ છતાં, ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીને સીધા રસ્તે લઈ જવાને બદલે નહેરુ બ્રિજ, અડાજણ અને BAPS સ્વામિનારાયણ મંદિર થઈને અંદાજે 12.4 કિલોમીટરનો લાંબો ચકરાવો ફરીને હોસ્પિટલ લઈ જઈ રહી હતી, જેમાં સામાન્ય ટ્રાફિકમાં પણ લગભગ 33 મિનિટ જેટલો સમય લાગે છે.

 

હથકડી વગર જ આરોપીને અડાજણ થઈને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાતા તર્ક-વિતર્ક

 

આ લાંબા રૂટ અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એવી દલીલ કરવામાં આવી છે કે ચોક બજાર વિસ્તારમાં સાંકડો રસ્તો અને ટ્રાફિક રહેતો હોવાથી આ રસ્તો પસંદ કરાયો હતો, પરંતુ અડાજણ વિસ્તારમાં પણ એટલો જ ટ્રાફિક રહેતો હોવાથી પોલીસની આ થિયરી ગળે ઉતરે તેવી નથી. 2.7 કિમીના અંતર સામે 4 ગણાથી વધુ એટલે કે 12.4 કિમીનો રસ્તો કાપવા પાછળ વધારે સમય અને અંતર હોવા છતાં આ રૂટ કેમ પસંદ કરાયો તે ચર્ચાનો વિષય બન્યો છે, અને તેમાં પણ સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે આટલા લાંબા રૂટ પર લઈ જતી વખતે આરોપી લક્ષ્મણને હથકડી પણ લગાવવામાં આવી નહોતી.

જમણા પગના નીચેના ભાગે 2 સેમી ઊંડો ગોળીનો ઘા, સર્જનો દ્વારા તપાસ શરૂ

 

મુકેશ બલદાનીયા (CMO) એ જણાવ્યું હતું કે, ક્યાંક ફાયરિંગની ઘટના બનતા જમણા પગના નીચેના ભાગે ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત થયેલા લક્ષ્મણભાઈ ઉર્ફે ગુડુ દિલીપ ઉર્ફે ઇન્દ્ર યાદવ નામના દર્દીને સારવાર અર્થે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. આ ઘટનામાં કોઈ પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હોવાની વિગત નથી.

 

રિપોર્ટ બાદ ચોક્કસ માહિતી સામે આવશે.

 

લિંબાયત પોલીસ સ્ટેશનના PI ડી. ડી. ચૌહાણે જણાવ્યું કે,

 

66 ગત રાત્રે પેટ્રોલિંગ સમયે પોલીસને જોઈને એક શખસ ભાગવા લાગ્યો હતો. શંકા જતાં પોલીસ કર્મચારી અનિલકુમાર અમરસિંહ તેને પકડવા પાછળ દોડયા હતા. આ દરમિયાન શખસે પોતાની પાસે રહેલું ચપ્પુ કાઢી અનિલકુમારને કમરના ભાગે મારી દીધું હતું. ત્યારે આરોપીને ચપ્પુ ફેંકી દેવા ચેતવણી આપી હતી, પરંતુ માન્યો નહીં એટલે, પહેલા એક રાઉન્ડ હવામાં અને તેમ છતાં તે તાબે ન થતાં બીજો રાઉન્ડ તેના પગ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

નાઈટ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હિલચાલ અને પીછો

 

શહેરમાં ગુનાખોરી ડામવા લિંબાયત પોલીસ સ્ટેશનની ટીમ PI ડી.ડી. ચૌહાણની આગેવાનીમાં રાત્રિના આશરે 3 વાગ્યાના અરસામાં સરકારી વાનમાં નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી. પોલીસની ટીમ જ્યારે લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અંધારામાં ઉભેલો એક શંકાસ્પદ શખસ પોલીસની ગાડી જોઈ અચાનક ગભરાઈ ગયો હતો અને ગ્રાઉન્ડ તરફ દોટ મૂકી હતી. આ શખસની શંકાસ્પદ હિલચાલ જોઈને પીઆઈ ડી.ડી. ચૌહાણ અને સ્ટાફના જવાનોએ તાત્કાલિક સરકારી વાનમાંથી નીચે ઉતરી અંધારામાં આ શખસનો પીછો શરૂ કર્યો હતો અને તેને ચારેબાજુથી ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

કોન્સ્ટેબલના પેટમાં ચપ્પુ હુલાવ્યું, સ્વબચાવમાં PIએ ગોળી ચલાવી

 

પોલીસ ટીમ જ્યારે દોડીને આરોપીની એકદમ નજીક પહોંચી ગઈ ત્યારે સાથે રહેલા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અનિલકુમાર અમરસિંહે હિંમત દાખવી આરોપીને દબોચી લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આરોપીએ પોતાની કમરમાં છુપાવેલું ચપ્પુ કાઢી કોન્સ્ટેબલ અનિલકુમારના પેટના ભાગે હુલાવી દીધું હતું, જેના કારણે કોન્સ્ટેબલ લોહીલુહાણ થઈ ગયા હતા. પરિસ્થિતિ અત્યંત ગંભીર બનતા પીઆઈ ડી.ડી.

 

ચૌહાણે આરોપીને ચપ્પુ ફેંકી દેવા ચેતવણી આપી હતી અને તેને ડરાવવા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. તેમ છતાં આરોપી સરેન્ડર થવાને બદલે ઉશ્કેરાઈને ખુલ્લા ચપ્પુ સાથે પીઆઈ પર પણ જીવલેણ હુમલો કરવા ધસી આવ્યો હતો. આખરે, પોતાનો અને સ્ટાફનો જીવ બચાવવા પીઆઈએ સ્વબચાવમાં ફાયરિંગ કરીને આરોપીના પગના ભાગે ગોળી ધરબી દીધી હતી.

ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલ અને આરોપીને અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડાયા

 

આ દરમિયાન આરોપીના ડાબા પગમાં ગોળી વાગતા તે સ્થળ પર જ ફસડાઈ પડ્યો હતો, જે બાદ પોલીસે તેને કાબૂમાં લઈ લીધો. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. આરોપીને કડક પોલીસ જાપ્તા હેઠળ સારવાર માટે રિક્ષામાં સુરતની નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. જ્યારે આરોપીના હુમલામાં ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલ અનિલકુમારની લિંબાયતની ગેલેક્સી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

કતારગામમાં બનેલી ઘટના CCTVમાં કેદ થઈ હતી કતારગામ વિસ્તારના ગજેરા સર્કલ પાસે બનેલી લૂંટની ઘટના નજીકમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક વ્યક્તિ રસ્તા પર એકલો ચાલતો જઈ રહ્યો છે, ત્યારે બાઈક પર પરવેઝ અને ગુડ્ડ ત્યાં ધસી આવે છે અને ચપ્પુ બતાવી લૂંટનો પ્રયાસ કરે છે. ભોગ બનનાર વ્યક્તિ હિંમત દાખવીને પ્રતિકાર કરે છે અને બંને લૂંટારુઓને પકડવા ઝપાઝપી કરે છે. આ દરમિયાન બાઈક પર બેઠેલો લૂંટારો સંતુલન ગુમાવતા બાઈક સાથે નીચે પટકાય છે, પરંતુ બીજો લૂંટારો ચાકુથી હુમલો કરતા અંતે તે વ્યક્તિ લાચાર બની જાય છે અને બંને લૂંટારુઓ બાઈક લઈને ત્યાંથી ફરાર થઈ જાય છે.

ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારની લૂંટનો ભેદ ઉકેલાયો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા આરોપીની ઓળખ મૂળ ઝારખંડ અને હાલમાં લિંબાયતના મમતા ટોકીઝ પાસે રહેતા પરવેઝ મુશરફ અન્સારી તરીકે થઈ. આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તેણે ગઈકાલે વહેલી સવારે પોતાના સાગરિત લક્ષ્મણ ઉર્ફે ગુડુ સાથે મળી શહેરના વરાછા, કતારગામ અને મહિધરપુરામાં રાહદારીઓને નિશાન બનાવી લૂંટને અંજામ આપ્યો હતો. ગજેરા સર્કલ પાસે પોલીસે આરોપી પાસેથી લૂંટ કરેલા સહિત 6 મોબાઈલ સહિત ₹66000નો મુદ્દામાલ કબજે કર્યો.

6 મહિના પહેલાં 11 મેના રોજ પણ લિંબાયત પોલીસે કર્યું હતું ફાયરિંગ

 

લિંબાયત પોલીસ દ્વારા ગુનેગારો પર ફાયરિંગ કરવામાં આવ્યું હોય તેવી 6 મહિનામાં આ બીજી ઘટના છે.

 

11 મેના રોજ લિંબાયતના રામજી મંદિર પાસે બાઈક અથડાવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં 17 વર્ષીય અનુરાગ પવાર નામના યુવકની જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી.

 

આ હત્યાના ગુનામાં ફરાર આરોપી રાહુલ જોગીને લિંબાયત પોલીસ બાતમીના આધારે મીઠી ખાડી પાસેથી પકડવા ગઈ ત્યારે તેણે પણ પોલીસ કોન્સ્ટેબલ મુકેશ બાગુલ પર ચપ્પુથી હુમલો કરી શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. તે સમયે પણ પોલીસે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કરી આરોપી રાહુલ જોગીના પગમાં ગોળી મારી તેને ઝડપી પાડ્યો અને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *