પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?

Spread the love

જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને પાટીદાર યુવક મનીષભાઈ ઝાલાવાડિયા વચ્ચેનો વિવાદ હવે વધુ વકર્યો છે. હાઈવે પર યુવક સાથે થયેલી બોલાચાલી, ગાળાગાળી અને મારામારીના આક્ષેપોનો વીડિયો વાયરલ થયા બાદ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સમગ્ર મામલે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. બીજી તરફ, ધારાસભ્યના ડ્રાઈવર પરેશભાઈએ પણ આ વિવાદમાં નવો ખુલાસો કર્યો છે.ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જણાવ્યું કે, વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે મનીષભાઈના DJ અને વાહનો ભાડે રાખ્યાં હતાં. જોકે, વર્ષ 2024ની ચૂંટણી દરમિયાન મનીષભાઈનાં કોઈ વાહનો ભાડે રાખ્યાં ન હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું.

 

ગરબીમાં ફાળો ન આપવાના આરોપોને ફગાવ્યા

 

મનીષભાઈ દ્વારા ગરબીમાં ફાળો ન આપતા હોવાના આક્ષેપો અંગે લાડાણીએ જણાવ્યું કે, તેમણે ઉમા ખોડલ ગરબી મંડળમાં પોતાની યથાશક્તિ પ્રમાણે ફાળો આપ્યો છે. આ મામલે ગરબી મંડળની વ્યવસ્થાપક કમિટીને ફાળાની હકીકત તપાસવા પણ તેમણે જણાવ્યું હતું.

 

ડ્રાઈવર અને વેપારી વચ્ચેના વિવાદથી અજાણ હોવાનો દાવો

 

ધારાસભ્યએ જણાવ્યું કે, પોતાના ડ્રાઈવર પરેશભાઈ અને મનીષભાઈ વચ્ચે શું વિવાદ થયો હતો તેની તેમને જાણ નહોતી. જોકે, ગરબીના કાર્યક્રમ દરમિયાન મનીષભાઈએ ડ્રાઈવર અને પોતાને ગાળો આપી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. અરવિંદ લાડાણીએ મનીષભાઈ પર આયોજનપૂર્વક કાવતરું રચવાનો આરોપ લગાવ્યો હતો. તેમને ફસાવવા માટે મનીષભાઈ કેમેરાવાળી બોલપેન લઈને ફરતા હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. વધુમાં, મનીષભાઈ ત્રણથી ચાર વર્ષ પહેલાં જ જૂનાગઢ રહેવા જતા રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. અગાઉ મનીષભાઈએ પોતાની ભૂલ સ્વીકારી માફી માગી હોવાનું પણ લાડાણીએ જણાવ્યું હતું.

 

ડ્રાઈવર પરેશભાઈએ પણ કર્યો મોટો દાવો

 

આ વીડિયો સામે આવ્યા બાદ વેપારી મનીષભાઈ ઝાલાવાડિયાએ ધારાસભ્ય અરવિંદ લાડાણી વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી હતી. હવે ધારાસભ્ય અને તેમના ડ્રાઈવરના નિવેદન બાદ આ સમગ્ર વિવાદમાં નવા વળાંકો આવી રહ્યા છે. જોકે, બંને પક્ષના આક્ષેપો અંગે સત્તાવાર તપાસમાં શું હકીકત સામે આવે છે તે જોવું રહ્યું. માણાવદરમાં વેપારીને જાહેરમાં ગાળો ભાંડનાર ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીને લઈ નવો વળાંક આવ્યો છે. ધારાસભ્યના ડ્રાઈવર પરેશભાઈએ ફરિયાદી મનિષભાઈ સાથે પોતાને જ વાંધો હોવાનો દાવો કર્યો હતો. નવરાત્રિ દરમિયાન ફરિયાદી મનિષભાઈ સાથે બબાલ થઈ હતી. જો કે ધારાસભ્ય અરવિંદ લાડાણીને રાજકીય હાથો બનાવી બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો પણ પરેશભાઈએ આરોપ લગાવ્યો હતો. 2 દિવસ પહેલા અરવિંદ લાડાણીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ હાઈવે પર કારમાંથી ઉતરી યુવકને બેફામગાળો ભાંડી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં યુવકને લાફો ઝીંકી ધમકી આપ્યાનો પણ આરોપ લગાવ્યો હતો. જે બાદ વેપારી મનીષભાઈ ઝાલાવાડિયાએ ધારાસભ્ય સામે લેખિત ફરિયાદ પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *