અમરેલીમાં પત્નીની હત્યા બાદ પતિએ પુત્ર સાથે જીવન ટૂંકાવ્યું! એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોતથી અરેરાટી

Spread the love

અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં પત્નીની હત્યા કર્યા બાદ પતિ પોતાના પુત્રને લઈને ધોલેરા તાલુકાના કાદીપુર ગામે પહોંચ્યા હતા, જ્યાં પિતા-પુત્રએ (Amreli Crime News) ઝેરી દવા પી લઈને આપઘાત કરી લેતાં બંનેનાં મોત નીપજ્યાં હતાં. બીજી તરફ, બાબરાના ખોજા શેરી વિસ્તારમાંથી પત્ની શારદાબેનનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.ઘરકંકાસની આશંકા વચ્ચે એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોતની આ ઘટનાથી બાબરા અને ધોલેરા પંથકમાં શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.

 

પ્રાથમિક વિગતો મુજબ, બાબરાની ખોજા શેરીમાં રહેતાં 42 વર્ષીય શારદાબેન વિનોદભાઈ ગોહેલનો મૃતદેહ તેમના ઘરમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. પરિવારજનો દ્વારા તેમની શોધખોળ ચાલી રહી હતી, તે દરમિયાન બાબરા પોલીસને જાણ કરાતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં DYSP સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું હતું કે પતિ વિનોદભાઈ ગોહેલે ઘરકંકાસના કારણે ધોકા અને પથ્થર વડે હુમલો કરી શારદાબેનની હત્યા કરી હતી.

 

પત્નીની હત્યા કર્યા બાદ વિનોદભાઈ ઘરને બંધ કરીને પોતાના પુત્ર રોહનને સાથે લઈને ધોલેરા તાલુકાના કાદીપુર ગામે પોતાના મૂળ ઘરે ગયા હતા. અહીં ગત રાત્રે પિતા-પુત્રએ અલગ-અલગ રૂમમાં જઈને ઘઉંમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી, જેના કારણે બંનેનાં કરુણ મોત થયાં હતાં.

 

મળતી માહિતી અનુસાર, વિનોદભાઈ ગોહેલ અગાઉ કાદીપુર ગામમાં જ રહેતા હતા અને થોડા સમય પહેલાં જ બાબરાની ખોજા સોસાયટીમાં સ્થાયી થયા હતા. તેઓ હીરાના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. છેલ્લા કેટલાક સમયથી પરિવારમાં નાની-મોટી બાબતોએ બોલાચાલી અને ઘરકંકાસ ચાલતો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, જોકે આ સમગ્ર ઘટના પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

 

DYSPના જણાવ્યા મુજબ, મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પુત્ર સાથે ધોલેરા જઈ આપઘાત કર્યો હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. હાલ બાબરા પોલીસે હત્યા મામલે ગુનો નોંધવા સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *