બુધવારે બપોરે મહારાષ્ટ્રના પુણેના શિવાજીનગર ખાતે હત્યાના આરોપી યુવક પર જીવલેણ હુમલો થયો હતો. હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેને જોઈને જ ધ્રુજી જવાય. છ જેટલા આરોપીઓએ ભર-બજારે યુવકના હાથ કાપી નાખ્યા હતા. આ દરમિયાન ફાયરિંગ પણ થયું હતું. હુમલાખોરોએ ધારિયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં મંદાર કિવાલે નામનો યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.જે બાદ તેને તાત્કાલિક સસૂન જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો. આ અંગેના સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે હુમલાખોરો હુમલા બાદ આરામથી સ્કૂટર પર સવાર થઈને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.
મંદાર કિવાલે પર કેવી રીતે હુમલો થયો?
સામે આવેલા વીડિયો અને પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે હુમલાખોરોએ મંદાર કિવાલેને ઘેરી લીધો હતો અને તેના પર ધારદાર હથિયારથી ઉપરાછાપરી હુમલો કરી દીધો હતો. પોલીસને ઘટનાસ્થળેથી બે પિસ્ટલ અને એક મેગઝીન પણ મળી આવી છે. શરૂઆતની તપાસમાં એવું સ્પષ્ટ થયું નથી કે ગોળી ચાલી હતી કે નહીં. હુમલા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
મંદાર કિવાલે કોણ?
હુમલામાં ઘાયલ વ્યક્તિની ઓળખ મંદાર કિવાલે તરીકે થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંદાર કિવાલે શુભમ ચવ્હાણ હત્યાકાંડનો આરોપી છે. એટલે કે શક્ય છે કે વેરભાવમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે મંદારને ગંભીર ઈજા પહોંચી છે. હાલ તેની સારવાર ચાલી રહી છે. એવા પણ સમાચાર પ્રાપ્ત થયા છે કે ઘાયલ થયેલા બે લોકોમાંથી એક વ્યક્તિ હુમલા પહેલા કોર્ટમાં ગયો હતો. ઘાયલ થયેલા વ્યક્તિમાંથી મંદાર 2025માં સંતોષ નગર ખાતે થયેલી હત્યાનો આરોપી હતો. એવી પણ માહિતી મળી છે કે મંદાર તાજેતરમાં જેલમાંથી છૂટ્યો હતો અને કોર્ટમાં હાજરી આપવા ગયો હતો.
મંદાર પર હુમલાનું સંભવિત કારણ શું હોઈ શકે?
પોલીસને આશંકા છે કે જૂની દુશ્મનીમાં મંદાર પર હુમલો થયો હોઈ શકે છે. કારણ કે મંદાર કિવાલે શુભમ ચવ્હાણ હત્યા કેસનો આરોપી છે. પોલીસ હવે એ તપાસમાં લાગી છે કે કોર્ટ પરિસર બહાર મંદાર પર હુમલો કરનાર લોકો કોણ હતા. હાલ હુમલાનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.
મંદાર પર કેટલા વાગ્યે હુમલો થયો?
પુણે શહેરના ક્રાઇમ બ્રાંચના ડીસીપી ગૌહર હસને જણાવ્યું કે, “પોલીસને બપોરે 1:15 વાગ્યે એક વ્યક્તિ પર કોર્ટ બહાર હુમલો થયાની જાણ થઈ હતી. વ્યક્તિ પર ધારદાર હથિયારથી હુમલો થયો હતો. લોકલ ઇન્ટેલિજન્સ અને સીસીટીવીના માધ્યમથી હુમલાખોરોની ઓળખ કરવાના પ્રયાસો શરૂ છે. હાલ ઈજાગ્રસ્તની હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.”
હુમલો ક્યાં થયો?
પુણેના શિવાજીનગરની ફેમિલી કોર્ટની સામે આવેલા ગેટ નંબર ચાર પર આ હુમલો થયો હતો. હુમલો બુધવારે બપોરે એક વાગ્યે થયો હતો. પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે પીડિતનો એક હાથ કાંડાથી અલગ થઈ ગયો હતો અને પોલીસને તે બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. હુમલામાં કુલ બે લોકો ઘાયલ થયાની વિગત છે, જેમાંથી મંદારની હાલત ગંભીર છે.