પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, – ‘સમાજના નામે રાજકીય ગંધ’

Spread the love

પ્રફુલ પટેલની સામાજિક એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉગ્ર સવાલો ઉઠાવતા ગુજરાતના રાજકારણમાં નવો વિવાદ જાગ્યો છે. ચૌધરી સમાજના મંચેથી અપાયેલા નિવેદનમાં રાજકીય ગંધ આવતી હોવાનો આક્ષેપ કરતા વસોયાએ ભાજપ પર સમાજના ભાગલા પાડવાનો પ્રયાસ કર્યાનો ગંભીર દાવો કર્યો છે.

 

 

તાજેતરમાં ચૌધરી સમાજના મંચ પરથી પ્રફુલ પટેલે કરેલી સામાજિક એકતાની અપીલ સામે લલિત વસોયાએ ખુલ્લી અસહમતિ વ્યક્ત કરી છે.વસોયાના જણાવ્યા મુજબ, સમાજની એકતાના નામે થતી આ વાતો પાછળ સ્પષ્ટ રાજકીય હેતુ રહેલો છે. તેમણે દાવો કર્યો કે લેઉવા અને કડવા પાટીદાર સમાજ પહેલેથી જ એકજૂથ છે, તેથી એકતાના નવા નાટકની જરૂર નથી. ઊલટાનું, સમાજના ભાગલા પાડવાનું કામ ભાજપે કર્યું હોવાનો આક્ષેપ લલિત વસોયાએ મૂક્યો છે.

 

ધાર્મિક અને ઐતિહાસિક મુદ્દાઓ પર પણ વસોયાએ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે મા ઉમિયા, મા ખોડલ અને મા અર્બુદા એમ ત્રણેય દેવીઓનો ઇતિહાસ અને અસ્તિત્વ અલગ-અલગ છે, જેને એકસાથે જોડવા યોગ્ય નથી. આ ઉપરાંત, ખેતી કરનારા તમામ લોકો પાટીદાર હોવાની માન્યતા સામે પણ તેમણે સવાલો ઉભા કર્યા હતા. વસોયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક અન્ય સમાજો પણ છે, તેથી ખેતી અને પાટીદાર સમાજને એકરૂપ ગણવાની દલીલ તથ્યહીન છે. ચૌધરી સમાજના મંચનો ઉપયોગ કરીને રાજકીય સંદેશા આપવાના પ્રયાસ સામે તેમણે વાંધો ઉઠાવતા કહ્યું કે સામાજિક મંચો પર રાજનીતિ ન થવી જોઈએ.

 

લલિત વસોયાના આ નિવેદનોએ સામાજિક એકતા અને રાજકીય વ્યૂહરચના વચ્ચેની ખેંચતાણને વધુ તીવ્ર બનાવી છે. આગામી સમયમાં પાટીદાર અને અન્ય સમાજોના મંચો પરથી આ મુદ્દે વધુ પ્રતિક્રિયાઓ સામે આવે તેવી શક્યતા છે, જેની સીધી અસર રાજ્યના રાજકીય સમીકરણો પર પડી શકે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *